દ્વારમાં ક્યાંય આવકાર નથી,
આપણામાંય કંઈ ખુમાર નથી.

જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.
વિવેક મનહર ટેલર

અંતિમ ઈચ્છા – જિતેન્દ્ર વ્યાસ

આંખો તો કશાય કામની નથી.
એ મિંચાય કે તરત જ
એમાં ઊગેલાં મેઘધનુષ્યોને
હળવેકથી ઉપાડીને
કોઈ કોરી આંખના આકાશમાં લહેરાવજો.
હીરનાં ચીરનોય મોહ ક્યાં હતો કે કફનનો હોય ?
મારાં અંગ પર ઊગેલાં રોમાંચોને
બાગની કોઈ ક્યારીમાં વાવજો,
કોઈ ફૂલડાને આપજો.
મારી ભવોભવની લેણદાર
કો પુરકન્યકા
નીચી નજર ઢાળી
એણે આપેલાં
કુન્દધવલ સ્મિત
(મારે મન તો મોટી મૂડી)
વિશે
મહકતા મૌનથી પૃચ્છા કરે
ત્યારે
તેને મારાં ગીતો આપજો.
મારી શ્રુતિમાં પડઘાતા ફૂલોના સૌરભ-ટહુકાઓને
તારલાના મધપૂડા સુધી પહોંચાડજો.
મારા છેલ્લા શ્વાસે
ખીલું ખીલું થતી કો પદ્મિનીની સુવાસ
ભરું ને પોઢી જાઉં ત્યારે
‘બે મિનિટ મૌન’ પાળવાને બદલે
હે અભિનવ કોકિલો,
આમ્રમંજરીના આસ્વાદથી મ્હેકતા કંઠે
તમે
ગાજો, ગાજો, ગાજો.

– જિતેન્દ્ર વ્યાસ

આટલા સુંદર કલ્પનો સાથે મૃત્યુની વાત જવલ્લે જ આવે છે. સરખાવો મરતા માણસની ગઝલ અને મૃત્યુ ન કહો.

4 Comments »

  1. jina said,

    March 20, 2007 @ 8:11 AM

    જો મોત મળે ભરયૌવનમાં, તો શોક ન કરશો સૈફ ઉપર,
    રંગીન નશીલી મૌસમમાં હર ચીજ સમયસર લાગે છે!!

    શબ્દોમાં ભૂલ હોય તો માફી ચાહું છું… કેમ છો ધવલ?

  2. રાજન said,

    March 20, 2007 @ 9:23 AM

    મકાન ને ના હોય નળિયા, ચપ્પલ ને ના હોય તળિયા, ફેરવે ગામના ગળિયા, પછી ગણે જેલ ના સળિયા,તોયે મારો બેટો ક્યે આપણે તો મોજે દરિયા………………………

  3. aditya said,

    March 20, 2007 @ 10:15 AM

    કોઇની આંખના સપ્તરંગો બીજા કોઇની આંખમાં લહેરાવવા, અંગના રોમાંચો ફૂલોને આપવા, પદિમ્નીની સુવાસ સાથે સુઇ જવું અને પાછુ બે મિનીટ ના મૌનના સ્થાને ગાવા કહેવું……….

    જિદંગી ને આથી વધુ સારી રીતે desrcibe કરવું શક્ય નથી.. ખરેખર, મોત ને આ રીતે આલિંગવું એ પોતાના માંજ એક જબરદસ્ત વસ્તુ છે.

    અંત એક ગઝલથી,.,.,.,.,.,

    જિંદગી જીવું છુ કંઇક એવી મઝાથી,
    કારણ જીવવાના બહાના ઘણા છે,
    મોતને જાણીને મારે કામ શું છે?
    કફન આપવાવાળા “આદિ”ને, ઘણા છે.

  4. Radhika said,

    March 21, 2007 @ 1:29 AM

    ખુબ ખુબ અભીનંદન,

    મ્રુત્યુને આટલા સુંદર વિશોષણો થી શોભાવવા માટે,
    ખરેખર મરણની ઘટનાને એક ઉત્સવ તરીકે દર્શાવી મ્રુત્યુનો મલાજો સુંદર રીતે જળવાયો છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment