એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.
વિવેક ટેલર

બાને કાગળ – ચંદ્રકાંત શાહ

તેં જ અપાવેલ જીન પહેરીને બેઠી છું બહુ વખતે કાગળ લખવા
આછાં બ્લૂ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી
વચ્ચે સફેદ કોરો કાગળ
કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે દળદર લખવા

અમે મઝામાં છીએ
કેમ છે તું ?
લખવા ખાતર લખી રહી છું
પૂછવા ખાતર પૂછું છું હું
લખવાનું બસ એ જ
આટલાં વરસે મેલાં થઈ થઈ
જીન્સ આ મારાં બની ગયાં છે મેલખાઉં તો એવાં
કે ધોવાનું મન થતું નથી
જીન ધોવાને અહીંયાં તો બા નથી નદીનું ખળખળ વહેતું છૂટું પાણી
સખી સાહેલી કોઈ નથી
નથી નજીક કોઈ ખેતર, કૂવા, કાબર, કોયલ
નથી નજીકમાં ધોળા બગલા

ધોળું વૉશર, ધોળું ડ્રાયર,
બ્લૂ જીન ધોવા ધોળા વૉશિંગ પાઉડર
ઘડી ઘડીમાં static થાંતા જીનને માટે
Anti-static ધોળાં fabric softener

લીલાં વૃક્ષો લાગે ધોળાં
ધોળું બ્લૂ આકાશ
સાત રંગનું મેઘધનુષ પણ ધોળું લાગે
ધોળું કાજળ ધોળો સૂરમો
ધોલું કંકું ધોળા લાગે ધોળા ચોખા
ધોળો, ધોળો, સાવ સફેદ ધોળો ગુલાલ

ધોળાઓના દેશ મહીં આ કેવાં કાળાં ભાગ્ય
કરમની કઠણાયુંને હું ધોળે દિવસે ખાંડ્યા કરતી બેઠી છું અહીં
બેઠી છું, બહુ વખતે વિહવળ લખવા

આછાં બ્લૂ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી
વચ્ચે બહુ ધોળો નહિ એવો, આગળ વધી રહેલો કાગળ
કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે અટકળ લખવા
કાગળમાં હું ફરી ફરીને એ જ લખું છું બા

ધોળેલાં જીન સૂકવવા નથી અહીં કોઈ આંબાવાડી
તડકાના પણ અહીંના છે sterilized
હવા અહીંની EPA controlled
Sprinklerના પાણીથી ઊગે થોડું થોડું લીલું લીલું ઘાસ
ઘાસ અહીંનું સૌનું નોખું, નોખું પાણી, નોખા તડકા

જીન્સ અહીં તો બોલચાલનાં નોખાં
નોખાં હળવાનાં મળવાનાં નોખાં રીતભાતનાં
એકબીજાને ગમવાના પણ નોખાં
નોખાં TV, નોખાં remote
નોખી party, નોખા vote
નોખી ગાડી, નોખા ફોન
નોખાં નામો, જશવંત જહોન
એક જ છતની નીચે સહુનાં નોખાં નોખાં ઘર
નોખી નોખી વહુઓના છે નોખા નોખા વર

માર ધરમાં મારાથી દૂર હું નોખી થઈને બેઠી છું મારાથી થોડે દૂર
દૂર દૂર થઈ બેઠી છું બહુ વખરે સાંધણ લખવા

આછાં બ્લૂ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી
વચ્ચે લખવા ધારેલ ટૂંકો પણ લાંબો થઈ ગયેલો કાગળ
કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે સાંધણ લખવા
કાગળને ઊંધો કરતાં બીજી બાજુ પણ એ જ લખું છું બા

સ્હેજ સુકાયેલ જીનને પૂરાં સૂકવવાને
ઊંધા કરતાં almost આ life થઈ ગઈ ઊંધી

ઊંધા રસ્તા, ઊંધી ગાડી
ઊંધા માણસ, ઊંધી લાડી
ઊંધી વાતો કરતાં કરતાં, રોજ વિતાવું ઊંધી રાતો
ઊંધા નળમાં રોજ રોજ હું ઊંધું પાણી સીચું,
ઊંધા ઊંધા અંધારામાં, અજવાળાં કરવાની ઊંધી સ્વિચું.

અ આ ઈ ઓ અહીંનું ઊંધું
ઊંધા ય, ર, ઊંધા લ, વ
ઊંધા સ ને સાથે સીધી
બેઠી છું હું સૂમસામ થઈ
બેઠી છું બહુ વખતે ‘સાજણ’ લખવા

આછાં બ્લૂ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી
વચ્ચે પૂરેપૂરો અને આમ અધૂરો કાગળ
કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે ‘સાજણ’ લખવા
છેલ્લે છેલ્લે લખવાનું કે

ઘડી ઘડી ધોવાતાં આ
જીનની ચારે કોર દ્વિધાના
અકળામણના સળ પડ્યા છે ઊંડા

સળ પડ્યા છે જીનની ઉપર
USAમાં યેનકેન settle થવાના
Settle થાવાની શરતોના
શરતોને આધીન થવાના
આધીન થઈને adjust થવાના
Medicalને વશ થવાના
Social Securityને પરવશ થવાના

USAમાં વડોદરાને વશ કરીને બેઠી છું હું
બેઠી છું બહુ વખતે વળગણ લખવા

આછાં બ્લૂ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી
વચ્ચે પૂરો લખેલ કોરો કાગળ
કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે દળદર લખવા

ચંદ્રકાંત શાહ
(‘બ્લૂ જીન્સ’)

‘બ્લૂ જીન્સ’ ગુજરાતી કવિતામાં અલગ ભાત પાડતો સંગ્રહ છે. બ્લૂ જીન્સના રૂપકથી કવિએ એટલા અલગ અલગ વિષયને અડકી લેતા મઝાના ગીતો રચ્યા છે કે તમે વાંચો તો જ માન્યામાં આવે. આ ગીતમાં અમેરિકામાં વસેલી દિકરી માને કાગળ લખવા બેસે છે. પહેરેલા બ્લૂ જીન્સ પર જ કોરો કાગળ મૂકીને એ લખવા બેસે છે. કાગળ અમેરિકામાં વસવાની – settle થવાની – તકલીફોનો કાગળ છે. એમાં કવિએ ધોળા, નોખા અને ઊંધા શબ્દોનો સણસણતો ઉપયોગ કરીને અકળામણને વાચા આપી છે. ચંદ્રકાંત શાહનું જ રિયર વ્યૂ મિરર પણ આ સાથે જોવા જેવું છે. વળી, બ્લૂ જીન્સ આખો સંગ્રહ પણ નેટ પર કવિએ મૂકેલો છે જે આપ વાંચી શકો છો.

4 Comments »

  1. ભાવના શુક્લ said,

    December 18, 2007 @ 2:18 PM

    હવે આતો તાજી વેદના જ તે…. પ્રતિભાવ કેમ અને શુ લખી શકાય આને માટે !!!

  2. Pragnaju Prafull Vyas said,

    December 18, 2007 @ 4:39 PM

    ચંદ્રકાંત શાહનું ગીત માણ્યું.
    સામાન્યતયા-
    “હે સબસે મધુર વો ગીત, જિસે હમ દર્દકે સૂરમે ગાતે હૈ”. હોય છે.
    ચાર દેશોમાં ચાર દિકરીઓ પણ મોટી થઈ તેથી તેમની વેદનાઓનો પણ પરિચય છે જ
    તેમાં આ પક્તીઓનો તો અનુભવ થયો!
    “સળ પડ્યા છે જીનની ઉપર
    USAમાં યેનકેન settle થવાના
    Settle થાવાની શરતોના
    શરતોને આધીન થવાના
    આધીન થઈને adjust થવાના
    Medicalને વશ થવાના
    Social Securityને પરવશ થવાના”
    મને દિકરીઓની દરેક વિપરીત સંજોગોમાં ટકી શકવાની શક્તીનું આશ્ચર્ય થાય છે!
    બાકી પહેલાની પરિસ્થિતીનું આ લોકગીત તો અમર થઈ ગયું છે!
    ગાયોના ગોવાળ…. ગાયોના ગોવાળ… !
    મારી માને એટલું કહેજે
    પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી
    પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય
    પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ
    પોપટ રમ્યા કરે !
    સાસરે જઈ રહેલી દીકરીની વાત અને વતનને હંમેશને માટે છોડી રહેલા વાજિદઅલી શાહની અસહ્ય વેદના સભર એ અમર સર્જનના આરંભની લીટીઓ :
    બાબુલ મોરા નૈહર છૂટો જાય
    ચાર કહાંર મિલી, ડોલિયા ઉઠાઈન
    પછી સાંપ્રત સમયની દીકરીનાં પત્રનૂં ગુજ્લીશનૂં આ સુંદર ગીત છે

    વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ
    અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે !

  3. seema parekh said,

    April 10, 2010 @ 1:11 AM

    main 8/4/2010 naa gujrat samachar maa tamaro aa article vaachiyo…. tamaro article etlo saras che ne k eni maate koi shbd nathi….. aa vachi ne mane maari US maa reti ek rnd ni yaad aavi gai… to main ene pan mail kari didho…..

  4. chandrakant shah said,

    August 2, 2010 @ 3:06 PM

    Please read this poem with the reference of denim Jeans as our personal Genes;
    It will give you a total perspective.
    Chandrakant;

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment