ભીતરે એકલા જવું પડશે,
બ્હાર બીજે અનેક લૈ જાશે !
સુધીર પટેલ

તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી ! – ઉશનસ્

OLYMPUS DIGITAL CAMERA
(આવજો….                               ….મારા કેમેરાની આંખે, સુરત, ૧૦-૦૧-૨૦૦૯)

*

કવિશ્રી નટવરલાલ કુબેરભાઈ પંડ્યા ‘ઉશનસ્’  નામનો એક યુગ આજે અસ્ત થયો. વડોદરાના સાવલી ખાતે ૨૮-૦૯-૧૯૨૦ના જન્મેલા કવિશ્રીએ વલસાડને એમની કર્મભૂમિ બનાવી. ત્યાંની આર્ટ્સ કોલેજમાં આચાર્ય રહ્યા. કવિતાને એમણે ચાહી કે કવિતાએ એમને ચાહ્યા એ કહેવું દોહ્યલું છે.  વિપુલમાત્રામાં વિવિધતાસભર કાવ્યો એમણે આપ્યા. અન્ય યુગપુરુષ કવિઓની જેમ નવા યુગની કવિતા- ખાસ તો ગઝલ સામે નાકનું ટોચકું ચડાવવાને બદલે એમણે પોતાની સ્થિતિસ્થાપકતાનો સબળ પુરાવો આપીને આખો ગઝલ સંગ્રહ પણ આપ્યો… ગઈ કાલ અને આજની વચ્ચે આવું અદભુત સમતુલન જાળવી શકનાર ગુજરાતી કવિ ભાગ્યે જ બીજો કોઈ થયો હશે…

લયસ્તરો ટીમ તરફથી આ યુગપુરુષને સાદર શ્રદ્ધાંજલિ !

*

OLYMPUS DIGITAL CAMERA
(કવિશ્રીના વલસાડના નિવાસ સ્થાને મારા સંગ્રહો સ્વીકારવાની ક્ષણે, ૦૬-૦૩-૨૦૧૧)

*

તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી !
ને ચરણ ક્યાં જતાકને અટકીને ઊભા રહ્યા !
ચરણો ચાલી ચાલીને પોતાનાં ઘરઆંગણે
પોતાની સામેસ્તો આવીને ઊભા રહ્યા !
છેવટે તો આ યાત્રા મુખ મુખની સુખયાત્રા હતી !
કેટકેટલાં મુખોને ચૂપચૂપ ચાહવાનું મળ્યું !
અને બધાં જ મુખોમાં તારી જ રેખાના
ઉઘાડની ઓળખ એ તો આ પ્રેમયાત્રાની ફલશ્રુતિ છે.
તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો, ને હે પૃથ્વી !
ક્યાં આવતોક ને ઊભો રહ્યો ! છેવટે મારી સામે જ !
તને સમજવા નીકળ્યો હતો
ને આવીને ઊભો છું પ્રેમના એક આંસુની આગળ !
– અહંકાર થોડોકે ઓગળ્યો હોય તો સારું.
તને સમજવા નીકળ્યો હતો મોટા ઉપાડે
એક દિવસ જ્ઞાનયાત્રાએ,
ને પ્રેમયાત્રાને અંતે છેવટ ઘેર આવીને ઊભો છું !
તને તો શું સમજી શક્વાનો હતો ?
હું મને થોડોકેય સમજી શક્યો હોઉં તો સારું.

– ઉશનસ્

OLYMPUS DIGITAL CAMERA
(મારા સંગ્રહોમાંથી પસાર થઈ રહેલો ઇતિહાસ…         વલસાડ, ૦૬-૦૩-૨૦૧૧)

21 Comments »

 1. નરેશ કાપડીઆ said,

  November 6, 2011 @ 1:33 am

  કવિ ઉશનસની કાયમી વિદાયનો સંદેશો મળ્યો. રવિવારની સવારે નેટ પર ઉશનસના કાવ્યો – જીવની શોધવા ગયો અને આ લેખ મળી ગયો.. વિદાય વેળાએ લાગણીસભર કરે એવી કવિતા સાથે.. આભાર.. કવિ શ્રીને અને સમયસર આ કામ કરનારી ટીમને.. લયસ્તર સુંદર લય સર્જે છે..

 2. વિવેક said,

  November 6, 2011 @ 1:52 am

  શ્રી નરેશભાઈ,

  ઉશનસ્ સાહેબની અન્ય રચનાઓ આપ અહીં માણી શક્શો:
  http://layastaro.com/?cat=193

 3. મીના છેડા said,

  November 6, 2011 @ 2:20 am

  એવું અબોલ ઘન મૌન મુખે ધરીને
  બેઠું, યથા શબ્દકોશ પૂરો ગળીને !

  – ઉશનસ્

  આભાર મિત્ર – ગુજરાતી યુગના શ્વાસને હર હંનેશ સાચવવાના પ્રયત્નોમાં રહેવા બદલ….

 4. MAYANK S TRIVEDI said,

  November 6, 2011 @ 3:16 am

  VERY SAD NEWS I PAY TRIBUTE TO SUCH A HUMBLE & NOBLE POET

 5. મહેશ ત્રિવેદી said,

  November 6, 2011 @ 4:10 am

  કવિ શ્રી ‘ઉસનસ ‘ ને ભાવભીની શ્રધ્ધાંજલી

 6. P Shah said,

  November 6, 2011 @ 6:26 am

  એવું અબોલ ઘન મૌન મુખે ધરીને…

  કવિ શ્રી ‘ઉસનસ‘
  ને ભાવભીની શ્રધ્ધાંજલી

 7. pragnaju said,

  November 6, 2011 @ 8:12 am

  કવિ શ્રી ‘ઉસનસ‘
  ને ભાવભીની શ્રધ્ધાંજલી
  પરમક્રુપાળુ પરમાત્મા તેના આત્માને પરમ શાંતી આપે.
  હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીયે,
  શરણું મળે સાચું તમારું,એ હ્ર્દયથી માગીયે,
  જે જીવ આવ્યો આપ શરણે ચરણમા અપનાવજો,
  પરમાત્મા એ આત્માને શાંતી સાચી આપજો.

 8. jjugalkishor said,

  November 6, 2011 @ 8:31 am

  ગુજરાતી સોનૅટમાં કદાચ સૌથી વધુ સોનૅટમાળાઓ એમણે આપી છે. એમનાં સોનૅટ ગુજરાતીભાષાનાં આભૂષણો છે.

  આજે, ગુજરાતી સાહિત્યનાં ઉશનસ્–સર્જ્યાં સુવર્ણપૃષ્ઠોને ફરીફરી રીફર કરવાનું આ પર્વ છે.

  ડૉ. વિવેકનાં બ્લોગપૃષ્ઠોય આ તકે ફંફોળવાં જરૂરી બની રહેશે !!

  ( વિવેકભાઈનો ઈ–સંદેશ મળતાં જ બે કામ સૂઝ્યાં તે એક તો ૧૯૫૭ આસપાસ મેં સંગ્રહેલી વિવિધ સર્જકોની કૃતિઓમાંથી શ્રી ઉશનસ્–રચનાઓને મારા બ્લોગ http://jjkishor.wordpress.com/ ઉપર મૂકવાનું, ને બીજું તે ઉશનસ્ નાં તાજમહેલ પરનાં બે સંગેમરમરી–કાવ્યોના મારા કરેલા રસદર્શનની લીંક મૂકવી તે.)

  સાભાર….

 9. Pancham Shukla said,

  November 6, 2011 @ 9:56 am

  કવિશ્રીને એમના જ એક કાવ્યથી અંજલિ આપીએ.

  – ઉશનસ્

  ક્યાંય ના જરી ક્લેશ હો; ને ક્યાંય ના જરી ક્લાન્તિ હો;
  સર્વને હો તાઝગી પ્રાતઃફૂલોની, શાન્તિ હો.

  વ્યોમમાંયે શાન્તિ હો, ને ભોમમાંયે શાન્તિ હો,
  વ્યોમભોમની મધ્ય રોમેરોમ સોમ શી શાન્તિ હો.

  પૃથ્વી તો કંપે હજી ક્યારેક; એ જંપી નથી,
  હો ધરીમાં સ્નિગ્ધતા, ને ક્ષુબ્ધતાને શાન્તિ હો.

  એક જે હતું પૂર્ણ તે ખુદ કણકણોમાં ચૂર્ણ છે,
  એ પૂર્ણપણમાં હોય તેવી ચૂર્ણકણમાં શાન્તિ હો.

  ભવભવાટવિમાં ભટકવું છે લખ્યું જો ભાગ્ય; તો
  એ ભાગ્યને પણ શાન્તિ હો, એ ભ્રાન્તિને પણ શાન્તિ હો.

  પંચભૂતોની મહીં, ને સર્વ ઋતુઓના ઋતે
  સંક્રાન્તિઓને શાન્તિ હો, ને ક્રાન્તિમાંયે શાન્તિ હો.

  શપ્ત શાં સંતપ્ત રણ, નિઃસૂર્ય અંધારાં વનો;
  એ રણો શાં, એ વનો શાં સૌ મનોમાં શાન્તિ હો.

  કેટલું છે દુઃખ ઉશનસ્ ! ચેતનાથી ચિત્તમાં !
  એ ચેહનેયે શાન્તિ હો, એ દેહનેયે શાન્તિ હો.

  યુનિકોડમાં ટાઈપ શબ્દો માટે સાભાર: http://planetjv.wordpress.com

 10. b m parmar said,

  November 6, 2011 @ 10:47 am

  કવિ ઉશનસની કાયમી વિદાયનો સંદેશો નેટ પર મળી ગયો.. લાગણીસભર કવિતા સાથે.. આભાર.. કવિ શ્રીને અને સમયસર આપને

 11. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  November 6, 2011 @ 1:12 pm

  ઉશનસ,સાંભળોછોને?
  આમ ચાલ્યા ગયા એ સારુ ના કર્યું.
  ભલે ને ઉમર થઈ ગઈ હતી.
  પણ કવિતા ઉપર તમારો સ્નેહ ભર્યો હાથ ફરતો હતો.
  હવે ઉપરથી આશીર્વાદ આપતા રહેજો કવિતાને.
  જોકે અમે ના કહીએ તો પણ આશીર્વાદ આપ્યા વિના તમે રહી શકશો?

 12. Girish Parikh said,

  November 6, 2011 @ 6:27 pm

  “ઉશનસ”ના આત્માને પ્રભુ શાંતિ આપો.
  વિવેકભાઈને પોસ્ટ કરવા બદલ સલામ.

 13. Girish Parikh said,

  November 6, 2011 @ 6:32 pm

  નવેમ્બર ૬ — આજે આદિલજીની પુણ્યતારીખ છે. ૨૦૦૮માં આ તારીખે એમણે ક્ષર દેહ છોડ્યો અને અક્ષરદેહે અમર થયા. એમને આ લખનારે આપેલી અંજલિ વિશે વાંચો http://www.girishparikh.wordpress.com બ્લોગ પર.

 14. sudhir patel said,

  November 6, 2011 @ 6:46 pm

  કવિશ્રી ઉશનસને ભાવભીની શ્રધ્ધાંજલી! પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના!!
  સુધીર પટેલ.

 15. himanshu patel said,

  November 6, 2011 @ 8:23 pm

  ક્ષણો પહેલાં તો તમે અહીં હતા-
  અને હવે !( કવિતાનો શબ્દ વપરાતો અટકી ગયો.)
  મારી ભાવભીની શ્રધ્ધાંજલી! શાંતિ શાંતિ શાંતિઃ

 16. preetam Lakhlani said,

  November 6, 2011 @ 11:24 pm

  કવિશ્રી ઉશનસના દુઃખદ સમાચાર મિત્ર કિરેીટ દુધાતે ફોન પર આપ્યાને હુ દુ;ખના દરિયામા ડુબી ગયો. કવિશ્રીને ભાવભીની શ્રધ્ધાંજલી! પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના!!

 17. kanchankumari p parmar said,

  November 7, 2011 @ 5:38 am

  મોટા ગજા ના એ વિરલ કવિ ને મારિ ભાવ ભરિ અંજલિ…..

 18. dhrumil shah said,

  November 8, 2011 @ 12:14 am

  My tribute to the greatest poet ever!!!!! May your soul rest in peace.

 19. Dinesh Pandya said,

  November 10, 2011 @ 5:44 am

  એક કવિએ બીજા કવિને યોગ્ય કાવ્યાંજલી આપી.
  કવિ રજેન્દ્ર શાહની જેમ સાનંદ સુદીર્ઘ સાર્થક જીવન જીવી ગયેલા કવિ ઉશનશના કવિતાનાં વિધ વિધ પ્રકારોમાં તેમનાં સોનેટ ખાસ માણવા લાયક છે. “કુમાર” ના કાવ્ય વિભાગમાં તેમની સર્જતની હાજરી
  કાયમ રહેતી.
  કવિ ઉશનશની ખોટ ગુજરાતી કાવ્ય વિશ્વને કાયમ સાલશે.
  ઈશ્વર તેમના આત્માને શાંતી આપે.

  દિનેશ પંડ્યા

 20. Ishita said,

  February 12, 2015 @ 2:58 am

  Aap sahu no khub khub aabhar, aaje mane as lekh char varsh pachi jadyo. Dada ni yaado aap sahu na hraday maan saday rahe tevi Mari aasha

 21. વિવેક said,

  February 12, 2015 @ 7:06 am

  @ ઇશિતાજી:

  આપનો ખૂબ ખૂબ આભાર… આપના દાદાની અન્ય રચનાઓ આ વેબસાઇટ ઉપર આપ આ લિન્ક ઉપર જોઈ શકશો:

  http://layastaro.com/?cat=193

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment