ગમતી વ્યક્તિને બોલાવવાનું ગીત – અનિલ ચાવડા
અડાબીડ ભીડી બેઠા છો શબ્દોના આ કમાડ ખોલો,
બોલો, કંઈક તો બોલો…
એવું તો શું પૂછી લીધું, કશું કહો તો ખબર પડે ને?
છીપ હોઠની ખોલી નાખો, મોતી અમને તો જ જડે ને?
મૌન મગફળી જેમ હોય છે, જરાક એને ફોલો,
બોલો, કંઈક તો બોલો…
કાન અમારા થયા છે ફળિયું, તમે ઊગો થઈ ચંપો;
નહીંતર જે કંઈ ઊગશે એનું પડશે નામ અજંપો.
હોય, પરંતુ વાતચીતમાં આટલો મોટો ઝોલો?
બોલો, કંઈક તો બોલો…
જનોઈવઢ કૈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર,
નહીં હવે ઊંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર
ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો,
બોલો, કંઈક તો બોલો…
– અનિલ ચાવડા
કવિ જે કહેવા માંગે છે એ એમણે શીર્ષકમાં કહી જ દીધું છે. અને ગીત એટલું તો સંઘેડાઉતાર થયું છે કે કવિ ભલે ‘બોલો, કંઈક તો બોલો’ કહેતાં હોય, વિવેચકે કશું બોલવા જેવું રહ્યું જ નથી…
Anil Chavda said,
September 5, 2019 @ 2:12 AM
લયસ્તરોનો ફરી એક વાર આભાર…
Girish Parikh said,
September 5, 2019 @ 8:36 AM
વાહ અનિલભાઈ… ક્ંઇક લખું છુંઃ શાંતિનિકેતન (ફ્લોરીડાંમાં) તમારાં કાવ્યોનું પઠન સાંભળવાનો ખૂબ આનંદ આવેલો.
Girish Parikh said,
September 5, 2019 @ 8:37 PM
ગીતનું શીર્ષક “બોલો, કંઈક તો બોલો…” કેમ લાગે છે?
vimala Gohil said,
September 7, 2019 @ 4:08 PM
“કવિ ભલે ‘બોલો, કંઈક તો બોલો’ કહેતાં હોય, વિવેચકે કશું બોલવા જેવું રહ્યું જ નથી…”
અને વાંચકને પણ મૌન જ શોઇભે અહીં.
આરતી સોની said,
September 8, 2019 @ 1:43 AM
આહ સે વાહ વાહ
Suresh Shah said,
April 17, 2020 @ 5:00 AM
ખૂબ ગમ્યુ.
આમા શુ બોલીયે!
આભાર્.
સુરેશ શાહ, સિંગાપોર
Jyoti hirani said,
April 17, 2020 @ 12:22 PM
Wah wah કેવું સરસ ગીત