ટૂંકી ટચરક વાત, કબીરા,
લાંબી પડશે રાત, કબીરા.

જીવ હજીએ ઝભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત, કબીરા.

ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

મુકામ પોસ્ટ માણસ – નયન દેસાઈ

જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ
ભીંતો ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ

રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ
ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નૉટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ.

બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે
મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ.

ઘરનંબર અથવાને પિનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા
કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ.

કેન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેરે ક્યારેક જઈ બેસે છે
મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ.

– નયન દેસાઈ

બે અઠવાડિયા પર ર.પા.ની અમર ગઝલ મનપાંચમના મેળામાં યાદ કરી એ વખતે નયનભાઈની આ ગઝલ યાદ આવી ગઈ. આ ગઝલ અને માણસ ઉર્ફે… બન્ને નયનભાઈની બે સર્વશ્રેષ્ઠ રચનાઓ છે. આ ગઝલના એક એક શેરને લઈને આખો દિવસ મમળાવો ત્યારે એનો અર્થ ધીમે ધીમે છૂટે એની પોતાની મઝા છે ! અને હા, છેલ્લા શેરમાં કઈ મરિયમની વાત છે એ હું હજી સુધી સમજી શક્યો નથી… મરિયમ એટલે ‘મેરી’ (ઈસુની માતા)… પણ મરિયમની ભ્રમણા એટલે ? …કે પછી ધૂમકેતુની વાર્તા પોસ્ટઓફીસમાંના અલીડોસાની દિકરી મરિયમની વાત છે ? … કોઈને ખ્યાલ આવે તો ફોડ પાડજો.

7 Comments »

  1. કસુંબલ રંગનો વૈભવ said,

    May 30, 2007 @ 7:52 AM

    સુંદર ગઝલ ………..મુકામ પોસ્ટ માણસ……..

  2. સુરેશ જાની said,

    May 30, 2007 @ 9:24 PM

    બન્ને કવિતાઓનું કોઇ રસદર્શન કરાવે તો સારું.

  3. MAHESH PATEL said,

    June 2, 2007 @ 7:48 AM

    આ કવિતા મને ખુબજ ગમી તેથી હુ તમોને Thanking You

  4. વિવેક said,

    June 2, 2007 @ 8:31 AM

    આ કાવ્યનો આસ્વાદ મેં ક્યાં વાંચ્યો છે તે યાદ નથી, પણ મરિયમની ધૂમકેતુની વાર્તાવાળી વાત સાચી જ છે. બાકી તો નયનભાઈને પૂછીને ફરીથી જણાવીશ ત્યારે…

  5. raeesh maniar said,

    June 2, 2007 @ 10:36 AM

    અલી ડોસાવાળી મરિયમની જ વાત છે.
    ૬ માત્રાના ગીતના છન્દમાં લખાયેલી એબસ્ટ્રેક્ટ ગઝલ છે. આયાસપૂર્વક દરેક શબ્દ કે પદાવલિનો અર્થ ન કાઢી શકાય પરન્તુ પન્ક્તિઓનો મૂડ પકડ્વાથી રચના માણી શકાશે.

  6. લયસ્તરો » ગઝલ પ્રમેય - નયન દેસાઈ said,

    July 17, 2007 @ 11:44 PM

    […] નવા પ્રયોગો કરવામાં નયનભાઈ કદી પાછળ પડ્યા નથી. એમની એબસ્ટ્રેક્ટ ગઝલો તો અદભૂત અર્થછાયાઓ રચી આપે છે. ( જુઓ મુકામ પોસ્ટ માણસ કે માણસ ઉર્ફે ) અહીં એમણે ગણિતમાં આવતા પ્રમેયનું માળખું ઉઠાવીને એમાં ગઝલની રચના કરી છે. આવી રચના જોઈને ઉદયન ઠક્કરનું એક પ્રશ્નપત્ર યાદ ન આવે એવું તો બની જ કેવી રીતે શકે !    […]

  7. હિમાંશુ ત્રિવેદી said,

    March 29, 2019 @ 5:24 PM

    નયન દેસાઈ ની કેટલીક અદભુત કૃતિઓમાંની એક – વાહ. એક સમય હતો જ્યારે આ આખીયે રચના શબ્દશઃ યાદ હતી. ખરેખર સચોટ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment