ગઝલમાં તું જ તું, તારા વિચાર, તારી વાત,
અમે મફતમાં છતાં પણ પ્રસિદ્ધિ ખાટી છે.
વિવેક મનહર ટેલર

ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !
કેવળ શ્વસવું નથી જીવવું, લક્ષ પ્રમાણો આપું ?
ક્યાંય નથી સંભળાતો હંભારવ ગોકુળમાં આજે,
રોજ પ્રભાતે મધુવનમાં ફૂલ ખીલતાં પ્હેલાં લાજે !
તરડાતા કોયલ-ટહુકાને કોણ સાંધશે, ઉદ્ધવ ?
રાસ ફરી રમવાનું, કહેજો ઈજન પાઠવે માધવ !
ક્રંદન કરતી રાધા ભાળી થાય : શ્યામને શાપું !
વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !

થાય વલોણું ડૂમાતું’ને નથી ઊતરતું માખણ,
પરત કરો, ઉદ્ધવજી ! મારી સોળવેલી એ થાપણ !
નંદ-જશોદાનું મુખ જોવું, નથી અમારું ગજું,
સમ છે તમને, જોયું તેવું નખશીખ કરજો રજૂ !
કરું ન અળગો, માધવ આવ્યે, છાતી સરસો ચાંપુ !
વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !
કેવળ શ્વસવું નથી જીવવું, લક્ષ પ્રમાણો આપું ?

– વીરુ પુરોહિત

કૃષ્ણ ગોકુળ છોડી ગયા એ પછીના વિરહમાં આપણે ત્યાં મોટાભાગની ભાષાઓમાં ઢગલાબંધ વિરહગીતો અને ઠપકાગીતો રચાયા છે. વીરુ પુરોહિતનું આ ગીત આ ખજાનામાં માત્ર ઉમેરો નથી કરતું, આગવી શોભા પણ બક્ષે છે. કૃષ્ણ વિના યમુનાકિનારાનું ગોકુળ નિર્જન ટાપુ જેવું કેમ લાગે છે એના લાખ કારણો આપવા ગોપી તૈયાર છે. રાધાનું ક્રંદન જોઈ એ કાન્હાને શાપ પણ આપવા તૈયાર છે.

8 Comments »

 1. naresh solanki said,

  February 2, 2013 @ 12:57 am

  વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ ! સુંદર

 2. Anil said,

  February 2, 2013 @ 6:49 am

  વાઉ,ખુબ ખુબ …સરસ….અભિવ્યક્તિ……
  અભિનંદન…

 3. pragnaju said,

  February 2, 2013 @ 9:39 am

  વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !
  કેવળ શ્વસવું નથી જીવવું, લક્ષ પ્રમાણો આપું ?
  મધુર અભિવ્યક્તી
  મનમાં ગૂંજે
  ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
  હે મનાવી લેજો રે
  હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
  માને તો મનાવી લેજો જી

  મથુરાના રાજા થ્યા છો
  ગોવાળોને ભૂલી ગ્યા છો
  માનીતી ને ભૂલી ગ્યા છો

  એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
  માને તો મનાવી લે’જો રે
  મારા વ્હાલાને વઢીને કે’જો જી
  એકવાર ગોકૂળ આવો
  માતાજી ને મ્હોં લેખાવો
  ગાયો ને હંભારી જાઓ રે

  હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
  માને તો મનાવી લેજો જી
  મારા વ્હાલાને વઢીને કે’જો જી

  વ્હાલાની મરજીમાં રહેશું
  જે કહેશે તે લાવી દેશું
  કુબજા ને પટરાણી કેશું રે

  એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
  માને તો મનાવી લે’જો રે
  મારા વ્હાલાને વઢીને કે’જો જી

  તમે છો ભક્તોના તારણ
  એવી અમને હૈયા ધારણ
  હે ગુણ ગાય ભગો ચારણ

  એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
  માને તો મનાવી લે’જો રે
  મારા વ્હાલાને વઢીને કે’જો જી

  સરખી સાહેલી સાથે
  કાગળ લખ્યો મારા હાથે
  વાંચ્યો નહીં મારા નાથે

  એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
  માને તો મનાવી લે’જો રે
  મારા વ્હાલાને વઢીને કે’જો રે

  મથુરાને મારગ જાતા
  લૂંટી તમે માખણ ખાતા
  તોડ્યા કેમ જુના નાતા રે

  એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
  માને તો મનાવી લે’જો રે
  મારા વ્હાલાને વઢીને કે’જો રે

 4. M.D.Gandhi, U.S.A. said,

  February 2, 2013 @ 2:51 pm

  સુંદર ગીત છે.

 5. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

  February 2, 2013 @ 3:15 pm

  એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી , માને તો મનાવી લે’જો રે
  મથુરાના રાજા થ્યા છો …, ગોવાળોને ભૂલી ગ્યા છો

  જાણે ગોકુળ નિર્જન ટાપુ !
  કેવળ શ્વસવું નથી જીવવું, લક્ષ પ્રમાણો આપું ?
  પરત કરો, ઉદ્ધવજી ! મારી સોળવેલી એ થાપણ !
  નંદ-જશોદાનું મુખ જોવું, નથી અમારું ગજું,

  આટલું જ પુરતું નથી – એ પરિસ્થિતીનું શબ્દશઃ વર્ણન કરવું ! કેમકે આ પોષ્ટમેં જોઈ કે તુરતજ ગોપી ગીત, ગોપી વિરહ ગીત “યુ ટ્યુબ ” પર જોયાં તો …મહર્ષિ વેદ વ્યાસ થી માંડી પૂ.શ્રી રમેશભાઈ ઓઝા, પૂ.શ્રી મોરારી બાપુ,પૂ.ગો.શ્રી૧૦૮ યદુનાથજી મહારાજ,ઈસ્કોન મંદિર,શ્રી ગૌરવ કિશન ગૌસ્વામિ, એમ અનેક સાક્ષર,વિષયના જાણકાર જ નહીં, પારંગત સર્વે એ રસપાન કર્યું છે – કરાવ્યું છે! જે-તે સમયે જે વાર્તાલાપ ગોપી અને ઉદ્ધવજી વચ્ચે થયો હશે તે ભાવ વિશ્વમાં પ્રવેશી ખૂદ ગોપી અને ઉદ્ધવ એમ એક સાથે બંન્ને વ્યક્તિત્વ માં પ્રવેશી એ વલોપાત ની તીવ્રતાનો અનુભવ કરી જોવા જેવો છે ! શ્રી વીરુ પુરોહિત એવા ભાવ વિશ્વ માં લઈ ગયાં !

  અહીં શ્રી હરીન્દ્ર દવે ની “માધવ ક્યાંય નથી!” યાદ આવે તે સ્વાભાવિક છે,
  શ્રી હરીન્દ્ર દવે ની ” માધવ ક્યાંય નથી” ના મહર્ષી નારદ ની કૃષ્ણ વગર ના ગોકુલ,વૃન્દાવન કૃષ્ણ મયજ છતાં કૃષ્ણ વગર ઝુરતા વિલપતા – જડ ,ચેતન,પશુ-પક્ષી,ગોપ-ગોવાળ,નંદ-યશોદા ,ઝાડ-પાન “જોયાં” કોઈ જીવ કે કોઈ ચીજ કૃષ્ણના રટણ વગરની જોવા ન મળી!

 6. Maheshchandra Naik said,

  February 2, 2013 @ 3:29 pm

  સરસ ઉધ્ધવ ગીત……………….

 7. Harshad said,

  February 2, 2013 @ 6:04 pm

  Virubhai,
  Like it. Awasome!!

 8. Neha purohit said,

  February 6, 2013 @ 4:58 am

  આ સુંદર ગીત માટે લયસ્તરોને ધન્યવાદ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment