સિગ્નલ ખુલ્યું હો એમ ખૂલે છે ભવિષ્ય પણ
ત્યારે જ આંબી જાય છે પૂરૂં થયેલ વય
સંજુ વાળા

યાદગાર મુક્તકો : ૦૪ : શેખાદમ આબુવાલા

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

શેખાદમ એટલે મુક્તકોનો રાજા. એના બધા મુક્તકોમાંથી એક જ પસંદ કરવાનું હોય તો ‘તાજમહાલ’ જ પસંદ કરવું પડે. એમા ચમત્કૃતિ પણ છે અને ડંખ પણ છે. બધા જેને પ્રેમના પ્રતિક તરીકે ઓળખે છે એ તો ખરેખર તો પૈસાના જોરનું પ્રતિક છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રેમને દેખાડા સાથે સાપ ને નોળીયા જેવો સંબંધ છે છતાં કોણ જાણે કેમ તાજમહાલને આપણે પ્રેમના પ્રતિક તરીક સ્વીકારી લીધો છે?

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

શેખાદમનો આ બીજો રંગ છે. જ્યારે જ્યારે હતાશા ઘેરી વળે છે ત્યારે આ મુક્તક અચૂક રસ્તો બતાવે છે. મોતને પણ લાગમા લેવાની કવિની ખુમારી પર સલામ કરવાનુ મન થાય છે.

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

નવનિર્માણના આંદોલનના સમયમાં શેખાદમે રાજકીય કાવ્યોનો ‘ખુરશી’ નામે એક નાનકડો સંગ્રહ કરેલો. યોગાનુયોગ એ પ્રગટ થયો અને તે જ વખત ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી. કવિતા અને વાસ્તવિકતા ટકરાઇ. ‘ખુરશી’ના કાવ્યો બહુ વખણાયા અને લોકોની જીભે ચડી ગયા. એમાંનુ સૌથી ધારદાર મુક્તક.

એક પૂછું છું સવાલ
આપજે ઉત્તર કમાલ
પાપ તું કરતો નથી
શા થશે ગંગાના હાલ ?

શેખાદમની મૂળ પ્રકૃતિ મસ્તીની. રમતિયાળ રીતે બહુ મોટી વાત કરી દેવાની આવડત એને કેવી સિદ્ધહસ્ત હતી એનો આ મુક્તક આબાદ નમૂનો છે.

7 Comments »

  1. Girish Parikh said,

    December 10, 2016 @ 11:54 PM

    શેખાદમનો હું ચાહક છું. વર્ષો પહેલાં અમદાવાદની ગુજરાત કોલેજમાં ભણતો હતો ત્યારે એમના સ્વમુખે આદમથી શેખાદમ સુધી … ગઝલ સાંભળેલી. લાગી શરત… વાળો શેર જે છટાથી એ બોલેલા એ હજુ યાદ છે — જાણે સામે જ શેખાદમ ઊભા છે!

    યોગ્ય સ્પોન્સોર અને પ્રકાશક મળે તો “શેખાદમના શેરોનો આનંદ” પુસ્તક લખી શકું.

    –ગિરીશ પરીખ

  2. Girish Parikh said,

    December 11, 2016 @ 12:10 AM

    યાદગાર મુક્તકો માણવાની મઝા આવે છે.

    મુક્તકો ગઝલની ફોર્મેટમાં ઘણાં લખાયાં છે પણ મુક્તકાવ્ય (જેના માટે ભદ્રંભદ્રિય શબ્દ “અછાંદસ” વપરાય છે) ફોર્મેટમાં પણ લખાયાં છે. દાખલા તરીકે મારું જ એક રમુજી મુક્તત રજૂ કરવાની રજા લઉં છુંઃ

    તાલીમિત્ર (પ્રસંગ-મુક્તક)

    લાંબી એવી વાત કરે ને તાલી માગે તાલીમિત્ર
    વારે વારે હાથ ધરે ને તાલી માગે તાલીમિત્ર
    મિત્ર એમના તદ્દન સ્લો મોશનમાં આપે તાલી!
    કંટાળીને તાલીમિત્ર તો ભૂલે માગવી તાલી!

    નોંધઃ આ મુક્તક સત્ય ઘટના પરથી સર્જાયું છે. હકીકતમાં વર્ષો પહેલાં અમારા ગામ કેરાળા (અમદાવાદથી વીસેક માઈલ દૂર આવેલા ગામ) માં મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખના મિત્ર નજીકના ગામમાંથી એમને મળવા આવતા અને વતો કરતાં કરતાં તાલી માગ્યા કરતા. મારા પિતાજી તાલી આપી આપીને કંટાળતા પણ એમના મિત્ર તાલી માગ્યે જ રાખતા! છેવટે પિતાજીએ તદ્દન સ્લો મોશનમાં તાલી આપવા માંડી, અને પછી મિત્ર કંટાળ્યા અને તાલી માગવી બંધ કરી! આ મુક્તક મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખને અર્પણ કરું છું.

  3. KETAN YAJNIK said,

    December 11, 2016 @ 5:36 AM

    આદમથી …સલામ

  4. Monal Shah said,

    December 11, 2016 @ 8:52 AM

    ખુબ સુન્દર મુક્તકો!

  5. Naren said,

    December 11, 2016 @ 10:54 AM

    ખુબ સુન્દ્દર રચનાઓ……શાનદાર…

  6. Rakesh Thakkar, Vapi said,

    December 11, 2016 @ 10:04 PM

    મોતી જેવા મુક્તકો શોધી લાવ્યા છો.
    ત્યારે તેમનું આ પણ યાદ આવે છે….
    જા ભલે અંધારઘેર્યા આભમાં,
    તેજની જ્યોતિ વિના આવીશ મા;
    ડૂબવું જો હોય દિલમાં ડૂબજે,
    પણ પછી મોતી વિના આવીશ મા.

  7. વિવેક said,

    December 12, 2016 @ 8:23 AM

    શેખાદમ, ગ્રેટાદમ !!

    સલામ !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment