મંદિરો માટે તો આરસ જોઈએ
ભક્તિ માટે મન નિખાલસ જોઈએ
– રઈશ મનીઆર

જિંદગી – ઉશનસ્

ઊંચકો, ઊઠવાની છે,
જામ લ્યો, લ્યો જવાની છે.

આમ તો સાવ ફાની છે,
બુદબુદી જ હવાની છે.

દ્રવ્ય છે, ફાંટ ફાટેલી;
નીતરી જ જવાની છે.

ક્યાય એ અટકી જોઈ ?
નામ જેનું રવાની છે.

આ જ છે, આટલી છે, ને
એ ય ક્યાં રુકવાની છે ?

છે ક્ષત્યું, કાકવંઝા છે,
ક્યાં ફરી ફૂટવાની છે ?

ઊંચકો, વાર શાની છે ?
સામટી પી જવાની છે.

– ઉશનસ

બેફામને શોભે એવી મગરૂરીથી લખેલી ગઝલ તરત જ ગમી ગઈ.  બુદબુદી શબ્દ પણ તરત જ દીલમાં વસી ગયો ! ફરી ફરી ગણગણવાની અને ટાંકવાની ગમે એવી ગઝલ થઈ છે.

(કાકવંઝા=એક જ વાર ફળે એવી વનસ્પતિ)

8 Comments »

  1. Pinki said,

    October 16, 2007 @ 5:56 AM

    ઉશનસ્ – તદ્ ન નવા સ્વરૂપે !!

  2. Pinki said,

    October 16, 2007 @ 6:03 AM

    ગઝલ પણ ‘કાકવંઝા’ જ, એવી ‘નીતરી’ કે –

    ‘સામટી’ ‘અટક્યા’ વિના ‘પી જવાની’…!!

    વાહ્….!!

  3. Bhavna Shukla said,

    October 16, 2007 @ 9:26 AM

    બહુ ગમ્યો ‘કાકવંઝા’ શબ્દ……. બાદશાહી નીતરે છે દરેક શબ્દે શબ્દે……
    ક્યાય એ અટકી જોઈ ? નામ જેનું રવાની છે

  4. pragnajuvyas said,

    October 16, 2007 @ 9:38 AM

    અમારા વલસાડની કોલેજનાં આચાર્ય નટવરભાઈ-
    ‘ઉશનસ’ એટલે બ.ક.ઠા.પછી સોનૅટવાળા કવિની સરસ ગઝલ માણી.
    ‘વળાવી બા આવી નિજ સકળ સંતાન ક્રમશઃ
    ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.’… એ પંક્તિઓ તો વારંવાર અનુભવી તેમને યાદ કરતા.હવે જ્યારે તેઓ કહે-
    ” ઊંચકો, ઊઠવાની છે,જામ લ્યો, લ્યો જવાની છે” ત્યારે સાનંદાશ્ચર્ય થાય!
    અને “નામ જેનું રવાની છે.” ત્યારે સાઉ સફાળા જાગી જવાય કે- એક તો શરાબ થોડો છે અને ગળતો જામ છે! અને –
    ઊંચકો, વાર શાની છે ?
    સામટી પી જવાની છે.
    વાહ!
    – કાકવંઝા શબ્દ એક સંતાનવાળી વાંઝણી સ્ત્રી માટે પણ વપરાય છે!

  5. ઊર્મિ said,

    October 16, 2007 @ 12:34 PM

    ટૂંકી બહેરની સુંદર ગઝલ… ગાલગા ગાલગા ગાગા….

    ‘કાકવંઝા’ શબ્દ નવો જ જાણવા મળ્યો…

    પ્રિય પ્રજ્ઞાબેન, એક સંતાનવાળી અને છતાં એ સ્ત્રી ‘વાંઝણી’…? એ કાંઇ બહુ સમજાયું નહીં… 😕

  6. Pinki said,

    October 16, 2007 @ 12:56 PM

    પ્રજ્ઞાઆંટી, ઉશનસ્.સાહેબ તો મારી મમ્મીના પણ સર…. ત્યારે principal ન’તા થયા
    પણ આજે જાણીને, જાણે પ્રેમની દોરનો એક વળ ઓર ચઢ્યો, ખૂબ જ આનંદ થયો ……પિયરનું તો…..!! આ તો ત્યારે !! આખું ગામ, કોલેજ અને સર પણ એક…..અને તે પણ મમ્મીના ય પિયરનું જાણીતું.!!

  7. વિવેક said,

    October 17, 2007 @ 1:12 AM

    સાવ ટૂંકા બહેરની અને વારંવાર અટકાવી દે તેવી ગઝલ…. એક શ્વાસે વાંચી ન શકાય એવી ગઝલ… અર્થની ભાવછટા એટલી ઊંડી લાગે છે કે વાંચવાની ઝડપ બહેરની લંબાઈ સાથે થોડી પણ વધી જાય તો આખો અર્થ જ હાથમાંથી સરકી જાય…

    કાકવંઝાનો શબ્દકોશમાં આપેલો અર્થ: ‘કાગડીની જેમ એક જ વાર જન્મ આપનારી સ્ત્રી અને એક વાર ફળતી કેળ વગેરે વનસ્પતિ’

    પણ કોઈને ‘ક્ષત્યું’ શબ્દ વિશે પ્રશ્ન ન થયો?

  8. pragnajuvyas said,

    October 17, 2007 @ 8:33 AM

    તે જમાનો હતો જ્યારે એક સંતાનવાળી “કાકવંઝા”ગણાતી…
    પણ અમારી બા જેને અમે દિકરીઓ જ હતી તેને “કન્યાપત્યાવંઝા” કહેતા!
    આ વેદ શબ્દૉ-સાચે જ! વેદમાં વપરાયલ શબ્દો છે- તેને અંગે વિચાર કરવાનો વખતે આવ્યો છે!
    … હવે તો અમારી ભત્રીજી લાંબા વાળ વધારે અને સમયે સમયે કેન્સરવાળા દર્દીઓને વીગ માટે તેના વાળ મોકલાવે ત્યારે તેનો વિધવા જેવો દેખાવ જોઈ આપણું મસ્તક નમી જાયે!
    તેવી કન્યા માટે વેદમાં કયો શબ્દ છે?…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment