ઝાલર બાજે – વિજય એમ. ઝાલા ‘સાદ’
કોક અઘોરી સૂની સાંજે
આછી આછી ઝાલર બાજે
આંખે તારી મૂરત ધારું
રુદિયે તારું નામ બિરાજે.
લીલી ડાળે પીળાં દુઃખડાં
હળવે હાથે ઓસડ પાજે.
આંબો રાયણ નાચી ઊઠ્યાં
ઊંડાણોમાં બચપણ ગાજે.
કાલ સુધી તું ‘મોટા’ કે’તો,
કાં લાગે તું ‘મોટો’ આજે?
આંખો રડમસ, કંઠે ડૂમો,
કોનો ‘સાદ’ પડ્યો દરવાજે?
– વિજય એમ. ઝાલા ‘સાદ’
કવિનું નામ પહેલવહેલીવાર સાંભળ્યું પણ ગઝલ કેવી ફક્કડ! અકાળે મૃત્યુ -વસંતમાં પાનખર જોવાની વેળાએ કવિ જ્યારે હળવે હાથે ઓસડ પાવાની ભલામણ કરે છે, ત્યારે હરિશ્ચન્દ્ર ભટ્ટનું ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’ ગીત યાદ આવ્યા વિના નહીં રહે. ચહીતા સાદની તાકાત બતાવતો અને તખલ્લુસને સર્વાંગ સાર્થક કરતો મક્તા પણ કેવો અદભુત!
આરતી સોની said,
September 28, 2019 @ 7:15 PM
બહુ જ બહુ જ સરસ
ઉત્તમ ગઝલ
Mayurika Leuva said,
September 29, 2019 @ 7:39 AM
કાલ સુધી તું ‘મોટા’ કે’તો,


કાં લાગે તું ‘મોટો’ આજે?