હજારો જિંદગી પૂરી થઈ, પૂરી થતી રહેશે,
છતાં પણ માનવીને માનવી સમજાય તો સમજાય.
વિવેક મનહર ટેલર

રખડવા નીકળ્યો છું – પ્રહલાદ પારેખ

રખડવા નીકળ્યો છું
તરસને ભૂખ મારી તૃપ્ત કરવા કાજ
આજે આ ભટકવા નીકળ્યો છું.

વર્ષા નથી, છે વાદળાં;
શીતળ અને ધીમી ગતિની છે હવા;
મેદાન હરિયાળાં હસે,
ને દૂર એમાં ગાય કોઈ ભાંભરે;
કોઈ રંગીલું ગળું,
આ સીમને માધુર્યથી વળગી પડ્યું.

ક્યાંક છે તડકા તણું કો ચોસલું,
તાજું અને થોડું ગરમ:
એકાદ બે બટકાં લઉં એને ભરી,
ને પછી તેની ઉપર
માટી તણી સોડમ ભરેલી આ હવા
ગટગટાવી જાઉં જરી.

શી છે કમી ? જહાંગીર છું,
– ને જહાનું નૂર આ સામે ખડું !

-પ્રહલાદ પારેખ

ઇન્દ્રિય અનુભવને અનુભવે છે,મગજ તેનો પ્રિય-અપ્રિય ઈત્યાદી શીર્ષક નીચે સંગ્રહ કરે છે. ત્યાર પછી જાણે અનુભવજન્ય આનંદની ધાર બૂઠી ને બૂઠી થતી જાય છે. સૃષ્ટિમાં સૌંદર્યનો પર નથી,પણ મન પાસે તેને માણવાની ‘જગ્યા’ નથી……

7 Comments »

 1. pragnaju said,

  April 8, 2012 @ 3:59 am

  મઝાનું અછાંદસ
  માટી તણી સોડમ ભરેલી આ હવા
  ગટગટાવી જાઉં જરી.
  શી છે કમી ? જહાંગીર છું,
  વાહ્
  ઇતિહાસનો પ્રશ્ન યાદ આવ્યો
  નૂર જહાની ભત્રીજી કોણ હતી?
  ૧હમીદા બેગમ
  ૨ઉડીપુર
  ૩મુમતાઝ પહલ
  ૪જોધાબાઈ અને અમારી બેનપણી ત્રણ આંગળી ઊચી કરતી!
  અવારનવાર વડીલ ગાતા
  વેદ કહૈ સરગુણકે આગે, નિર્ગુણકા વિશ્રામ,
  સરગુણ નિર્ગુણ તજો સોહાગિન, જાય પહુંચ નિજ ધામ…।
  નૂરે ઓઢન નૂરે ડાસન, નૂરેકા સિરહાન,
  કહૈં કબીર સુનો ભાઈ સાધો, સતગુરૂ નૂર તમામ…

  – ને જહાનું નૂર આ સામે ખડું !

 2. Rina said,

  April 8, 2012 @ 9:05 am

  Beautiful

 3. વિવેક said,

  April 10, 2012 @ 3:20 am

  તીર્થેશે આ કવિતાને ‘ગીત’ કેટેગરીમાં મૂક્યું છે અને પ્રજ્ઞાજુએ અછાંદસ તરીકે પ્રતિભાવ આપ્યો… પ્રસ્તુત કાવ્ય ગીતની શૈલીમાં લખાયેલું ઊર્મિકાવ્ય છે. એ ગીતની શરતો પૂરી કરતું નથી અને એ જ રીતે આ કવિતા અછાંદસ પણ નથી. સાત માત્રાના આવર્તનમાં લખાયેલું આ ઊર્મિકાવ્ય ગાગાલગા અને ગાલગાગાની ચાલમાં ચાલે છે અને ગાગાલગાના આવર્તનો વખતે “પરંપરિત હરિગીત” છંદ વપરાયો હોવાનો ભાસ કરાવે છે…

  તીર્થેશનો આ વખતનો પ્રતિભાવ પણ મને અસંગત લાગ્યો. એ જે ટકોર કરે છે એ સામાન્યજન માટે અને આજના આધુનિક માનવી માટે સુસંગત છે પણ આ કવિતા સાથે બંધબેસતી નથી. આ કવિતા નિતાંત સૌંદર્યરસની અને કુદરતપ્રેમની કવિતા છે. કવિ રાજેન્દ્ર શાહની જેમ ‘નિરુદ્દેશે’ ભ્રમણ કરવા નીકળ્યા છે. અને એમની ભૂખ અને તરસ પણ વિશિષ્ટ છે. આખી કવિતા હકારની કવિતા છે. નકાર માત્ર એક જ જગ્યાએ (વાદળાં નથી) જોવા મળે છે… કવિએ જે કલ્પન પ્રયોજ્યા છે એ પણ કદાચ ગુજરાતી કવિતામાં આ અગાઉ વપરાયા નહીં હોય! (તડકાનું તાજું-ગરમ ચોસલું અને હવાને પીવું)

  પ્રકૃતિની આ સુંદરતા જે કોઈ પણ આત્મસાત કરી શકે એ વ્યક્તિ દુનિયાના શહેનશાહની કક્ષાએ ઊભો છે…

  તીર્થેશે કહ્યું કે અનુભવજન્ય આનંદની ધાર બૂઠી ને બૂઠી થતી જાય છે અને મન પાસે એને માણવાની જગ્યા નથી. પણ આ આખી કવિતા તો મનભરીને મણવાની કવિતા છે… આના જેવી પોઝિટિવ કવિતા જડવી જ અઘરી !!

 4. pragnaju said,

  April 10, 2012 @ 4:37 am

  રખડવા નીકળ્યો છું – પ્રહલાદ પારેખ
  By Jayshree, on February 11th, 2009 in પ્રહલાદ પારેખ , અછાંદસ

  અને બધાએ રચના અછાંદસ તરીકે સ્વીકારી !
  યાદ આવે

  ઘાયલ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,

  મેં રોઇને ભર્યા છે એ રણ મને ગમે છે.

 5. tirthesh said,

  April 11, 2012 @ 2:09 am

  @વિવેક- મેં ટૂંકમાં લખ્યું છે એટલે તને થોડી ગેરસમજ થઈ લાગે છે-આ સંપૂર્ણપણે positive કાવ્ય જ છે. મારો મુદ્દો એ છે કે આપણે આપણી memory ને લીધે પ્રકૃતિનું અમાપ સૌન્દર્ય સામે હોવા છતાં તેને નિતનવીન અનુભવ – exhilarating experience તરીકે માણતા નથી. વળી આ પ્રતિકો પાછળ કવિનો ઈશારો તમામ સ્તરે તીવ્ર sensitivity બરકરાર રાખવાનો છે.

 6. મદહોશ said,

  April 11, 2012 @ 2:14 am

  વાહ, હું કાવ્ય પ્રકાર નો જણકાર નથી, પણ આજના કાળમા આવી ચર્ચાથી મન પ્રફુલ્લીત થઇ ગયુ.

  ખરેખર આટ્લી પોઝિટિવ કવિતા જડવી અઘરી છે.

  માટી તણી સોડમ ભરેલી આ હવા
  ગટગટાવી જાઉં જરી. – વાંચતા જ એક ઠંડક નો અનુભવ થાય છે. અને,

  શી છે કમી ? જહાંગીર છું, – મા, પ્રભુના લાડક્વાયા દીકરા નુ અભીમાન છલકે છે.

 7. વિવેક said,

  April 11, 2012 @ 2:51 am

  🙂

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment