અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા.
ન્હાનાલાલ કવિ

પસંદગીના શેર – હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામી ગુજરાતી ગઝલના આકાશમાં ઝડપભેર આગળ વધતું નામ છે. એમની ગઝલોની ગલીઓમાં ફરતાં-ફરતાં કેટલાક શેર જે મારા મનને હળવેથી પસવારી ગયા, એ અહીં રજૂ કરું છું. ભાષાની સરળતા અને બાનીની સહજતા આ બધા જ શેરોમાં ઊડીને આંખે વળગે છે. સાદગી જો એમની ગઝલોનું પહેલું ઘરેણું હોય તો અટકીને વાંચતા જે ઊંડાણ અનુભવાય છે એ બીજું છે-

ઠેસ મારી, વિચાર ચાલે છે,
હિંચકો ના લગાર ચાલે છે.

ઓશિકું આકાશનું હું પણ કરત,
આભની કિંમત જરા ઊંચી પડી.

એક લીલી લાગણીને પામવા,
એક માણસ કેટલો ઘરડો પડે.

લોકના હોઠે હજી ચાલ્યા કરે છે ક્યારની,
ચાર હોઠે વિસ્તરેલી વારતા પૂરી થઈ.

તારો ઇશ્વર તારા જેવો,
મારા જેવો મારો ઇશ્વર.

છબી કોઈ ખેંચો, તરત આ ક્ષણે,
આ એકાદ વરસે હસાયું હશે.

હોય ઈશ્વર, તો તને વંદન કરી,
દોસ્ત, તારા નામ ઉપર ચોકડી.

આપણું હોવું છુપાવો શી રીતે ?
છે અરીસો એ તો સામો બોલશે.

એક માણસ કેવી રીતે જીવશે ?
એક પડછાયાએ તાક્યું તીર છે.

પરમ કૃપાળુ પરમાત્માનો પ્રશ્ન પૂછો છો !
ઉત્તર છે એક જ તસતસતો, એની માને …

અંધારું છે એથી ના દેખાઉં પરંતુ,
દૂર કરીશ તું ક્યાંથી ? તારો પડછાયો છું.

કોઈ કૂંપળ કોળી ઊઠશે,
પથ્થરને પણ પાણી પાજે.

હું ગઝલનો શેર છું સાહેબજી,
તું મને અખબાર માફક વાંચ મા.

-હરદ્વાર ગોસ્વામી

6 Comments »

 1. ધવલ said,

  July 1, 2007 @ 10:19 pm

  હું ગઝલનો શેર છું સાહેબજી,
  તું મને અખબાર માફક વાંચ મા.

  એક લીલી લાગણીને પામવા,
  એક માણસ કેટલો ઘરડો પડે.

  લોકના હોઠે હજી ચાલ્યા કરે છે ક્યારની,
  ચાર હોઠે વિસ્તરેલી વારતા પૂરી થઈ.

  … એક એક વિણેલા મોતી છે !

 2. Himanshu Bhatt said,

  July 2, 2007 @ 11:50 am

  હું ગઝલનો શેર છું સાહેબજી,
  તું મને અખબાર માફક વાંચ મા.

  વાહ!

 3. ઊર્મિ said,

  July 3, 2007 @ 6:35 pm

  ઓશિકું આકાશનું હું પણ કરત,
  આભની કિંમત જરા ઊંચી પડી.

  અંધારું છે એથી ના દેખાઉં પરંતુ,
  દૂર કરીશ તું ક્યાંથી ? તારો પડછાયો છું.

  કોઈ કૂંપળ કોળી ઊઠશે,
  પથ્થરને પણ પાણી પાજે.

  હું ગઝલનો શેર છું સાહેબજી,
  તું મને અખબાર માફક વાંચ મા.

  સાચ્ચે જ હોઁ, બધ્ધા એકદમ મસ્ત શેર છે દોસ્ત!!

  પણ આ એક શેર જરા ઉપરથી જ ચાલ્યો ગયો… આસ્વાદ કરાવશો મિત્ર?

  પરમ કૃપાળુ પરમાત્માનો પ્રશ્ન પૂછો છો !
  ઉત્તર છે એક જ તસતસતો, એની માને …

 4. વિવેક said,

  July 4, 2007 @ 3:02 am

  પ્રિય ઊર્મિ,

  તમને ગુજરાતમાં સુરતનો ઝાઝો અનુભવ હોય એમ લાગતું નથી… સીધી સાદી ભાષામાં અહીં ભગવાનને એક મજાની ગાળ ચોપડાવવામાં આવી છે. પણ શેર બન્યો છે શબ્દોની પસંદગીથી… શેરની શરૂઆત ‘પરમ’ અને ‘કૃપાળુ’ જેવા શબ્દોથી થાય છે, જે ક્ષણાર્ધમાં ભક્તિભાવ અને આદર જન્માવે છે. એ પછી ભગવાન માટે પણ અન્ય શબ્દ ન વાપરતા પરમ-આત્મા શબ્દ કવિ વાપરે છે જે આખી આધ્યાત્મિક અનુભૂતિને ઘૂંટે છે અને ભાવકને મનમાં લાગે છે કે સદા અદૃશ્ય અને પહોંચની બહાર રહેલા એક ચિરકાળ અનુત્તર પ્રશ્ન સમા ઈશ્વર વિશે કવિ કંઈક નવું શોધી લાવ્યા છે પણ શેરના બીજા મિસરામાં કવિ ઉત્તરથી શરૂઆત કરીને ઉત્કંઠા ઓર ભડકાવે છે… વાતને છેક તસતસતો સુધી લઈ જાય છે અને પછી શુદ્ધ સુરતીમાં રોકડું પરખાવે છે… ‘એની માને…’

 5. Hiral Thaker - 'Vasantiful' said,

  July 4, 2007 @ 4:16 am

  Very nice collection ………!!!!!!

  “હોય ઈશ્વર, તો તને વંદન કરી,
  દોસ્ત, તારા નામ ઉપર ચોકડી.”………..

  🙂

 6. ઊર્મિ said,

  July 4, 2007 @ 4:30 pm

  ha ha ha ha….

  પ્રિય વિવેક, મને તરત આવું જ લાગ્યું હતું પણ મને મારા પર જ શંકા ગઈ કે ‘ના, ના… મારું જ મગજ સુરતી થઈને ઊઁધુ દોડે છે.. કવિનો મતલબ તો કોઇ બીજો જ હશે.. ‘ 🙂

  શેરનો સુંદર આસ્વાદ બદલ આભાર દોસ્ત!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment