બાણ હો એ રામ કે રાવણ તણું,
એ જ છે વાગ્યા પછીની વારતા.
મધુમતી મહેતા

વિસ્મય – જગદીશ જોષી

આ તો બીજમાંથી ફૂટી છે ડાળ
કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ !

આખુંય આભ મારી આંખોમાં જાગે
લઈ પંખીના સૂરની સુવાસ:
તૃણતૃણમાં ફરકે છે પીંછાનો સ્પર્શ, અહીં
ઝાકળનો ભીનો ઉજાસ.
એક એક બિંદુમાં સમદરની ફાળ:
કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ !

સળવળતી કળીઓમાં રાધાની વેદના
ને ખીલેલાં ફૂલોમાં છે શ્યામ:
ડાળીએથી ડોકાતા તડકામાં જોઈ લીધી
ક્યાંક મારી લાગણી લલામ.
પળપળનાં પોપચાંમાં મરકે ત્રિકાળ:
કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.

– જગદીશ જોષી

અસ્તિત્વનો ઓચ્છવ……બિંદુ એ જ સિંધુ અને સિંધુ એ જ બિંદુ….

10 Comments »

 1. dr. nanavati said,

  February 21, 2012 @ 4:23 am

  નો કોમેન્ટ્સ…..??

  કે પછી હવે જરૂરી છે
  નવપલ્લવિત
  નવાંકુરોની……

  વિચારો….

 2. વિવેક said,

  February 21, 2012 @ 8:02 am

  સુંદર ગીતરચના…

  ત્રિકાળ શબ્દ ઘણા સમયે કવિતામાં વાંચ્યો… ઘણાં સ્મરણ જાગૃત થઈ ઊઠ્યાં…

 3. વિવેક said,

  February 21, 2012 @ 8:08 am

  @ ડૉ. નાણાવટી:

  સાદ્યંત સુંદર કાવ્યરચના ઉપર કોઈ ભાવકનો પ્રતિભાવ ન આવે એનો અર્થ એ નથી કે અમારે કવિશ્રી જગદીશ જોષીને અહીંથી તિલાંજલિ આપવાની જરૂર છે. હું મારી પોતાની વાત કરું તો આટલી સુંદર ભાષા અને આટલા ઉમદા રૂપક વાપરીને હું હજી સુધી એક પણ ગીત લખી શક્યો નથી…

  લયસ્તરો પર બધા જ કવિનું સ્વાગત છે. ગઈકાલે તીર્થેશે જ અહીં મુકેશ જોષીની રચના પણ મૂકી હતી…

 4. dr. nanavati said,

  February 21, 2012 @ 10:01 am

  મૂર્ધન્ય રચનાકારો ને તિલાંજલિ નો પ્રશ્ન જ નથી વિવેકભાઈ
  તેઓ તો આપણા સૌની દિવાદાંડી સમાન છે અને રહેવાના છે…
  લયસ્તરોના ભાવકોનુ સ્તર હું ઘણા સમયથી માણતો આવ્યો છું…
  આથી આખા દિવસમાં કોઈ ટિપ્પણી ન જોઈ એક ઉદગાર નીકળી
  પડ્યો…..ક્યાં શું ખુટે છે..??. આ સ્થિતિ દરેક સાહિત્યની સાઈટ
  ઉપર છે…..તો પછી શું નવાગંતુકની રચનાઓ ભાવકોને
  ફરી સળવળતા કરી મુકશે??……જો એમ હોય તો પણ કશું ખોટુ
  નથી …….આપણી માતૃભાષાને સજીવન કરવા…….

 5. Jayshree said,

  February 21, 2012 @ 9:35 pm

  સળવળતી કળીઓમાં રાધાની વેદના
  ને ખીલેલાં ફૂલોમાં છે શ્યામ:

  મને યાદ છે ત્યાં સુધી મેં આ રચના આશિત દેસાઇના અવાજમાં સાંભળી છે… મળે એટલે ટહુકો પર વહેંચીશ..!

 6. ધવલ said,

  February 21, 2012 @ 10:22 pm

  બહુ સુંદર શબ્દો !

 7. Darshana Bhatt. said,

  February 21, 2012 @ 11:43 pm

  Jagdipbhai Joshi and his work is ever green.

 8. vineshchandra chhotai said,

  February 22, 2012 @ 3:17 am

  ઉતમ રચ્ના , અભિનદન્…આ કવિઆ ઓ ને સમ્જ્વુ , અભુ મુસ્કેલ ……….ધન્યવાદ્

 9. jigar joshi 'prem said,

  February 23, 2012 @ 11:12 am

  વાહ્

 10. pragnaju said,

  February 26, 2012 @ 5:12 am

  મધુરું ગીત
  આખુંય આભ મારી આંખોમાં જાગે
  લઈ પંખીના સૂરની સુવાસ:
  તૃણતૃણમાં ફરકે છે પીંછાનો સ્પર્શ, અહીં
  ઝાકળનો ભીનો ઉજાસ.
  એક એક બિંદુમાં સમદરની ફાળ:
  કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ !
  વાહ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment