ગયું છે જીવન એટલું ઊંઘવામાં,
મરણમાં રહ્યું છે હવે જાગવાનું.
– રવીન્દ્ર પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કમલ પાલનપુરી

કમલ પાલનપુરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કાયમ નહીં રહે – કમલ પાલનપુરી

થોડો સમય પડાવ છે, કાયમ નહીં રહે,
ક્ષણભરનો આ લગાવ છે, કાયમ નહીં રહે.

આઘાતનો બનાવ છે, કાયમ નહીં રહે,
એના જે હાવભાવ છે, કાયમ નહીં રહે.

હાંફી ગયો ભલેને પછી ઢાળ આવશે,
જીવન તણો ચડાવ છે, કાયમ નહીં રહે.

ઈશ્વર જડે તો શોધી લે, ફેરો ફળી જશે,
શ્વાસોની આવજાવ છે, કાયમ નહીં રહે.

વારો તો આપણોય છે નક્કી આ ખેલમાં,
એનો ભલે ને દાવ છે, કાયમ નહીં રહે.

પથરા તર્યા હતાને જે શ્રદ્ધાના કારણે,
માણસ ડગે, સ્વભાવ છે, કાયમ નહીં રહે.

છોડી જશે તનેય ઉદાસી તો ફાવશે?
મોંઘો આ રખરખાવ છે, કાયમ નહીં રહે.

ખંખેર જાત ક્યાંક જડી જાય તું તને,
આ મોહનો દબાવ છે, કાયમ નહીં રહે.

પ્રગટાવ દીવડો પછી અજવાસ આવશે,
અંધારનો પ્રભાવ છે, કાયમ નહીં રહે.

તાજાં છે એટલે તું પરેશાન છે ‘કમલ’,
જખ્મોથી અણબનાવ છે, કાયમ નહીં રહે.

વિશ્વાસ છે કે આવશે, અફવા નથી ‘કમલ’,
એનો સતત અભાવ છે, કાયમ નહીં રહે.

– કમલ પાલનપુરી

આજે લખાતી ગઝલોના મુકાબલે પ્રમાણમાં લાંબી કહી શકાય એવી ગઝલ પણ મોટાભાગના શેર મજાના થયા છે એની મજા છે. એકદમ સરળ અને સહજ ભાષામાં આ રચના લખાઈ છે એની પણ મજા છે. આજે મોટાભાગના કવિઓની રચનાઓમાં પદવિન્યાસ જળવાયેલો જોવા મળતો નથી, જ્યારે અહીં અગિયારે અગિયાર શેરમાં ક્યાંય પદવિન્યાસવ્યુત્ક્રમ નજરે ચડતો નથી. કાયમ નહીં રહે જેવી રદીફ પણ કવિએ ચપોચપ નિભાવી જાણી છે અને કાફિયા એટલા તો સાહજિક રીતે શેરમાં વણાઈ ગયા છે કે વાંચતાવેંત ગઝલ ગમી જાય. કવિનો મને કોઈ પ્રત્યક્ષ પરિચય નથી પણ એમ લાગે કે એમનું નામ કમલના સ્થાને કમાલ હોવું જોઈતું હતું!

Comments (7)