ઈશ્વરને પણ ભુલાવામાં નાંખી શકે છે,
માણસની જાત દોસ્ત, બડી નામચીન છે.
ભગવતીકુમાર શર્મા

(ખુદવફાઈ માંગે છે) – ગુણવંત ઠક્કર ‘ધીરજ’

ચીજ ક્યાં એ પરાઈ માંગે છે,
જિંદગી ખુદવફાઈ માંગે છે.

ક્યાં કોઈ વારસાઈ માંગે છે,
ભાઈ છે તું, એ ભાઈ માંગે છે.

એ ફકત માણસાઈ માંગે છે,
કેમ તું પાઈ પાઈ માંગે છે.

યાદ કરવાની પણ મનાઈ કરી,
આ તુ કેવી જુદાઈ માંગે છે!

ચામડીથી એ સાંધવાય પડે,
જ્યાં સંબંધો સિલાઈ માંગે છે.

ધનની માફક તમે છુપાવી જે,
લોકો એ માણસાઈ માંગે છે.

હોય એવા રજૂ થવાનું બસ,
સત્ય ક્યાં બીજું કાંઈ માંગે છે.

દરગુજર મેં કર્યુ તો સામે એ,
ઊલટી મારી સફાઈ માંગે છે.

– ગુણવંત ઠક્કર ‘ધીરજ’

કોઈપણ પ્રકારની તાજપોશીની કામના વિના સંતની પેઠે ગઝલના ગોખમાં બેસીની કાવ્યારાધના કર્યે રાખતા સુરતના ગુણવંત ઠક્કરનું ધીરજ તખલ્લુસ સાચે જ એમના સ્વભાવને ઉજાગર કરે છે. અજાતશત્રુ અને દરિયાદિલ – આ બે જ શબ્દો એમની ઓળખ માટે પૂરતા છે. ઊંડી કાવ્યસૂઝના માલિક આ કવિમિત્રની કોઈ સ્વતંત્ર રચના લયસ્તરો પર આજ સુધી આવી જ નથી એ લયસ્તરોનું જ કમભાગ્ય ગણાય… સ્વાગત, ગુણવંતભાઈ!

ટૂંકી બહેરની આ ગઝલમાં ચુસ્ત કાફિયા સાથે એમણે કેવું અદભુત કામ પાર પાડ્યું છે! જિંદગી આપણી પાસે કશું વધારાનું કે બીજાનું માંગતી જ નથી, આપણે આપણી પોતાની જાત સાથે વફાદારી કરી શકીએ એટલું જ જિંદગી ઇચ્છે છે પણ આપણામાંથી કેટલા આ કરી શકે છે? સંબંધો ફાટી જાય તો ચામડીથી પણ સાંધવા પડી શકે છેની વાત કરતો શેર તો અજરામર થવા સર્જાયો છે. જૂઠને લાખ વાનાંની જરૂર પડે, સત્યને તો માત્ર હોઈએ એમ ને એમ રજૂ થઈ જઈએ એ જ અભિપ્રેત છે. છેલ્લો શેર પણ મજબૂત થયો છે. આપણે મન મોટું રાખીને કશું જતું કરીએ તો આજનો જમાનો એવો છે, કે આ મનમોટાઈને માન આપવાના બદલે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટેના ન્યાયે આપણી સફાઈ માંગવામાં આવે છે.

14 Comments »

  1. Sandip Pujara said,

    November 26, 2020 @ 1:01 AM

    વાહ..ટૂંકી બહેરમાં ખુબ સરસ માર્મિક ગઝલ 

  2. Rinku Rathod said,

    November 26, 2020 @ 1:27 AM

    ટુંકી બહેરમાં ઘણું બધું કહી દીધું. લયસ્તરોનો આભાર.

  3. Love Sinha said,

    November 26, 2020 @ 1:48 AM

    વાહ બહું જ સરસ બની છે

  4. Anjana bhavsar said,

    November 26, 2020 @ 1:59 AM

    ખૂબ સુંદર ગઝલ…

  5. Gunvant thakkar said,

    November 26, 2020 @ 2:07 AM

    ખૂબ પ્રેમ,ખૂબ આભાર, તમારા જેવા મિત્રો થકી જ રળિયાત છું વ્હાલા…🙏🙏🙏🌹🌹

  6. Pravin Shah said,

    November 26, 2020 @ 4:08 AM

    Wah khub sundar gazal..

  7. Prahladbhai Prajapati said,

    November 26, 2020 @ 5:44 AM

    સુન્દર્

  8. pragnajuvyas said,

    November 26, 2020 @ 9:36 AM

    કવિશ્રી ગુણવંત ઠક્કર ‘ધીરજ’ની ટુંકી બહેરની સુંદર ગઝલ
    દરગુજર મેં કર્યુ તો સામે એ,
    ઊલટી મારી સફાઈ માંગે છે.
    મસ્ત મક્તા
    જ્ઞાની થવું એટલે અજ્ઞાનનું માપ લેવું. આ માપ લેતાં સમજાઈ જાય છે ત્યારે માણસને જ્ઞાનના સીમાડા ઓળખાઈ જાય છે અને આ સીમાડાની જાણકારી એ જ સાચું જ્ઞાન છે.એને ઓળખવા થોડી ખુદવફાઈ કેળવવી પડે. આ ખુદવફાઈ શબ્દ સમજવા જેવો છે. માણસ પ્રચંડ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, પણ ખુદવફાઈ પાસે બે ક્ષણ બેસવું એ ભારે અઘરું કામ છે.

  9. અગન રાજ્યગુરુ said,

    November 26, 2020 @ 10:48 AM

    વાહ…ઉમદા ગઝલ

  10. મિત્ર રાઠોડ said,

    November 26, 2020 @ 10:53 AM

    ખૂબ સરસ ગઝલ
    ખૂબ ખૂબ અભિનંદન
    💐💐💐💐💐💐

  11. Aasifkhan said,

    November 26, 2020 @ 11:48 AM

    वाह खूब सरस ग़ज़ल

  12. હિમાંશુ said,

    November 26, 2020 @ 12:51 PM

    ખુબ જ સુંદર….💐

  13. Maheshchandra Naik said,

    November 26, 2020 @ 2:22 PM

    હોય એવા રજુ થવાનુ બસ
    સત્ય ક્યા બીજુ કાઈ માગે છે…. બધાજ શેર અફ્લાતુન, ટૂકી બહેરમા મોટૂ કામ…..સરસ….
    કવિશ્રી ગુણવતભાઈને અભિનદન
    આપનો આભાર…….

  14. Dr Sejal Desai said,

    November 28, 2020 @ 4:41 AM

    વાહ…ભાઈ વાળો શેર ઉત્તમ 👍👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment