કદીક મન થશે અણનમ સરોને ઝૂકવાનું
આ પથ્થરો અને ઈશ્વર કશું નકામું નથી.
-રઈશ મનીઆર

ગણવેશમાં નથી-ભગવતીકુમાર શર્મા

સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી;
મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી.

કોઈ રાગમાં નથી કે કશા દ્વેષમાં નથી;
આ લોહી છે કે બર્ફ? – જે આવેશમાં નથી.

હું શબ્દમાં જીવું છું, ફક્ત શ્લેષમાં નથી;
જોકે હું અર્થના કોઈ આશ્લેષમાં નથી.

ભણકાતા મારા મુત્યુની ચિંતા નહીં કરો;
મૂળથી જ જીવવાની હું ઝુંબેશમાં નથી.

કિંચિત્ હતી, ક્યારેક છે ને શુન્ય પણ થશે;
મારી તરલ હયાતી જે હંમેશમાં નથી.

બે શબ્દ પ્રાર્થનાના કહી ચૂપ થઈ ગયો;
આર્જવમાં છે જે બળ, કદી આદેશમાં નથી.

-ભગવતીકુમાર શર્મા

11 Comments »

  1. Rina said,

    October 22, 2012 @ 1:15 AM

    Awesome….

  2. ભૂપેન્દ્ર ગૌદાણા ,વડોદરા said,

    October 22, 2012 @ 2:34 AM

    હું શબ્દમાં જીવું છું, ફક્ત શ્લેષમાં નથી;
    જોકે હું અર્થના કોઈ આશ્લેષમાં નથી.

    અસ્સલ હુરતી મીઝાઝ પ્રમાણે – કાયમ ઉફરા માર્ગે જ ચાલવું તે શ્રી ભગવતીકુમાર શર્માની કૃતિ ની ખાસીયત આબાદ અહીં દેખાય છે અને તે પણ ભારો ભાર વિનમ્રતા સાથે

    બે શબ્દ પ્રાર્થનાના કહી ચૂપ થઈ ગયો;
    આર્જવમાં છે જે બળ, કદી આદેશમાં નથી

    વધું કંઈજ ઉમેરવાની જરૂર જણાય છે ??

    ભૂપેન્દ્ર ગૌદાણા ,વડોદરા

  3. Harikrishna said,

    October 22, 2012 @ 3:44 AM

    ખુબ જ સરસ રચના. ધન્યવાદ ભગવતિભાઈ

  4. pragnaju said,

    October 22, 2012 @ 8:27 AM

    આદરણિય ભગવતીકુમાર શર્માની ગઝલ અને આસ્વાદ તીર્થેશ જેવા વિદ્વાનનો હોય ત્યારે આવી ચર્ચા કરતા સંકોચ થાય છે.
    તદવિદ્ધી પ્રણિપાતેન, પરિપ્રશ્નેન સેવયા
    ઉપદેશ્યન્તિ તજજ્ઞાનમ, જ્ઞાનિનામ જ્ઞાન ઉતમમ.
    વિદ્વાન વ્યક્તિને મળવું પ્રમાણે જોઇએ
    પ્રથમ શેર
    સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી
    મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી
    અહીં પણ ‘અવેશ’ જેવો કાફિયાનો આધાર સ્થાપિત કર્યા પછી આદેશ, ઝુંબેશ, હંમેશ જેવા કાફિયા શાસ્ત્રીય રીતે ન વાપરી શકાય. જલ્દી ધ્યાનમાં ન આવતો આ દોષ ઉર્દૂ – ફારસીમાં મહત્વનો દોષ ગણાય છે. આ દોષ નિવારવા માટે મત્લાના શેરમાં અતિચુસ્ત કાફિયા ન રાખવા જોઈએ. પતીલની ગઝલમાં પહેલા શેરમાં ‘થનારા’ની સાથે ‘આપનારા’ ને બદલે ‘સિતારા’; નઝીર ભાતરીની ગઝલમાં ‘રોષિત’ની સાથે ‘સુવાસિત’ અને ભગવતીકુમાર શર્માની ગઝલમાં દરવેશની સાથે આદેશ જેવા કાફિયા વપરાયા હોત, તો પ્રમાણમાં મુક્ત એવી કાફિયાની યોજના સ્થાપિત થાત. અને આ દોષનું નિવારણ થઈ શક્યું હોત. કદીક આવી ચુસ્ત યોજનાવાળા કાફિયા મત્લામાં વપરાઈ જાય અને પછી એને નિભાવી શકાય એમ ન હોય, તો શ્રેષ્ઠ ઉપાય પછી એ છે કે એ મત્લાને બીજા ક્રમે મૂકી, એક નવો મત્લો રચવો જેમાં પ્રમાણમાં મુક્ત એવી કાફિયાની યોજના હોય.
    ઉપરછલ્લી નજરે એકસરખા કાફિયા પણ ચુસ્તતાની દ્દષ્ટિએ તપાસવા જેવા હોય છે. આવતો, ચાલતો, ભાવતો, મારતો જેવા કાફિયાની સરખામણીમાં આવતો, ભાવતો, લલચાવતો, શોભાવતો વગેરે કાફિયાઓની યોજના વધુ ચુસ્ત ગણાય. એ જ રીતે રટણ, બાળપણ, વ્યાકરણ જેવા કાફિયાની સરખામણીમાં ઝરણ, શરણ, મરણ, આવરણ, સ્મરણ જેવા કાફિયા વધુ ચુસ્ત ગણાય.
    ઉર્દૂ-ફારસી પરંપરામાં કાફિયાશુદ્ધિ માટે આખું ‘કાફિયાશાસ્ત્ર’ રચાયું છે. જે સામાન્ય વાચક માટે જરૂરી ન જણાતાં, એનો સાર આપ્યો છે. કેટલીક ગઝલોમાં કાફિયાના સ્થાન ઉપરાંત અન્ય સ્થાને પણ પ્રાસ જોવા મળે છે, એનો નિર્દેશ કરી લઈએ. રમેશ પારેખની એક ગઝલનો મત્લો આ પ્રમાણે છે:
    તારાં જ છે તમામ,
    ન ફૂલોનાં પૂછ નામ,
    ગમે તે ઉઠાવ તું
    લૂછી લે ભીની આંખ,
    ન દરવાજા બંધ રાખ,
    ફરી ઘર સજાવ તું
    અહીં ઉઠાવ, સજાવ કાફિયા ઉપરાંત દરેક પંક્તિમાં તમામ-નામ, આંખ-રાખ જેવો આંતરિક પ્રાસ છે.

  5. Vijay joshi said,

    October 22, 2012 @ 9:30 AM

    Ms Pragnaju’s comments above brings to attention the ongoing age-old dilemma
    And conflict between traditionalist and non-conformists, not only in literature but also in many walks of life. Her point of view is well taken but this is a contentious issue.

    Reminds me of a famous quote by philosopher and thinker Henry Thoreau which I am quoting here… If a he If a man does not keep pace with his companions, perhaps it is because he hears a different drummer. Let him step to the music which he hears, however measured or far away…. This is why we have apples and oranges, and vanilla and chocolates, let us behold the sheer beauty of the narration of Mr Sharma. There is beauty in asymmetry as much as in symmetry. Strictly adhering to rules and producing a medeocre poem or taking some liberty and producing a beatiful poem, that is something that always will be contested and there is no absolute right or wrong.

  6. Maheshchandra Naik said,

    October 22, 2012 @ 3:19 PM

    શ્રી ભગવતીકુમાર શર્માને સ્વમુખે પઠન થયેલી ગઝલ માણવાની મળી , આભાર…..

  7. ધવલ said,

    October 22, 2012 @ 4:44 PM

    સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી;
    મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી.

    બે શબ્દ પ્રાર્થનાના કહી ચૂપ થઈ ગયો;
    આર્જવમાં છે જે બળ, કદી આદેશમાં નથી.

    – વાહ !

  8. sweety said,

    October 23, 2012 @ 1:12 AM

    ક્યા બાત હૈ

  9. lakant said,

    October 25, 2012 @ 9:45 AM

    “મનુષ્યતા” સામાન્ય અને ખાસ ! ? = હું સામાન્ય નથી…,કંઈક વિશેષ છું =નો પોકાર છે?
    કવિ મૂડી,ધૂની ઉફરા પથ પર વિચારનારો તો હોય…/હોઈ શકે…અને એને તેની વિશિષ્ઠ ખુમારી પણ હોય…જરૂર…
    મહોદયા અભ્યાસુ જીવ “પ્રગ્નાજૂ ” ની કમેન્ટ્સ -કન્ટેનટ્સ- “ચુસ્તતાની દ્દષ્ટિએ” ન મુલવીયે , અને બધા પોતપોતાના અંદરના ‘ડ્રમ’ ના તાલ મનોગત વલણ-વર્તન ને અનુસરે એમાં કંઈ અજુગતું કે અસહજ તો નથીજ ! ઉપર લખનારાઓની જુદી કમેન્ટ્સ પણ આજ વાત સિદ્ધ કરે છે …
    હા એક બાબતે વિશેષતા, એક્સ્પર્ટાઈઝ, વિદ્વતા-શાસ્ત્રોક્ત બંધારણની દૃષ્ટિએ પ્રજ્ઞાજુ એમની દૃષ્ટિએ સહી પણ ગણી શકાય!
    વિ.જો.નુ છેલ્લું વાક્ય આનું બરોબર યથાર્થ કહે છે.ઃ – { let us behold the sheer beauty of the narration,,, // there is no absolute right or wrong. } -વિજયભાઈની વાત અસ્થાને તો નથી જ!

    કંઈક ગમતું કે અણ-ગમતું[ પોતાની તત્કાલીન વિચાર-ધારાને અનુકૂળ/પ્રતિકૂળ જે હોય તેવા ભાવ ઉપસે અને પ્રકટ થાય એ સહજતા સ્વીકારીએ .
    બાકી તો કોઈકે સહી જ કહ્યું છે… ” વાત ભલે લખનારની હોય, પોતાના સંદર્ભગત ,અર્થ તો
    વાચક-ભાવકના જ હોય… તેને માટે..”.
    “-જોકે હું અર્થના કોઈ આશ્લેષમાં નથી.” દ્વારા કવિશ્રી એજ કહે છે ને?
    -લા ‘ કાન્ત / ૨૫-૧૦-૧૨

  10. pragnaju said,

    October 25, 2012 @ 11:42 AM

    અદભૂત ગઝલના મત્લા વિષે સૂચન હતું .તે સમજવા પ્રયત્ન કરીએ
    ‘મત્લા’ શબ્દની ઉત્પત્તિ અરબી ભાષાના શબ્દ ‘તુલુ’ પરથી થઈ છે, જે સામાન્યત : ‘સૂર્યના ઉદય થવા’ નો સંકેત કરે છે. આમ, ‘મત્લા’ શબ્દ ગઝલનો ઉદય થઈ રહ્યો છે, અથવા શરૂઆત થઈ રહી છે એમ સૂચવે છે. મત્લાનો અર્થ ‘આકાશ’ અથવા ‘નભોમંડળ’ જેવો પણ થઈ શકે. ગઝલના પહેલા શેરના બંને મિસરામાં કાફિયા-રદીફની યોજના પાળવામાં આવે છે. ગઝલના આવા પહેલા શરને મત્લા કહેવામાં આવે છે. એક ગઝલમાં ઓછામાં ઓછો એક મત્લા હોય એ જરૂરી છે. ગુજરાતી ભાષામાં કેટલીક મત્લા વગરની ગઝલો જોવા મળી છે. શાસ્ત્રીય દ્દષ્ટિએ એ સ્વીકારી ન શકાય. ગઝલમાં એકથી વધુ મત્લા હોઈ શકે. સંદર્ભ ગઝલ-૩માં ત્રણ જેટલા મત્લા છે એ જોઈ શકાશે. મત્લાના શેરો ગઝલની શરૂઆતમાં જ આવે.
    મત્લાના શેરથી શાયરને રદીફ-કાફિયાની કઈ યોજના અભિપ્રેત છે એનો વાચક કે શ્રોતાને ખ્યાલ આવે છે. ગઝલના રદીફ-કાફિયા મત્લાના શેરથી સ્થાપિત થાય છે. ઘણી વાર આખી ગઝલના અન્ય શેરો લખાઈ જાય છે, પરંતુ મત્લા રચી શકાતો નથી. બંને પંક્તિમાં રદીફ-કાફિયા જાળવવાના હોવાથી મત્લા શાયર માટે મોટી કસોટી બની રહે છે. વળી, મત્લાથી ગઝલનો ઉપાડ થતો હોવાથી એ શેર સારો હોય, ચોટદાર હોય, પ્રભાવશાળી હોય એવી અપેક્ષા પણ રહે છે.
    તો આ ગઝલના મત્લાને બીજો શેર બનાવી અદભૂત ગઝલનો અદભૂત મત્લા લખાય તો
    ચાર ચાંદ લાગે.સાહિત્ય અને કવિતાના ક્ષેત્રમાં એક પ્રક્રિયા નિરંતર ચાલુ જ હોય છે. વર્ષોના માધ્યમ દ્વારા તેને વિભાજિત ન કરી શકાય. એ એક સૂક્ષ્મ પ્રક્રિયા છે. કોઈનો શબ્દ કંઈક જબરદસ્ત ચમત્કાર સર્જે એવી ઘટનાની હું રાહ જોઈ રહી છું.

  11. jigarjoshi'prem' said,

    October 26, 2012 @ 9:40 AM

    ભણકાતા મારા મુત્યુની ચિંતા નહીં કરો;
    મૂળથી જ જીવવાની હું ઝુંબેશમાં નથી.

    અદભુત શે’ર…. એમના જ અવાજ માઁ એમને ત્યાઁ સાઁભળવાનુઁ બનેલુઁ એવુઁ યાદ આવે છે. સુરત શહેરમાઁ યુવક મહોત્સવ યોજાયેલો અને એમાઁ સ્પર્ધક તરીકે આવવાનુઁ થયુઁ ત્યારે આ રચના સાઁભળેલેી હોય એવુઁ યાદ છે. સાથે બીજા બે’ક કવિમિત્રો પણ હતા. મિલિન્દ – હર્ષવી પટેલ. અને એક બે મિત્રોના નામ સ્મરણમાઁ નથી તો માફી ચાહુ છુઁ. દાદાને ત્યાં ખાસ્સો સમય ગાળવા મળેલો. એ દિવસો એ ક્ષણો અલૌકિક હતી……કદાચ મિલિન્દ અને હર્ષવીને પણ યાદ હશે….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment