છતાં ગામ આવ્યું નહીં – ભગવતીકુમાર શર્મા
જન્મ-ક્ષણથી હું ચાલ્યા કરું છું છતાં ગામ આવ્યું નહીં;
ડગ તો સાચા જ માર્ગે ભરું છું છતાં ગામ આવ્યું નહીં.
ગામ-ભાગોળના ઝાંખા દીવાના અણસાર વર્તાય છે;
આંખ પર નેજવું હું ધરું છું છતાં ગામ આવ્યું નહીં.
ચિરપરિચિત પડોશી, સ્વજન સર્વનાં નામ સંભારીને;
મોટે સાદેથી હું ઉચ્ચરું છું છતાં ગામ આવ્યું નહીં.
વાવ, કૂવા, સરોવર, નદી સર્વ સુક્કાં અને ખાલીખમ;
મારા પડઘાઓ એમાં ભરું છું છતાં ગામ આવ્યું નહીં.
ઘરના વાડામાં રોપ્યું’તું જે ઝાડવું એની લીલાશ ક્યાં?
પીંછાં શો હું ટપોટપ ખરું છું, છતાં ગામ આવ્યું નહીં.
હું વિખૂટો છું મારા વતન-ગામથી જન્મજન્માંતરે;
મૂળથી તૂટીને થરથરું છું છતાં ગામ આવ્યું નહીં.
– ભગવતીકુમાર શર્મા
સહેલું નથી. આદિ શંકરાચાર્યએ કહ્યું છે – ” કોટિ એ એકને બ્રહ્મજિજ્ઞાસા જાગૃત થાય. જેની જિજ્ઞાસા જાગે એવા કોટિ માંથી એક બ્રહ્મને પામે ”
ગામ આવવું સહેલું નથી.
pragnajuvyas said,
February 24, 2021 @ 9:24 AM
અફલાતુન ગઝલનો અદભુત મત્લા
જન્મ-ક્ષણથી હું ચાલ્યા કરું છું છતાં ગામ આવ્યું નહીં;
ડગ તો સાચા જ માર્ગે ભરું છું છતાં ગામ આવ્યું નહીં.
ઘણા ખરાની વેદનાની સહજ અનુભિતી.
ટ્રેન એવી રીતે પસાર થઈ,
માર્ગમાં એનું ગામ આવ્યું નહીં !
યાદ આવે તેમની આવી જ વેદના વર્ણવતી
ફેલાઈ ગઈ’તી રાત, પણ દીવો થયો નહીં,
મેં આદરી’તી વાત, પણ દીવો થયો નહીં.
નભ-માંડવેથી કોઈ સમેટી રહ્યું હતું,
તારાઓની બિછાત, પણ દીવો થયો નહીં.
વેળા થઈતી મંગળા દેવારતીની લ્યો !
મ્હોર્યું’તું પારિજાત, પણ દીવો થયો નહીં.
અજવાળું વાટ જોતું હતું ઘરની આડશે,
ધાર્યું કરી શકાત, પણ દીવો થયો નહીં.
મનમાં તો ભાવ, શબ્દ અને લયનો હણહણાટ,
નક્કી ગઝ્લ લખાત, પણ દીવો થયો નહીં.