અંતિમ ઇચ્છા : ૦૨ : લાભશંકર ઠાકર
ઊંચી તમારી પ્રિય પુષ્ટ કાયા
નાહ્યા પછી રોજની જેમ હાથમાં
પ્રવેશશે છાબ લઈ, અજસ્ત્ર
મોંથી હશે મંત્ર ઝરંત સિક્ત
નમેલ બે સ્કંધ પરે પ્રશસ્ત
ઢળ્યો હશે આતપ સે’જ હે સખે
વિશ્રબ્ધ મારા મુખ શો; ધીમે ધીમે
આવી અહીં આંગણમાં કરેણની
ડાળી પરે દક્ષિણ હાથ દીર્ધ
લંબાવશો; કંપતી અંગુલિ થકી
થશે જરી સ્પર્શ ત્યહીં જ હું પ્રિયે
ગરીશ (રાતું ફૂલ) રોજ છાબમાં.
– લાભશંકર ઠાકર
ગઈ કાલે આપણે વિદેહ પતિની અંતિમ ઇચ્છા વાંચી અને શ્રી હરિકૃષ્ણ પાઠકની સબળ કલમે આસ્વાદ માણ્યો. આજનું કાવ્ય આ કાવ્ય-દ્વયીમાંનું બીજું અને અહીં વિદેહી પત્નીની મૃત્યુ-પર્યંતની ઇચ્છા નિરૂપવામાં આવી છે…