રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર પણ,
મોટા કે ઘરડા થવું છે, એટલું નક્કી કરો.
– ગૌરાંગ ઠાકર

પછી – માધવ રામાનુજ

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં
સૈયરના દાવ નતા ઉતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર –
ફેર હજી એય ન’તા ઉતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન !
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાના વેણ માગ્યાં !
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોઈ ભાન !
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

– માધવ રામાનુજ

ગુજરાતી ગીતોના ‘ટોપ ટેન’માં સહેજે સ્થાન પામે એટલું સરસ બન્યું છે આ ગીત. કન્યાવિદાયનો પ્રસંગ છે એટલે વિષાદની ઝાંય તો રહેવાની જ. ( સરખાવો – કન્યા-વિદાય ) પરંતુ અહીં કન્યામાંથી વિવાહિતા બનવાની વાતને વધારે અંગત દ્રષ્ટિકોણથી મૂકી છે. પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોઈ ભાન ! – કેટલી નાજુક પણ સચોટ પંક્તિ !

7 Comments »

  1. Dinesh Gajjar said,

    March 23, 2007 @ 2:59 AM

    Very nice thoughts…

    Congratulations….

  2. વિવેક said,

    March 23, 2007 @ 8:59 AM

    આ ગીત મારું પણ ખૂબ મનગમતું ગીત છે, પણ આ ‘ટોપ ટેન’વાળી વિભાવના કદી મગજમાં આવી જ ન્હોતી. સાચી વાત… આ ગીત ગુજરાતી ભાષાના સર્વકાલીન શ્રેષ્ઠ ગીતોમાં મોખરાનું સ્થાન ધરાવે છે… હવે જયશ્રી ‘ટહુકો.કોમ’ પર ક્યારે આ ટૌકો રેલાવે એની રાહ જોવી રહી…

  3. UrmiSaagar said,

    March 23, 2007 @ 9:21 PM

    વાહ, ખુબ જ સુંદર ગીત છે! પહેલી જ વાર વાંચ્યું…

    ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં
    સૈયરના દાવ નતા ઉતર્યા;
    સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર –
    ફેર હજી એય ન’તા ઉતર્યા;

    આ પંક્તિઓએ તો મને ગામનાં ફળિયામાં પહોંચાડીને ફેરફુદરડી રમતી કરી દીધી!
    પણ…

    કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
    ભૂલી જવાના વેણ માગ્યાં !
    પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
    ચોરી ગયું રે કોઈ ભાન !

    આ પંક્તિઓએ ફરી લાવીને મને અહીં જ પટકી દીધી!! 🙂

    જયશ્રી, હવે આને જલ્દી સંભળાવજે!

  4. Radhika said,

    March 24, 2007 @ 1:44 AM

    સદનસીબે ફાઈનઆર્ટસ ના અભ્યાસ દરમ્યાન શ્રી માધવરામાનુજ ને પ્રોફેસર તરીકે માણવાનુ સદભાગ્ય સાંપડયુ હતુ….. આટલુ ચોક્કસ કહી શકુ કે કળાનો ખજાનો કુદરતે એમનામા મન મુકી ને ભર્યો છે, પછી એ ચીત્રકળા હોય કે પછી લેખનકળા,,

    તે સમયે તેમના દીકરી નેહા પણ આમારી સાથે જ હતા, અને શ્રી માધવરામાનુજ નો વારસો એક દીકરી તરીકે તેમણે સુંદર રીતે જાળવ્યો હતો…

    કોલેજકાળ દરમ્યાન શ્રી માધવરામાનુજ ની આવી અલગ અલગ પ્રતીભાની ઝાંખી કરવાનો લ્હાવો મળ્યો છે….

    આ ગીત કદાચ હસ્તાક્ષર મા સાંભળયુ છે…. નેહા ને ચોક્કસ પસંદ હશે

  5. Neela Kadakia said,

    March 25, 2007 @ 4:30 AM

    દીકરીને વિદાય વેળાનું ગીત છે. હૃદય સ્પર્શી

  6. mansi shah said,

    March 27, 2007 @ 7:45 AM

    આ ગીતથી આવુ જ ઍક સરસ ગીત યાદ આવ્યુ.

    શ્રી જગદીષ જોશીનુ

    કુચિ આપો બાઈજી, તમે કિયા પટારે મેલિ રે મારા મૈયરનિ શરણાઈ જી

  7. JayShree said,

    June 5, 2007 @ 4:16 PM

    Listen the song here :
    http://tahuko.com/?p=753

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment