(મ્હેકને પીવી હતી) – બેન્યાઝ ધ્રોલવી
ફૂલમાં થોડી જગા લીધી અમે,
મ્હેકને પીવી હતી, પીધી અમે.
દૃશ્યની ભરચક નજાકતને ભરી
આંખમાં આંજી હવા લીલી અમે.
ચિત્રનો ઉઠાવ સુંદર લાગશે,
રંગમાં ડૂબ્યાં તમે, પીંછી અમે.
પ્રેમપત્રોની હવેલી ખોલ મા,
બારીમાં ફેંકી હતી ચીઠી અમે.
શબ્દની ખલકત પડી છે ચોતરફ,
જ્યાં ગયા ત્યાં-ત્યાં ગઝલ દીઠી અમે.
– બેન્યાઝ ધ્રોલવી
મત્લા પર જ કુરબાન કુરબાન પોકારી જવાય એવી ગઝલ. મત્લામાં ચુસ્ત કાફિયા વાપર્યા પછી ગઝલમાં પ્રયોજાયેલ મુક્ત કાફિયાઓ અને ચિઠ્ઠીના સ્થાને ચીઠી શબ્દ જરા ખટકે છે પણ ગઝલનું સૌંદર્ય એને મનભર માણવા જબરદસ્તી કરે એવું છે.
Mayurika Leuva said,
July 19, 2019 @ 1:58 PM
મત્લાનો શેર તો સવાશેર છે જ..
એ સિવાય બીજો અને ત્રીજો શેર પણ જોરદાર.
આખીય ગઝલ મનનીય.