આષાઢ – વ્રજલાલ દવે
અમસ્તાં અમસ્તાં ન વાદળ હસે છે;
સમંદરની માયા ગગનને રસે છે !
ઢળેલી ક્ષિતિજોની પાંપણ ભીની છે,
ઝૂક્યાં ઓ જલોની શી પાંખો શ્વસે છે !
અમોને શું પૂછો ધરા વીજ રહેશે ?
ધરાનાં જ ધાવણ ઘનોની નસે છે !
હવાની લીલાને તો પર્ણો હીંચોળે,
પુરાણાં થડોમાંય ઝાંયો વસે છે.
ધગેલા કિરણને તો છાંયો મળી ગ્યો,
વહેતી ભીનાશોની કાયા હસે છે.
સીધા નિર્ઝરોમાંય છલતી જવાની,
જાણું : નદીનાં જલો ક્યાં ધસે છે ?
મળી ગઈ છે મોસમ ગગન રોપી લેશું;
લપાયલ નિસાસા ભલે-ને ધસે છે !
અમસ્તાં અમસ્તાં ન વાદળ હસે છે;
અમારાંય હૈયાં ગગનને રસે છે !
– વ્રજલાલ દવે
જૂના મિજાજની જરા ધીમેથી ખુલતી ગઝલ…
smita parkar said,
August 29, 2014 @ 3:40 AM
અમસ્તા અમસ્તા …..વાહ્હ્હ્હ્હ
ધવલ said,
August 29, 2014 @ 8:16 AM
ધગેલા કિરણને તો છાંયો મળી ગ્યો,
વહેતી ભીનાશોની કાયા હસે છે.
ઢળેલી ક્ષિતિજોની પાંપણ ભીની છે,
ઝૂક્યાં ઓ જલોની શી પાંખો શ્વસે છે !
– સરસ !
ravindra Sankalia said,
August 29, 2014 @ 9:15 AM
અમસ્તા અમસ્તા ન વાદળ હસે છે કવિતાનો ઉપાડ જ ઘણો સરસ છે ધરતીને વરસાદની તરસ એ ભાવ સરસ રીતે પ્રકટ થયો છે.