ઉમાશંકર જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
July 21, 2008 at 10:37 PM by ધવલ · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી
(કવિના હસ્તાક્ષ્રર એમની પ્રિય પંક્તિ સાથે, પરિષદટાણે, સૂરત)
માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ.
પેલા દૂર ડુંગર સરી જાય અંદર, -ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાઓ નસોમાં શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે. લહેરાતાં
ખેતરોનો કંપ અંગેઅંગે ફરકી રહે.
જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, – આંગણાં ઓકળી-લીંપેલાં,
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઇ બેઢેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઇ રહે.
માઇલોના માઇલો મારી આરપાર પસાર થયાં કરે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થાય છે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા ક્વાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, -ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી. પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો…
અવકાશ બધો પીધાં કરું, તરસ્યો હું. ઝંઝાના તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ – અંદર રહ્યું કોઇ એ બધુંય ગટગટાવે.
અનંતની કરુણાનો અશ્રુકણ ? – કોઇ ખરતો તારો;
ધરતીની દ્યુતિ-અભીપ્સા ? – કોઇક ઝબૂકતો આગિયો; –
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઇ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.
– ઉમાશંકર જોશી
કવિનું જગત તો આમેય સ્મૃતિવરણું જ હોય. એનાથી ય આગળ જઈને કવિ તો એ સ્મૃતિઓ કેવી રીતે પોતાના શરીરના એક એક કણમાં વસી ગઈ છે એ વર્ણવે છે. અને એ સ્મરણના સહારે કવિ આખા વિશ્વ સાથે એકાત્મ અનુભવિ રહે છે. ‘હું’ અને ‘અ-હું’ એકબીજાની અંદર કદી છૂટા ન પાડી શકાય એમ ભળી જાય, ઝબકી જાય, છલકી જાય અને અનંત એકરાગિતા સર્જી જાય એ સ્થિતીની વાત કવિ પોતાની આગવી અદાથી કરે છે. વિશ્વોના વિશ્વો મારી આરપાર પસાર થયા કરે…. એ કલ્પના જ એટલી બળુકી છે કે સ્મૃતિપટને રણકાવી જાય છે !
આજે ઉમાશંકર જોશીનો સત્તાણુંમો જન્મદિવસ છે. એ અવસરે એમની આ યાદગાર રચના.
(શોણિત=લોહી, ઓકળી=લીંપણની એક જાતની ભાત, ક્વાસાર=quasar, આકાશગંગાની નાભિ, દ્યુતિ=તેજ, અભીપ્સા=ઈચ્છા)
Permalink
July 17, 2008 at 11:23 PM by ધવલ · Filed under ઉમાશંકર જોશી, ગીત, વર્ષાકાવ્ય
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
એવી વ્હાલપની વાત રંગભીની.
આકાશે વીજ ઘૂમે,
હૈયામાં પ્રીત ઝૂમે,
છંટાતી સ્વપ્નની બિછાત રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
બાજે અજસ્ત્રધાર
વીણા સહસ્ત્રતાર
સ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
ઓ રે વિજોગ વાત!
રંગ રોળાઈ રાત,
નેહભીંજી ચૂંદડી ચૂવે રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
-ઉમાશંકર જોશી
વર્ષાની એક રાત… સ્મુતિપટ પર દૃશ્યોની લંગાર લગાડી દે એવી રૂમઝૂમતી રાત ! ગીતની એક પછી એક કડી એક પછી એક પાંદડીની જેમ ખૂલે છે અને વ્હાલપની વાતથી છેક રોળાઈ રાત સુધી લઈ જાય છે.
Permalink
May 1, 2008 at 12:30 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, ગીત, દેશભક્તિ
મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
. ગૂજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
. ગૂજરાત મોરી મોરી રે.
સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમરતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી,
. ગૂજરાત મોરી મોરી રે.
ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
. ગૂજરાત મોરી મોરી રે.
આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે !
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે,
. ગૂજરાત મોરી મોરી રે.
કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે,
. ગૂજરાત મોરી મોરી રે.
નર્મદની ગૂજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગૂજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ?
. ગૂજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
. ગૂજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
. ગૂજરાત મોરી મોરી રે.
-ઉમાશંકર જોશી
આજે પહેલી મે, ગુજરાત સ્થાપના દિન નિમિત્તે લયસ્તરોના ભાવકમિત્રો માટે ઉમાશંકર જોશીનું આ લોકપ્રિય ગીત એની મૂળ જોડણી સાથે. ગુજરાત રાજ્ય તો મળી ગયું, હવે એને ટકાવી રાખવાનું છે આપણે. આપણું ગુજરાતીપણું અંગ્રેજીની લ્હાયમાં આવનાર પચાસ-સો વર્ષમાં લોપ ન થઈ જાય એની જવાબદારી આપણા સૌના માથે છે. ગુજરાત સ્થાપના દિને અમારો આજ સંદેશો છે – “બનીએ હજી વધુ ગુજરાતી.”
Permalink
April 5, 2008 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી
એક પંખીને કંઈક કહેવું હતું,
માનવીની પાસે આવતાં ખમચાતું હતું;
ઊડી ગયું દૂર, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે,
આગળપાછળ જોયા વિના, ભૂખ-થાક-વિરહ-ઓથાર નીચે
કંઈક બબડી નાંખ્યું એણે. સરતી સરિતાએ
સાંભળી લીધું, ‘હું એને પહોંચાડી દઈશ, રસ્તે
મળી જશે કદાચને !’ ગબડતી, મેદાનોમાં રસળતી,
લોથપોથ સમંદરમાં ઢબૂરાઈ ગઈ બુદબુદરવે કંઈક
કહેવા કરતી. ‘કાંઈ નહિ, દુનિયાના ચોગમ કિનારા પર
પહોંચાડીશ.’ કહેતોક સમુદ્ર ઊપડ્યો,
દિનરાત અનવરત ખડકો પર મસ્તક અફાળતાં
સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો.
એક પંખીને કંઈક કહેવું હતું…
-ઉમાશંકર જોષી
હાથ છોડીને સાઈકલ ચલાવવી હોય તો પહેલાં હેંડલ હાથમાં પકડીને જ શીખવું પડે. ઈંટ-રેતીથી મકાન બાંધતા આવડે તોજ અનિયમિત આકારના ઢેફા વાપરીને કળાકૃતિ બનાવવાનો વિચાર કરી શકાય. છાંદસ કાવ્ય સિદ્ધ ન કર્યું હોય એવા લોકો અછાંદસમાં સીધી ડૂબકી મારે તો ડૂબી જવાનો ગળાબૂડ ભય રહેલો છે. છંદ કે લયની હથોટી જેને હોય એ જ કવિ અછાંદસના ભયસ્થાનો પારખીને ચાલી શકે છે કેમકે અછાંદસ એ આખરે તો કવિનો પોતીકો છંદ છે. ઉમાશંકર જોષીનું આ અછાંદસ કાવ્ય અછાંદસ કવિતાના સ્વરૂપને સમજવામાં મદદરૂપ થઈ શકે છે.
કવિતાની પહેલી કડી છાંદસ છે (ગાલગાગા ગાલગાગા ગાલગા). અછાંદસ કવિતામાં કોઈપણ કડીનું છંદમાં હોવું જરૂરી નથી તો પછી કવિએ અહીં પહેલી કડીમાં છંદ કેમ સિદ્ધ કર્યો હશે? પંખીને કહેવાની વાતો તરન્નુમમાં જ આવે માટે?
અહીં પંખીને કંઈક કહેવું છે પણ એ માણસ પાસે આવતાં ખમચાય છે એ બે જ વાક્યમાં કવિએ નગરજીવનના મનુષ્યની સંકીર્ણ અને અવિશ્વાસપાત્ર માનસિક્તા તરફ ઈંગિત કરી કવિતામાં પ્રવેશવાનો દરવાજો રચી દીધો છે. ત્રીજી કડીમાં પંખીના દૂ…ર ઊડી જવાની ક્રિયા સાથે પર્વતનો ઉલ્લેખ અંતર અને ઊંચાઈ – બંને સ્થાપિત કરે છે. ટેકરી પરનું ઊંચું વૃક્ષ અને પાછી એના પરની ટગડાળ-ઊંચી ડાળ એ ઊંચાઈનો વ્યાપ વધુ દીર્ઘ બનાવે છે. કવિતામાં જ્યાં છંદની ઉપસ્થિતિ ન હોય ત્યાં શબ્દ-ચિત્ર આલેખવામાં ક્યારેક બિનજરૂરી લંબાણ કવિતાની ગતિને વ્યવધાનરૂપ બનતું હોય છે. અહીં આ એક જ લીટી ઓછા શબ્દોથી મોટું ચિત્ર શી રીતે આલેખી શકાય એ સમજાવે છે.
થાકેલું-હારેલું પંખી શારીરિક વિટંબણાઓથી ગ્રસ્ત-ત્રસ્ત થઈ કહેવાની વાત અંતે બબડી નાંખે છે અને કવિ ત્યાં કવિતાનું પહેલું પૂર્ણવિરામ મૂકે છે પણ કવિતાની કડી ત્યાં બદલાતી નથી, આગળ ચાલે છે. કવિની વાત અને એમ પંખીની વાત હજી પૂરી નથી થઈ એનું ચાક્ષુષ અનુસંધાન સાધતું હોય એમ આગળનું વાક્ય પૂર્ણવિરામ સાથે જોડાઈને કવિતાની ગતિને અનવરત આગળ વધારે છે. કવિતાના આ નવા ખંડની શરૂઆત થાય છે નદીના સાંભળી જવાથી. પણ ફક્ત ‘સરતી સરિતા’ એમ બે જ શબ્દો વાપરીને કવિ પુનઃ કવિતાના શબ્દને ગતિનો બોધ અર્પે છે. અને કાવ્ય આગળ વધતું નથી, સરસર વહી નીકળે છે. નદી પણ ગબડતી, રસળતી થાકીને સમુદ્રમાં પરપોટાના અવાજોમાં કંઈક કહેવા મથતી ભળી જાય છે એ ઘટના પર કવિ બીજું પૂર્ણવિરામ મૂકે છે. અને અપેક્ષિતરીતે જ કવિતાનો આ ત્રીજો ખંડ પણ પૂર્ણવિરામ બાદ એ જ કડીમાં શરૂ થઈ કવિતાની ગતિ ચાલુ રાખે છે. સમુદ્ર પણ ખડકો પર અનવરત માથાં પછાડતાં-પછાડતાં કહેવાની વાત ભૂલી જાય છે ત્યારે કવિ પ્રથમ કડીની પુનરોક્તિ કરે છે પણ આ વખતે સાયાસ પંક્તિના અંતને અધૂરો છોડી દઈ ઘટનાક્રમનું પુનરાવર્તન ભાવકના ચિત્તમાં સતત થતું રહે એવી ગોઠવણ કરે છે…
મારી દૃષ્ટિએ અછાંદસ કાવ્યસ્વરૂપને પામવા મથતા સાચા તપસ્વી માટે આ કવિતા ઉદાહરણરૂપ છે.
(ચંદ્રકાંત ટોપીવાળા કૃત ‘અછાંદસ મીંમાસા’ના આધારે)
Permalink
January 12, 2008 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી, વિશ્વ-કવિતા, શાન મેઈ
વસંતના આગમને
જોઉં છું તો
વનો લીલાં લીલાં થઈ રહ્યાં છે.
સરિતાનાં જળ પણ લીલાં થતાં જાય છે.
ટેકરીઓય તે લીલીછમ,
ને ખેતરો પણ થઈ ગયાં લીલાં.
નાનકડાં તમરાંને લીલો રંગ લાગ્યો.
ને શ્વેતકૂર્ચ વૃદ્ધ પણ લીલા.
લીલું લોહી
શ્રમિત વસુંધરાને તાજગી અર્પે છે,
અને પૃથ્વીમાંથી ફૂટી નીકળે છે
લીલી આશા.
-શાન મેઈ (ચીની)
અનુ.: ઉમાશંકર જોશી
શાન એક જ પ્રતીકાત્મક વસ્તુ ઉપાડી લે છે: હરિયાળી, લીલાપણું. કંઈક લીલું લીલું બધે જ વર્તાય છે, વનોમાં, વારિમાં, કીટજંતુના ડિલ પર, અરે વૃદ્ધોની સફેદ ફરફરતી દાઢીમાં, પૃથ્વીની પીઠ ઉપર અને પૃથ્વીની ભીતરેય તે. આ લીલાપણું એટલે સપ્રમાણતા. વસન્તર્તુમાં પ્રાણની ભરતી આવે છે. પૃથ્વીમાંથી નવા પ્રાણનો ફુવારો ઊડતો હોય એમ ‘લીલી’ આશા ઊછળી આવતી નિર્દેશીને કવિ વસન્ત એ કેવું નવસંજીવન છે તેનો ઇશારો કરે છે. આખા કાવ્યનું સંમોહન ‘લીલું’ શબ્દના પુનરાવર્તનમાં અને નાજુકાઈભર્યા કીટજંતુ, શ્વેતકૂર્ચ આદિ પર પડતા પ્રભાવના ઉલ્લેખમાં છે.
(કાવ્યાસ્વાદ: ઉમાશંકર જોશી કૃત ‘કાવ્યાનુશીલન’માંથી સાભાર)
Permalink
December 8, 2007 at 12:40 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, રોબર્ટ ફ્રોસ્ટ, વિશ્વ-કવિતા
કોનાં આ વન, છે જ તો મારી જાણમાં,
છે જોકે ઘર તો ભલા એનું ગામમાં.
ન થંભતો આંહીં મને નિહાળશે
જોતો ભરાતાં વન આ હિમપાતમાં.
મારા નાના અશ્વને લાગતું હશે
વિચિત્ર રોકાણ આ, ન મકાન તો કશે.
વનો, થિજેલા વળી આ તળાવની
વચ્ચે તમિસ્રાભરી સાંજ શી લસે !
હલાવીને હય ઘંટડીઓ ધુરા તણી
જાણે પૂછે : નથી ને કંઈ ભૂલ આપની ?
સ્ફુરંત હળવા સપાટા હવાના
ને રેશમી હિમફર્ફર માત્રનો ધ્વનિ.
વનો છે શ્યામલ, ગહરાં, મજાનાં,
પરંતુ મારે છે વચન પાળવાનાં.
સૂતાં પ્હેલાં ગાઉ કૈં કાપવાના,
સૂતાં પ્હેલાં ગાઉ કૈં કાપવાના.
-રોબર્ટ ફ્રૉસ્ટ (અંગ્રેજી)
અનુ.: ઉમાશંકર જોશી
રોબર્ટ ફ્રૉસ્ટની મૂળ અંગ્રેજી ભાષાની આ અતિલોકપ્રિય કૃતિનો શ્રી ઉમાશંકરે સ-રસ સાછંદ અનુવાદ કર્યો છે. કાવ્યનાયક જંગલોમાંથી પસાર થાય છે ત્યારે હિમવર્ષાનું અદભુત સૌંદર્ય એને આકર્ષીને થોભવા પર મજબૂર કરે છે. વનોનો માલિક ઓળખીતો છે પણ દૂર ગામમાં હોવાથી એ આ સૌંદર્યપાનમાં ખલેલ પહોંચાડવાનો નથી. પણ થીજેલા તળાવ પાસે રાતના અંધારા ઊતરી રહ્યા હોય એવા વખતે કોઈ મકાન પણ ન હોય એવી જગ્યાએ અસવારને થોભેલો જોઈને ઘોડાને આશંકા જાગે છે કે કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને? અને એ જાણે ગળામાંની ઘુઘરી હલાવીને આ પ્રશ્ન કરે છે. હવાના હળવા સપાટા અને હિમફર્ફરમાં મગ્ન સવાર જાણે તંદ્રામાંથી જાગે છે અને એને પાળવાનાં વચનો યાદ આવી જાય છે. કર્તવ્યબદ્ધ એ પોતાના પંથે આગળ નીકળી પડે છે…
અહીં ચારે કડીઓમાં ફારસી રૂબાઈ જેવી પ્રાસ-રચના ઉપરાંત પહેલી, બીજી અને ત્રીજી કડીમાં અંત્યાનુપ્રાસ જાળવીને મહાકવિ દાન્તેની ત્રિપ્રાસસાંકળી (તર્ઝા રીમા)નો સુભગ સમન્વય પણ કર્યો છે અને શ્રી ઉમાશંકરે અનુવાદમાં પણ એ કરામત જાળવી રાખી છે.
કાવ્યસૌજન્ય: શ્રી જુગલકિશોર વ્યાસ
Permalink
October 30, 2007 at 10:54 PM by ધવલ · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી, પ્રકીર્ણ
શબ્દને ખોલીને જોયું,
મળ્યું મૌન.
શબ્દ થઈ બેઠો દુર્ભેદ્ય
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન.
શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
ક્યારેક તો સ્વયં કૃતિ,
આત્માની અમરાકૃતિ.
શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ.
– ઉમાશંકર જોશી
શબ્દમાં કવિને માત્ર મૌન જ મળે છે. શબ્દ તો ઉઘડવાનું નામ લેતો નથી. અર્થનો પ્રકાશ શબ્દને ભેદી શકતો નથી. એ ગૂઢ રહસ્યની આભા જ શબ્દને વધુ રસપ્રદ બનાવે છે. શબ્દ વિષે ઉત્તમ ચિંતન જેવી ત્રણ અદભૂત પંક્તિ કવિ મૂકે છે. શબ્દના મૂળમાં તો કર્મ રહેલું છે – શબ્દ પોતે જ એ સંપૂર્ણ રચના છે – એ આત્માની સૌથી મહાન રચના છે. છેલ્લે ઉપનિષદમાંથી ઊતરી આવી હોય એવી પંક્તિથી કાવ્ય પૂરું થાય છે – શબ્દ એટલે તો હંમેશા પ્રકાશ પાથરનારો, પથદર્શક, અવિચલ માર્ગદર્શક !
(આધાન=ધારણ કરવું, ગર્ભ )
Permalink
August 15, 2007 at 3:28 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, ગીત
દેશ તો આઝાદ થાતાં થઈ ગયો,
. તેં શું કર્યું ?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
. એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું ?
‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના,
કાળાં બજારો, મોંઘવારી : ના સીમા !’
. -રોષથી સૌ દોષ ગોખ્યા,
. ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાને શિર આવે ન, જો ! તેં શું કર્યું ?
-આપબળ ખર્ચ્યું પૂરણ ? જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું ?
. સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે;
. સ્વાતંત્ર્યના ગઢકાંગરા : કરવત ગળે.
ગાફેલ, થા હુશિયાર ! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે ?
શી સ્વર્ગદુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે !
. હર એક હિંદી હિંદ છે,
. હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ : એ સ્વાતંત્ર્ય દિનની બંદગી.
-ઉમાશંકર જોશી
-સ્વતંત્રતા દિવસ આવે અને બધાને એક વાર પોતાનો દેશ યાદ આવી જાય. દરેક જણ આ નેતાઓએ દેશની પથારી ફેરવી નાંખી એવું માને છે. નહેરુના વંશજોએ દેશને ખાડે નાંખ્યો… લાલુ આમ કરે છે… પેલો તેમ કરે છે… પણ કોઈ કદી એમ વિચારે છે ખરું કે એ પોતે પણ આ દેશનો જ એક હિસ્સો છે? આ દેશ જો વિનિપાતના માર્ગે છે તો એને એમાંથી ઉગારવા માટે આપણે એક વ્યક્તિ તરીકે, એક દેશવાસી તરીકે શું કર્યું? ‘હર એક હિંદી હિંદ છે’ કહીને કવિએ આ કાવ્યમાં જે રીતે મસૃણતાથી ચોટ કરી છે એ આજે સાંઠ વર્ષ પછી કદાચ વધુ પ્રસ્તુત લાગે છે. (સૌ મિત્રોને લયસ્તરો તરફથી સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ…)
(પૂરણ= પૂર્ણ, પોંખ્યા= વધાવવું, મૃત્તિકા =માટી, ફુલ્લદલ=પૂર્ણવિકસિત કમળ)
Permalink
December 7, 2006 at 12:30 AM by ધવલ · Filed under ઉમાશંકર જોશી, શબ્દોત્સવ, સોનેટ
સખી મેં કલ્પી’તી પ્રથમ કવિતાના ઉદય શી,
અજાણી ક્યાંથીયે ઊતરી અણધારી રચી જતી
ઉરે ઊર્મિમાલા, લયમધુર ને મંજુલરવ,
જતી તોયે હૈયે ચિર મૂકી જતી મોદમદિરા.
સખી મેં ઝંખી’તી જલધરધનુષ્યેથી ઝૂલતી,
અદીઠી શી મીઠી અવનવલ રંગોની લટ શી.
પ્રતિબિંબે હૈયે અણુ અણુ મહીં અંકિત થતી,
સ્ફુરંતી આત્મામાં દિનભર શકે સ્વપ્નસુરભિ.
સખી મેં વાંછી’તી વિરલ રસલીલાની પ્રતિમા,
સ્વયંભૂ ભાવોના નિલય સરખી કોમલતમ,
અસેવ્યાં સ્વપ્નોના સુમદલ-રચ્યા સંપુટ સમી,
જગે મર્દાનીમાં બઢવતી જ ચિત્તે તડિત શી.
મળી ત્યારે જાણ્યું : મનુજ મુજ શી, પૂર્ણ પણ ના.
છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.
– ઉમાશંકર જોશી
(‘નિશીથ’)
આ ઉમાશંકરના શ્રેષ્ટ સોનેટમાંથી એક છે. સખીનું અદભૂત વર્ણન તો સુંદર છે જ. પણ આ સોનેટને યાદગાર બનાવે છે એનો સંદેશ – પ્રિયજનની અપૂર્ણતા પણ એની મધુરતા છીનવી શકતી નથી !
Permalink
August 14, 2006 at 10:54 PM by સુરેશ · Filed under ઉમાશંકર જોશી, ગીત
સ્વતંત્રતા, દે વરદાન એટલું :
ન હીન સંકલ્પ હજો કદી મન;
હૈયું કદીયે ન હજો હતાશ;
ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ
રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;
વાણી ન નિષ્કારણ હો કઠોર;
રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે;
ને આંખમાંના અમી ના સૂકાય;
ન ભોમકા ગાય વસૂકી શી હો !
વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી,
તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી.
સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી,
બને યુવાનો ન અકાલ વૃદ્ધ,
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો;
ધુરા વહે જે જનતાની અગ્રીણો,
તે પંગતે હો સહુથી ય છેલ્લા;
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ન પુરોહિતો બને.
અને થઈને કવિ, માગું એટલું
ના તું અમારા કવિવૃંદને કદી
ઝૂલંત તારે કર પીંજરાના
બનાવજે પોપટ- ચાટુ બોલતા.
સ્વતંત્રતા, દે વરદાન આટલું.
-ઉમાશંકર જોશી
ગાંધીયુગના આ મહાકવિએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કે પછી સ્વતંત્રતા પછીના ભારતનું આવું દર્શન કરેલું. સ્વાતંત્ર્યદિને આપણે આ દર્શનને યાદ કરીએ.
આજે જ્યારે આપણો દેશ હરણફાળે પ્રગતિ કરી રહ્યો છે અને વિશ્વસત્તા બનવા હોડ બકી રહ્યો છે ત્યારે આપણે વિચારવું પડે તેમ છે કે આ સ્વપ્નની દિશામાં આપણે કેટલા આગળ વધ્યા છીએ.
સાંપ્રત સમાજ અને રાજકારણ અને બધાજ ક્ષેત્રો આથી સાવ ઊંધી જ દિશામાં જતા હોય તેમ નથી લાગતું?
Permalink
April 13, 2006 at 11:22 PM by ધવલ · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી
તું રૂપ ઘડે,
તું પ્રભુ.
હું તેના નામ કંઈ કંઈ પાડું,
હું કવિ.
તું રૂપ ઘડે ઘડે ને ભાંગે,
મારાં નામ … રમે રમે ને શમે.
અંતે રહે એક નિરાકાર,
રહે એક અ-શબ્દ નામ:
તું…
હું…
પ્રભુ…કવિ…
પ્ર ક ભુ વિ…
– ઉમાશંકર જોશી
Permalink
January 28, 2006 at 1:57 AM by ધવલ · Filed under ઉમાશંકર જોશી, ગીત
હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી . હું…..
અર્બુદ- અરબસમુદ્ર વચાળે
ધરતીના આ આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી . હું…..
ધન્ય ધરા આ, કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી . હું….
અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત,
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત
મંત્ર મધુર ગુંજે અંવિશંકિત :
‘સર્વ ધર્મ સમ, સર્વ ધર્મ મમ.’ – ઉર એ રહો પ્રકાશી . હું….
ગિરિચટ્ટાન સમાણી છાતી
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી.
હું ગુર્જર ભારતવાસી.
(ઉમાશંકર જેઠાલાલ જોશી ગાંધીયુગની ગુજરાતી કવિતાના મૂર્ધન્ય કવિ હતાં. ઉમાશંકર માત્ર કવિ ન્હોતાં, એ તો ગુજરાતી ભાષાનો ગરવો શબ્દ હતાં. એમના વિશે લખવું એટલે સૂર્યને દિવો ધરવો. ‘ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા’થી લઈને ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ ની શાતા સુધી તો એ જ લઈ જઈ શકે જેના ઉરમાં ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ નું બીજ અંકુરિત થયું હોય.)
Permalink
August 17, 2005 at 2:13 PM by ધવલ · Filed under ઉમાશંકર જોશી, ગીત
ગુજરાતી સાહિત્ય પરિષદનું સન 1983-84નું સત્ર સૂરતમાં ભરાયેલું. એ વખતે ઉમાશંકર જોશીને પહેલી વાર જોવા-સાંભળવાનો અવસર મળેલો. બપોરના સમયે એ જમવા માટે બહાર નીકળતા હતા ત્યારે એમને autograph કરી આપવા વિનંતી કરી. એ વખતે ઉમાશંકર ઉતાવળમાં હતા એટલે એમણે autograph book સાથે લઈ લીધી. બપોર પછી એમને મળવા ગયો તો એમણે autograph book તૈયાર રાખેલી. એમની સહી સાથે એમણે આ પંક્તિ ટાંકેલી –
(ઉમાશંકરે ભૂલથી 1-1-83 તારીખ લખી છે. સાલ ’83 લખી છે તે ખરેખર ’84 હોવી જોઈએ.)
આજે ઉમાશંકરની એ જ અમર રચના માણીએ.
વિશ્વમાનવી
કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.
સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝુકવું ચંદ્રહોડલી,
સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.
વ્યક્તિત્વમાં બંધન તોડીફોડી,
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.
વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.
Permalink
June 29, 2005 at 5:16 PM by ધવલ · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી
પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ.
પુષ્પો, પ્રુથ્વીની ભીતરની સ્વર્ગીલી ગર્વીલી ઉત્કંઠા;
તેજના ટાપુઓ, સંસ્થાનો માનવીઅરમાનનાં;
પુષ્પો, મારી કવિતાના તાજ-બ-તાજ શબ્દો.
ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો
માતાના ચહેરામાં ટમકે,
મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે
જોયું છે ?
કવિતા, આત્માની માતૃભાષા;
મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો;
સ્વપ્નની ચિર છવિ. ક્યાં છે કવિતા ?
જોઉં છું હું, દુર્ગમ છે, દુર્લભ છે
પૃથ્વીના સૌ પદાર્થોમાં એ પદાર્થ.
કયારેક તો શબ્દમાં જ સરસ્વતી લુપ્ત થતી.
ક્યારેક હોલવાયેલા હૈયાની વાસ અકળાવી રહે,
કયારેક વળી અર્ધદગ્ધ ખયાલોનો ધૂંવા ગૂગળાવી રહે.
ખરે જ છે દુર્વાપ કવિતાપદાર્થ.
ઘરની સામેનો પેલો છોડ વધી વૃક્ષ થયો.
ટીકીને જોયા કર્યો છે મેં વારંવાર એને.
એને જાંબુ આવ્યાં, ને મને આંસુ;
વધ્યો ને ફળ્યો એ, હું વધ્યો ફાંસુ.
ખાઉં છં, પીઉં છું, ખેલું છું, કૂદું છું.
બહોળો આ ધરતી માતાનો ખોળો આ ખૂંદું છું.
ક્યાં છે કવિતા ?
-ઉમાશંકર જોશી.
Permalink
June 25, 2005 at 11:16 AM by ધવલ · Filed under ઉમાશંકર જોશી, ગીત
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
-ઉમાશંકર જોશી
Permalink
June 25, 2005 at 10:49 AM by ધવલ · Filed under ઉમાશંકર જોશી, ગીત
કોઈ જોડે, કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે, કોઈ તોડે.
કોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે.
કોઈ આંખને અધઅણસારે ઊલટથી સામું દોડે.
કોઈ…
કોઈક ગભરુ પ્રણયભીરુ ખસી ચાલે થોડે થોડે,
કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે.
કોઈ…
કોઈ અભાગી અધરે લાગી હ્રદયકટોરી ફોડે,
કો રસિયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે.
કોઈ…
-ઉમાશંકર જોશી
Permalink
June 22, 2005 at 8:14 PM by ધવલ · Filed under ઉમાશંકર જોશી, ગીત
ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !
વિરહસંત્રપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો !
અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો !
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,
દૂર સરવર પટે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જવળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હ્રદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !
-ઉમાશંકર જોશી
Permalink
June 22, 2005 at 12:13 AM by ધવલ · Filed under ઉમાશંકર જોશી, કાવ્યકણિકા
મારી ન્યૂનતા ના નડી તને,
તારી પૂર્ણતા ગૈ અડી મને.
-ઉમાશંકર જોશી
Permalink