ઉદાસી – મિલિન્દ ગઢવી
હું એટલે સમયની રફતારની ઉદાસી,
અજવાસની અણી પર, અંધારની ઉદાસી.
કહેવાય છે કે મનની, શાપિત છે હવેલી,
ભટકે છે આજ પણ ત્યાં મરનારની ઉદાસી.
એવું નથી કે આવે અઠવાડિયાને અંતે,
ઘેરી શકે છે વચ્ચે બુધવારની ઉદાસી.
તારા બધા દિલાસા નકશાની દીવાદાંડી,
અહીંયા વમળ વમળ છે મઝધારની ઉદાસી.
હું બારણું બનીને ઉભો છું ઉંબરામાં,
ઘરની બહાર ગઈ છે ઘરબારની ઉદાસી.
તાજા ખબરમાં એ કે ચગદાઈ ગઈ અચાનક,
આ ભીડભાડ મધ્યે બે-ચારની ઉદાસી.
મારી કિતાબને પણ મારી ચિતામાં હોમો,
ઓ પાર લઈ જવી છે, આ પારની ઉદાસી.
તારાં સ્મરણની રાતે કાળાશ વિસ્તરી છે,
જોયા કરે જૂનાગઢ ગિરનારની ઉદાસી.
લ્યો શબ્દ શબ્દ થઈને કાગળમાં ઊતરી છે,
ગઢવીની આંગળીથી ગુલઝારની ઉદાસી.
– મિલિન્દ ગઢવી
ઉદાસી કવિતાનો સદાબહાર રંગ છે અને અહીં તો ગઝલ જ આખી ઉદાસીની છે. આખી ગઝલ સ-રસ થઈ છે… એટલે કોઈ એકાદ શેર પર આંગળી મૂકવાને બદલે સાંગોપાંગ માણીએ.
Bharat Bhatt said,
September 10, 2019 @ 12:49 AM
સરસ ગઝલ. વાંચતા ઉદાસી દૂર થઇ સાંગોપાંગ ,
“એવું નથી કે આવે અઠવાડિયાને અંતે,
ઘેરી શકે છે વચ્ચે બુધવારની ઉદાસી”.
અપ-ડાઉન કરતા નોકરિયાતો માટે , થાય કે હજુ ત્રણ દિવસ પસાર કરવા પડશે
રજાના દિવસ સુધી.
Bharat Bhatt
Seattle