કાળ સામે હણહણે એ પ્રેમ છે,
પાંગરે અડધી ક્ષણમાં એ પ્રેમ છે.
ભગવતીકુમાર શર્મા

સમજાવટથી – કિશોર જીકાદરા

તેં સીવેલા સંબંધોને આજે પણ પહેરું છું વટથી,
દિલ દઈને લીધેલા ટાંકા એમ નથી કૈં તૂટતા ઝટથી.

આવી રીતે ધોળે દિવસે પડછાયો થૈ સાથે ના ફર,
ઈર્ષ્યા થાશે સૂરજને પણ, તારી મારી આ ઘરવટથી.

સઘળી વાતે સુખ છે કિન્તુ, નાની સરખી મુશ્કેલી છે,
ઘર છે મારું આ કાંઠે ને પ્રીત કરી છે સામા તટથી.

કૂવાકાંઠો પડખે છે પણ બેડું તોય રહ્યું છે ખાલી,
લેણાદેણી ક્યાં છે મારે એક ટકો પણ આ પનઘટથી?

અટકાવું તો ખિન્ન થશે ને ધમકાવું તો ઓર વટકશે,
કામ ખરેખર લેવું પડશે ઇચ્છા સાથે સમજાવટથી.

તારી જેમ નથી વેડફતો, ગમ્મે ત્યારે માગી જોજે,
આંસુના પ્રત્યેક ટીપાંનો, રાખું છું હિસાબ ચીવટથી.

વરસાદી ત્રમઝટમાં કેવો કોરોકટ્ટ રહ્યો છું આજે?
પૂરેપૂરો પલળી ગ્યો’તો, તે દિવસે ઝીણી વાછટથી.

ડાળી પરથી પાન ખર્યું તો એનો શો અફસોસ કરું હું,
ફૂટવાની છે કૂંપળ પાછીએ, એજ જગ્યાએ કાલ ઊલટથી.

જ્યારે ત્યારે તરભેટા પર લાવીને એ છોડી દે છે,
ઈશ્વરથી બહુ દૂર થયો છું, ઈશ્વરની આવી ખટપટથી.

– કિશોર જીકાદરા

નવરત્ન જેવા નવ શેર! એક-એક શેર પર સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય એવા… ગુજરાતી ગઝલમાં ઓછા પ્રયોજાતા કાફિયાઓની ગૂંથણી કરીને કવિએ ગજબ કરામત કરી છે…

3 Comments »

  1. સુનીલ શાહ said,

    September 28, 2019 @ 3:18 AM

    વાહ..
    બધા જ શેર મજાના
    કવિશ્રીને અભિનન્દન.
    5મા શેરમાં લડશે ને બદલે પડશે હશે.

  2. વિવેક said,

    September 28, 2019 @ 8:30 AM

    @ સુનીલ શાહ:
    આભાર… સાચી વાત.,.. સુધારી લઉં છું.,..

  3. arpita bhatt said,

    September 29, 2019 @ 10:47 AM

    વાહ…કિશોરકાકા…જોરદાર જ હોય

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment