એક તો શોધો જગતના બાગમાં એવી વસંત,
ફૂલ ખીલ્યાં જે મહીં ક્યારેય કરમાતાં નથી.
ગોવિંદ ગઢવી

(આવશે) – શૈલેન રાવલ

 

આવશે તો મન મૂકીને આવશે,
પંખીઓ થોડા પૂછીને આવશે ?

બારીઓ થોડી ઉઘાડી રાખીએ,
લહેરખી શીળી ઝૂમીને આવશે.

ખૂબ ઊંચા બારણાં રાખ્યા ભલે,
જે વિવેકી છે, ઝૂકીને આવશે.

ઈશ્વરી વરદાન હો જે હાથને,
કોઈના અશ્રુ લૂછીને આવશે.

ટિખળી બાળક સમો તડકો ફરે,
એ તિરાડેથી છૂપીને આવશે !

અર્થ ઘરનો હોય છે ઘર, દીકરી-
સ્કૂલથી જ્યારે છૂટીને આવશે.

મહેંક માટીની ગમે ત્યાંથીય પણ,
સરહદો કપરી કૂદીને આવશે !

– શૈલેન રાવલ

વાંકાનેરથી કવિ શૈલેન રાવલ એમનો બીજો ગઝલ સંગ્રહ “એ વાત છે અલગ” લઈને આવ્યા છે. કવિનું અને સંગ્રહનું લયસ્તરોના આંગણે સહૃદય સ્વાગત છે.

ખૂબ જ સરળ શબ્દો અને સહજ બાનીમાં લખાયેલી આ રચના સાદ્યંત સંતર્પક છે. ભીતરની બારીઓ ખુલ્લી રાખીએ તો ઠંડી લહેરખી આવ્યા વિના રહેવાની નથી એ વાત કેવી મજાની રીતે કહેવાઈ છે ! અને ગમે એવા ઊંચા સ્થાને પહોંચ્યા પછી પણ વિવેકી માણસ પોતાનો વિવેક ચૂકતો નથીવાળો શેર તો સવિશેષ સ્પર્શી ગયો.

6 Comments »

  1. Chitralekha Majmudar said,

    January 20, 2017 @ 12:49 AM

    Such a sweet simple poem and touches our heart all the more when we read about daughter entering ‘home’ from school.

  2. KETAN YAJNIK said,

    January 20, 2017 @ 5:35 AM

    “જેને આવવું જ છે તે મન મુ કી ને આવશે, વરસવું છે તે મન મૂકીને વરસાશે ” બસ આટલું પૂરતું છે અભિનંદન

  3. Maheshchandra Naik said,

    January 20, 2017 @ 4:05 PM

    ખૂબ ઊંચા બારણાં રાખ્યા ભલે,
    જે વિવેકી છે, ઝૂકીને આવશે
    સરસ ગઝલ,બધા જ શેર ગમી જાય છે,
    કવિશ્રીને અભિનદન……….લયસ્તરોનો આભાર……….

  4. Girish Parikh said,

    January 20, 2017 @ 11:44 PM

    ગઝલ ગમી ગઈ. એના વિશે http://www.GirishParikh.wordpress.com પર લખવા પ્રયત્ન કરીશ.

  5. Sudhir Patel said,

    January 21, 2017 @ 3:45 PM

    ખૂબ સુદર ગઝલ!
    કવિશ્રી શૈલેન રાવલને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
    —સુધીર પટેલ.

  6. Girish Parikh said,

    January 24, 2017 @ 7:37 PM

    ‘શૈલેન રાવલની ગઝલ છે અલગ!’ એ નામથી http://www.GirishParikh.wordpress.com પર પ્રતિભાવ પોસ્ટ કરીશ. બ્લોગની મુલાકાત લેતા રહેશો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment