એની ઉદાસી છે – મિલિન્દ ગઢવી
લખ્યું છે બ્રેઈલમાં મારું મરણ, એની ઉદાસી છે,
ઉપરથી હાથ આપ્યા છે અભણ, એની ઉદાસી છે.
સરી ગઈ રાત સાથે ચાંદની પણ આંગળીમાંથી,
ન સચવાયાં હથેળીમાં કિરણ, એની ઉદાસી છે.
લીલાછમ ઘાસમાં વરસાદ વેરાયાની ક્ષણ વચ્ચે,
પગરખાં શોધવા નીકળ્યાં ચરણ, એની ઉદાસી છે.
સ્મરણની શ્વેત કાગળ-નાવ જ્યાં તરવા મૂકી જળમાં,
ચીરાયું વસ્ત્રની માફક ઝરણ, એની ઉદાસી છે.
હું જાણું છું કથા પણ તોય પાછળ દોડવું પડશે,
ફરે છે એક માયાવી હરણ, એની ઉદાસી છે.
– મિલિન્દ ગઢવી
લયસ્તરોના પ્રાંગણમાં મિલિન્દ ગઢવીના પ્રથમ ગઝલસંગ્રહ ‘રાઈજાઈ’નું સહર્ષ સ્વાગત છે.
ઉદાસીનો ઘેરો રંગ કવિતાને હંમેશ વધુ માફક આવ્યો છે. અહીં તો આખી ગઝલ જ ઉદાસીની છે, પણ ભાવકને એ ઉદાસ કરી દેતી નથી એ એની ખાસિયત છે. કવિએ ઉદાસીના નાનાવિધ પહલુઓ બખૂબી રજૂ કર્યા છે. મત્લા વાંચતાવેંત સૌમ્ય જોશીનો મત્લા ‘શું કરું ક્યાંથી ઉકેલું કેવો આ સંબંધ છે; તું લખે છે બ્રેઈલમાં ને હાથ મારો અંધ છે‘ યાદ આવ્યા વિના નહીં રહે. પણ મિલિન્દના મત્લાની ‘ફ્લેવર’ ખાસ્સી અલગ છે. ઉપરવાળાએ જન્મની સાથે જ દરેકનું મરણ લખી નાંખ્યું છે એ માન્યતાની સાથે જિંદગી કેટલી પળની છે એ કોઈ જાણતું નથીની વાસ્તવિક્તા કવિએ અહીં સાંકળી લીધી છે. આ ઉદાસી આ અજ્ઞાનની ઉદાસી છે.
પૈસો હાથમાં ન ટકે એને આપણે ‘આંગળાં જ કાણાં છે’ એમ કહેતાં હોઈએ છીએ. જન સામાન્યને તો ધન કે તક હાથમાંથી સરકી જવાની ઉદાસી હોય છે, પણ કવિની ઉદાસી અલગ છે. કવિને તો રાત, ચાંદ અને ચાંદનીમાં રસ છે. ચાંદનીનું ઐશ્વર્ય જ એનું ધન છે. રાતના કાળા અંધારાની વચ્ચેથી કવિ ચાંદનીના અજવાસને પકડે છે, જે રીતે વેદનાના અંધારા વચ્ચે શબ્દોના અજવાળાંને ઝાલે એમ જ. સમય સરતાં રાત આંગળાંમાંથી સરી ગઈ પણ ચાંદની સુદ્ધાં ટકી ન શકી એનો એને અફસોસ છે.