માધવની વેદના – ઈન્દિરાબેટીજી
રાધાની વેદના તો દુનિયાએ જાણી પણ માધવની વેદના અજાણી;
હૈયાના ગોખમહી સાચવીને રાખી તે હોઠ ઉપર ક્યારેય ના આણી.
રાધાએ શબ્દોનાં બાણ ઘણાં માર્યાં, પણ માધવ ના ખોલે કંઈ વાણી,
વાંસળીના સ્વરમાં પણ વહેતી ના મૂકે એ, માધવ તો મનના બંધાણી.
માધવની નજરોમાં છાનુંછાનું જોયું ત્યાં ઝાંખી એ મુજને દેખાણી,
ઝળુંઝળું સાવ થતી આંખોમાં વાદળ, ને વાદળમાં વેદનાનાં પાણી.
રાધા રે રાધા આ મૂંગા તે માધવની વેદના છે તુજથી અજાણી,
તારી તે પીડાના કોચલામાં તુજને એ કદીયે ના થોડી સમજાણી?
એકવાર માધવના મનને તું વાંચજે ખૂટશે ના આંખોનાં પાણી;
શ્રાવણી તો શ્રાવણના જળમાં જઈ ડૂબી કે કોણ એને બ્હાર લેશે તાણી?
~ ઈન્દિરાબેટીજી
There is utter loneliness at the top.
Girish Parikh said,
August 27, 2019 @ 8:55 AM
એટલે તો ચૈતન્ય મહાપ્રભુમાં કૃષ્ણ તથા રાધા એક થઈ ગયાં.
Rohit kapadia said,
August 28, 2019 @ 7:54 AM
માધવની વેદના સાચે જ બહુ ગહેરી હશે અને કદાચ એથી જ
મૃત્યુની અંતિમ પળોમાં એમને રાધાનું સ્મરણ થાય છે અને જરા ને કહે છે “રાધાને કહેજો કે હવે મારી પ્રતિક્ષા ન કરે”.
વેદનાની સુંદર અભિવ્યક્તિ. ધન્યવાદ.
Vipul said,
August 28, 2019 @ 7:54 AM
In the third line માધવના ought to be માધવ ના for correct comprehension.
Thanks!