જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
ગની દહીંવાલા

ફૂટપટ્ટી – વિપિન પરીખ

વીસ વરસ પછી આજે અમારા ‘ક્લાસ-ટીચર’ મળી ગયા
સ્હેજ વીલું મોં, પ્રાણ વિનાનાં પગલાં
જૂનો કોટ,
શાળાની નોકરીએ એમને આટલો જ વૈભવ આપ્યો છે.
હવે ‘રીટાયર્ડ’ થયા છે.
સિંહ જેવો એમનો રોફ હતો.
એમનો અવાજ નહીં, એમની ત્રાડ આખા ક્લાસને ધ્રુજાવતી
એ અમને ઊભા કરતા ને અમે પાટલૂનમાં થરથરતા
એક દિવસ ખરાબ અક્ષર માટે
એમણે મને હાથ પર ફૂટ મારેલું
તે હજી યાદ છે.
મને ઢીલા અવાજે કહે,
“તને તો ખબર છે મારા અક્ષર સુંદર અને મરોડદાર છે,
અને હું હિસાબના ચોપડા પણ લખી શકું છું.
તારી ફેકટરીમાં… ”

– વિપિન પારેખ

આપણે જેમને આપણા આદર્શ માનીને મોટા થયા એ શિક્ષકોને આપણે શું વળતર આપીએ છીએ – બને એટલું ઓછું ! અને પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે શિક્ષણ કથળતું જાય છે. હા, કથળે નહીં તો થાય શું ?! આપણે શિક્ષકોને ડોકટરો કે વકીલો જેટલો પગાર આપીએ તો જ આપણા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી શકે.

ખેર, આ સ્થિતિ ભારતમાં જ નહીં અમેરિકામાં પણ છે. આ જ વિષય પર એક અમેરિકન શિક્ષક/કવિ ટેઈલર માલીની ‘સ્લેમ પોએટ્રી’ પણ માણવા જેવી છે. (સ્લેમ પોએટ્રી એટલે એક પ્રકારની કવિતાની હરિફાઈ જેમા કવિતાને સ્ટેજ પર પર્ફોમ કરવાની હોય અને એના પરથી તમારું ગુણાંકન થાય. અમેરિકામાં આવી હરીફાઈઓ ખાસ્સી લોકપ્રિય છે.) એમાં કવિ/શિક્ષક પોતાનો બળાપો કાઢે છે અને ‘What do you really make ?’ ના જવાબમાં એક અવાજે કહે છે, I make a difference !

16 Comments »

  1. Hiral Thaker - 'Vasantiful' said,

    August 9, 2007 @ 4:19 AM

    Simply great..!!!

    Situation turns…..!!!!!!

    ““તને તો ખબર છે મારા અક્ષર સુંદર અને મરોડદાર છે,
    અને હું હિસાબના ચોપડા પણ લખી શકું છું.
    તારી ફેકટરીમાં… ”” ………….Says everything…………

    Thanks

  2. વિવેક said,

    August 9, 2007 @ 4:37 AM

    વિપીન પરીખના અછાંદસ કાવ્ય હંમેશા દુષ્યન્તકુમારની ગઝલો જેવા વેધક અને માર્મિક હોય છે. સાથે ટેઈલર માલીની કવિતા અને એની કવિતા વાંચવાની શૈલી પણ ખૂબ આકર્ષી ગઈ….આવી બે સરખામણી ધરાવતી અલગ-અલગ ભાષાની વસ્તુઓ શોધી કાઢવું એ પણ એટલું જ મજાનું ને !

  3. પંચમ શુક્લ said,

    August 9, 2007 @ 10:11 AM

    વાંચતાવેં’ત ફટકો વાગે એવું ફૂટપટ્ટી કાવ્ય છે. વિપીન પરીખનાં કાવ્યોનું ગુજરાતી વિવેચકોએ સાચું મૂલ્યાંકન કર્યું નથી.

    સ્લેમ પોએટ્રી ની વાત મજાની છે. કવિતાનું પઠન અને રજૂઆત મહત્વની છે જ.
    આપણે ત્યાં અમુક કવિઓ એમ કહે છે ફલાનાની ગઝલ/કવિતા તો ઠીક છે પણ એ ફ્લાણો હંમેશાં પઠનથી બાજી મારી લે છે. તો એ કવિઓને સમજાવવું પડે કે પઠનની કલા એ કવિતા લખવા જેટલી જ કે એથી વધારે અગત્યની છે. શબ્દ કરતાં સ્વરનું આસન ઊંચું છે.

    શિક્ષકને લોકો સમાજસેવક વિશેષણથી વિભૂષિત કરી આદર્શ રોલ મોડેલ જોડે સરખામણી કરી કસ કાઢયાં કરે છે. અને આ હકીકત બાલમંદિરથી વિશ્વવિદ્યાલય સુધી દુનિયાનાં બધા જ દેશોમાં લગભગ એક જેવી છે. આંકડા ભેગા કરવાની જહેમત કરીએ તો ચોંકી ઉઠાય એવું ચિત્ર મળે એમ છે.

  4. કુણાલ said,

    August 10, 2007 @ 3:10 AM

    ખુબ જ વેધક વાત…

    અને “I make a difference” વાળી વાત પણ અસરકારક.. સ્લેમ પોએટ્રી વિશે આજે જાણ્યુ..

    ખરેખર દરેક વિદ્યાર્થીની સફળતામાં એના શિક્ષકોનો ભાગ બહુ મહત્વનો રહેતો હોય છે… પણ પાછળ જતાં ઘણુંખરું શિક્ષકની આર્થિક અસફળતા ખુબ જ આકરી બની જતી હોય છે..

    સુંદર કાવ્ય અને વાત share કરવા માટે ધન્યવાદ

  5. મીના છેડા said,

    August 10, 2007 @ 3:11 PM

    મિત્ર ધવલ,

    ……………. મૌન પણ બોલકું ન રહેતાં … મૌન થઈ જાય.. એવી હકીકતને તાદશ કરી છે તેં..

  6. ઊર્મિ said,

    August 10, 2007 @ 4:01 PM

    એકદમ ચોટદાર વાત લઈને આવ્યા ધવલભાઈ… આ ખરેખર આપણા સમાજની એક નગ્ન હકીકત છે… આ જ કારણસર આપણે ત્યાં સ્કૂલ-કૉલેજોમાં શિક્ષણ બરાબર અપાતું નથી અને એટલે જ આ ટ્યૂશનોની (દુષ્)પ્રથા હવે નીકળતી નથી…!! આખી શિક્ષણ-વ્યવસ્થા જ એવી છે કે મોટાભાગનાં આદર્શ શિક્ષકોનાં નસીબમાં તો બસ આટલો જ ‘વૈભવ’ લખાયો હોય છે!

  7. Lata Hirani said,

    August 11, 2007 @ 3:54 AM

    હાથ પર ફૂટપટ્ટી વાગે એનાઁ કરતાઁ વધારે ચોટ વિપિન પરીખના કાવ્યો આપે છે…

  8. shaileshpandya BHINASH said,

    August 12, 2007 @ 4:57 AM

    nice………

  9. પ્રતિક ચૌધરી said,

    September 1, 2008 @ 11:41 AM

    અદભુત….નસીર ઈસ્માઈલીની યાદ અપાવતી કવિતા.

  10. શિક્ષકદિન…’ક્લાસ-ટીચર’ …… | સુલભ ગુર્જરી said,

    September 5, 2008 @ 2:35 AM

    […] આભાર લયસ્તરો […]

  11. શિક્ષકદિન….‘ક્લાસ-ટીચર’…..વિપિન પરીખ « મન નો વિશ્વાસ said,

    September 5, 2008 @ 2:39 AM

    […] આભાર લયસ્તરો […]

  12. rakesh said,

    September 4, 2009 @ 11:07 PM

    ગુજરતિ

  13. La Kant Thakkar said,

    August 11, 2015 @ 4:22 AM

    પંચમ શુક્લની વાત ઃ-“વાંચતાવેં’ત ફટકો વાગે એવું ફૂટપટ્ટી કાવ્ય છે. વિપીન પરીખનાં કાવ્યોનું ગુજરાતી વિવેચકોએ સાચું મૂલ્યાંકન કર્યું નથી.”. ગમી . પણ , આપણા કાવ્ય-સાહિત્યનું એક માતબર ઊંચું નામ સ્મૃતિપટ પરથી સામે ખડિંગ ઊભું થઇ આકાશ સુધી વિસ્તરી ગયું . …..” પ્રોફ.ડો. સુરેશ દલાલ “,અમારા એક વખતના (૧૯૬૪-૬૫) પ્રોફ.ડો. સુરેશ દલાલે ,” મારો પ્રિય કવિ ” ના એક કાર્યક્રમમાં, ઘાટકોપર ( પૂર્વ)ના દેરાસર લેન પાસે , “તેમની એક કવિતા ” એક ક્લાર્ક હતો” દ્વારા રજૂઆત કરી, ત્યારે પ્રથમ પરીચય થયેલો .પછી તો ઘાયલ ….તેમને મળ્યા, પત્રવ્યવહાર પણ થયો …એકદમ “ડાઉન ટુ અર્થ” વ્યક્તિત્વ ….. પન્ના નાયકના ” ફિલાડેલ્ફિયા” અને વિપીનભાઈના ” તલાશ” કાવ્ય-સંગ્રહોનું વિમોચન ,SNDT,પાટકર હોલ પાસે ,મરીન લાઈન્સ ખાતે થયેલું સહજ યાદ આવે છે …. મારા કાવ્ય-સાહિત્યના શોખને બહેલાવવામાં એ બંનેનો સિંહફાળો..ઋણી છું.
    ધવલ ભાઈએ કોઠે લાખ દીવા પ્રગટાવી આપ્યા .આભાર દોસ્ત . આઈ રીયલી એન્જોય ” લયસ્તરો”.

  14. Suresh Shah said,

    May 29, 2016 @ 3:58 AM

    વાસ્ત્વિકતાનું કરુણ ચિત્ર.
    – સુરેશ શાહ, સિંગાપોર

  15. Suresh Shah said,

    May 29, 2016 @ 4:41 AM

    સ્લેમ પોએટ્રી અને ટેઈલર માલી વિષે વધું જાણવા પ્રેરાયો. આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

  16. Jigna shah said,

    November 25, 2016 @ 4:37 AM

    Sachot
    Sachi vaat

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment