તડકો વરસતો શ્હેર પર આખો દિવસ, પછી
કોરા ન થાય ત્યાં સુધી રસ્તાઓ ઝળહળે.
કુલદીપ કારિયા

ગીત – અશરફ ડબાવાલા

કંઠી બાંધી છે તારા નામની
અઢળક અને અઢીમાં ફેર નહીં કાંઈ એવી લાગી મમત તારા ગામની.

માગ્યું મળે ને મન છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ ?
કેટલા કોરા ને અમે કેટલા ભીંજાણા ઇ પૂછો ના મે’તાજી જેમ.
સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની
… કંઠી બાંધી છે તારા નામની

કેડીથી આડી ફંટાઈ મારી ઘેલછા કાંડું પકડીને મને દોરે
ચરણો ને ચાલની તો વાત જ શું કરવી ? હું ચાલું છું કોઈના જોરે
મોજડીની સાથ મોજ રસ્તે ઉતારી, હવે મારે નથી કોઈ કામની
… કંઠી બાંધી છે તારા નામની

– અશરફ ડબાવાલા

એના નામની કંઠી બાંધી લઈએ પછી નથી જરૂર રહેતી મોજડીની કે નથી જરૂર રહેતી મોજની… ચરણ કે ચાલ બધું અર્થહીન બની રહે છે. જીવન આખું એના જ જોરે ચાલે છે…

5 Comments »

 1. urvashi parekh said,

  December 21, 2012 @ 7:22 am

  ખુબજ સરસ. બહુ ગમી.

 2. Dr.j.k.nanavati said,

  December 21, 2012 @ 10:30 am

  સાવ ભોળું ભટાક મારૂં કુંવારૂ મન
  વળી કેટલીયે હોય એમા મીઠી ચુભન
  મારું કુંવારૂ મન…..

  પાંચીકા ટિચતી ને ફલડાં ઉલાળતી
  ગમતીલી ગલીયો ને થન ગન ઉપવન
  વ્હાણાની વાવ ચડું પગલે પતંગીયાને
  અલ્હડ પણાની હેલ , લચકંતું તન
  મારૂં કુંવારૂ મન…..

  હાટડીમાં મેળાની પપોટ લેવાને જતાં
  સ્પર્શ્યો કોમળ, ને હું તો રહી ગઈ’તી સન્ન
  વ્હાલ સખી સહિયરીઓ કે’દુની કહે, તેં તો
  ખુલ્લમ ખુલ્લા રે દીધાં તન મન ને ધન
  મારૂં કુંવારૂં મન…..

  પિયરની ઝાંપલી થી સાયબાની વેલ સુધી
  હોંશને દઝાડતી આ કેવી ઉલઝન
  ગમતી વિદાયની આ વસમી વિટંબણાઓ
  તરસું વાલમ, ને છોડું વ્હાલપનુ વન
  મારૂં કુંવારૂં મન…….

 3. pragnaju said,

  December 21, 2012 @ 10:38 am

  કેડીથી આડી ફંટાઈ મારી ઘેલછા કાંડું પકડીને મને દોરે
  ચરણો ને ચાલની તો વાત જ શું કરવી ? હું ચાલું છું કોઈના જોરે
  મોજડીની સાથ મોજ રસ્તે ઉતારી, હવે મારે નથી કોઈ કામની
  … કંઠી બાંધી છે તારા નામની
  ખૂબ સુંદર અભિવ્યક્તી
  યાદ
  પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,
  આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ, હું પણ ખોલું તું પણ ખોલ.

  સાવ લગોલગ ભવના માથે વણબોલ્યાનો અધમણ ભાર,
  હૈયા સોતું અમૃત ગળતું, હું પણ ઘોળું તું પણ ઘોળ.

  મન મરકટની ગતિ ન્યારી, વણ પ્રીછ્યું પ્રીછે કૈં વાર,
  પલમેં માશા, પલમેં તોલા, હું પણ તોલું તું પણ તોલ.

  શબ્દોના વૈભવની આડે, અર્થોના બોદા રણકાર,
  ચેત મછંદર ગોરખ આયા, હું પણ પોલું તું પણ પોલ.

 4. La'Kant said,

  January 21, 2013 @ 7:04 am

  અઢળક અને અઢીમાં ફેર નહીં કાંઈ એવી લાગી મમત તારા નામની.”
  માગ્યું મળે ને મન છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ ?
  આવોજ કૈક એહસાસ મારી એક કૃતિ ” હું અને તું” માંથી કંઈક પન્કતીઓ…

  “બધું એકજ, સ્વ કે પર જેવું કઈં હોય નહીં,હું જ વિચરું સર્વત્ર, ઘર જેવું કઈં હોય નહીં
  એટલે સદાય તાઝી સુગંધ લઈ હોય ફરે,,હવાને ઠહેરાવ પડાવ જેવું કઈં હોય નહીં
  તારી હાજરી,તારો માહોલ,તારી સુગંધ ભારી,તું હવા,તારી હરફર,આવન-જાવન,રહેમ તારી
  દેખાતું બધું ભ્રમ-આભાસ,લાગતું! મહેર તારી॰ હકીકત,વાસ્તવ-મરમ તું,નઝર-એ-કરમ તારી
  “આ હુ,તે તું”ના ભેદ ગયા ઓસરી,રહેમ તારીપરમ શક્તિનું પ્રમાણ જીવંત,બધે રહ્યું વિચરી
  “હોવું” માત્ર,સહજ-સત્ય, એ સમજ વસી રહી,પમાતું જે ક્ષણમાં,પરમઆનંદ રે’ કાયમ વર્તી ”

  -લા’કાન્ત / ૨૧-૧-૧૩

 5. Maheshchandra Naik said,

  February 3, 2013 @ 2:06 pm

  કંઠી બાંધી છે તારા નામની……..
  સરસ રચના, કવિશ્રીને અભિનદન્……………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment