વિચાર છે કે થઈ જાઉં નિર્વિચાર જરા,
વિચાર પર છે પરંતુ ક્યાં અખ્તિયાર જરા?
વિવેક મનહર ટેલર

હવા અડી અગ્નિને.. – પંચમ શુક્લ

હવા અડી અગ્નિને ભડભડ ભડકો થઇ ગઇ,
ચાંદની એમજ ચળક ચળકતો તડકો થઇ ગઇ.

ચોમાસમાં છલબલ કરતી બેય કાંઠડે,
નદી ધધખતે ધોમ કણેકણ કડકો થઇ ગઇ.

લીલા ખેતર પર ચકરાતી બાજ નજર આ,
નીચે પડી ત્યાં સાંકડ-મોકડ સડકો થઇ ગઇ.

બેમાની બુધ્ધિના સઘળાં બંધ ફગાવી,
ઝલમલ ઝીણી ધડકન પાક્કો થડકો થઇ ગઇ.

ખભા ઉલાળી નીકળેલી આ મનની મસ્તી,
મજા પડી ત્યાં અડુક-દડુક બસ દડકો થઇ ગઇ.

– પંચમ શુક્લ

આ ગઝલમાં મને તો બુધ્ધિના બંધનો તોડીને ધડકન થડકો થઈ ગઈ એ શેર ખાસ પસંદ પડી ગયો છે. ઉપરાંત, ખેતરને પચાવી પાડવા માટે બાજની જેમ ચકરાતી નજરો જ્યારે આખરે ખેતર પર ત્રાટકવામાં સફળ થાય ત્યારે ખેતર સાંકડ-માકડ સડકોવાળું શહેર થઈ જાય છે એ વાત પણ બહુ સચોટ રીતે આવી છે. અને છેલ્લો રમતિયાળ શેર પણ ગણગણવો ગમે એવો થયો છે. આ ગઝલ મોકલવા માટે આભાર, પંચમ.

2 Comments »

  1. વિવેક said,

    May 22, 2007 @ 2:18 AM

    સુંદર ગઝલ…

  2. સુરેશ જાની said,

    May 22, 2007 @ 6:56 PM

    બહુ જ સરસ રચના. શબ્દો બહુ જ સરસ ભાવ અને લય પેદા કરે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment