ઝાંઝવાને રોજ પંપાળ્યા કરું – બકુલ રાવળ
વાદળાં અષાઢનાં ભાળ્યાં કરું
ઝાંઝવાને રોજ પંપાળ્યા કરું
સંકટો હું ઘર મહીં ઊભાં કરું
બારસાખે ગણપતિ સ્થાપ્યા કરું
ખોરડું તો સાવ ખાલી થઈ ગયું
પોપડાઓ દાનમાં આપ્યા કરું
હું દિગંબર થઈ ફરું મનમાં અને
વસ્ત્રથી તનને ફક્ત ઢાંક્યા કરું
બારણાને આગળા ભીડી દીધા
ઉંબર પર સાથિયા પાડ્યા કરું
ઝાડવાં ભાગોળના વાઢી દીધા
આંગણામાં લીમડા વાવ્યા કરું
આંકડા ઘડિયાળના મારાં ચરણ
કાળનો કાંટો બની વાગ્યા કરું
– બકુલ રાવલ
માણસનો સૌથી મોટો દુશ્મન એ પોતે જ હોય છે.