હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
જલન માતરી

અવસાનસંદેશ – નર્મદ

નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક,
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં…

પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી. રસિકડાં…
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિકડાં…

એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. રસિકડાં…
હતો દૂખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી. રસિકડાં…

મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી. રસિકડાં…
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. રસિકડાં…

વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિકડાં…
જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં…

મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી. રસિકડાં…
જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી. રસિકડાં…

મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લતથી. રસિકડાં…

– નર્મદ

દોઢસો વર્ષ પહેલાનો નર્મદ એના સમયથી સવાસો વર્ષ આગળ હતો. ગુજરાતી ભાષાના બધા પહેલા કામ (પહેલો કોશ, પહેલી આત્મકથા, પહેલું વ્યાકરણ) એણે ઝપાટાભેર પતાવી દીધેલા. એ જમાનાથી એટલો તો આગળ હતો કે પોતાના ગયા પછી જગતે એને કઈ રીતે સંભારવો (કે વિસરવો) એ પણ એણે જાતે જ લખી નાખેલું ! ‘વીર સત્ય અને રસિક ટેકીપણું’ તો નર્મદના આખા જીવનનું પાંચ શબ્દમાં અદભૂત વર્ણન છે.

6 Comments »

 1. વિવેક said,

  April 19, 2011 @ 11:41 pm

  વાહ, આજે પણ આ કાવ્ય એટલું જ તરોતાજા લાગે છે… વાંચતાં જ રૂંવાડા ઉભા થઈ જાય છે… આ ગીતનું સ્વરાંકન પણ આવું જ હૃદયસ્પર્શી થયું છે…

 2. DHRUTI MODI said,

  April 20, 2011 @ 2:27 pm

  શાળાજીવનમાં ભણેલા આ કાવ્ય હજુ યે ઍટલું જ તરોતાજા છે. ગીતમાં રહેલી વીર નર્મદની ખુમારી પંક્તિ પંક્તિઍ નજરે પડે છે.

 3. pragnaju said,

  April 20, 2011 @ 8:54 pm

  મંગલ મંદિર ખોલો,એક જ દે ચિનગારી,કોઇ ભજન કે આ સરળ ગીત અવસાન જેવા પ્રસંગે ગાવામા આવે છે અમને લાગે છે કે
  મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી. રસિકડાં…
  જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી. રસિકડાં…

  મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લતથી. રસિકડાં…આ પંક્તીઓ વધુ શાંતિદાયક છે

 4. DHRUTI MODI said,

  April 21, 2011 @ 1:48 pm

  પ્રજ્ઞાબેન, તમારી સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું, સાચે જ કેટલી શાતાદાયક અને ભવ્ય, દિવ્ય વિચારોથી યુક્ત પંક્તિઑ છે.

 5. preetam lakhlani said,

  April 21, 2011 @ 5:24 pm

  જય જય્ ગરવી ગુજરાત્…….. નર્મદાશ્ંકર દવેને સલામ …………
  મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી. રસિકડાં…
  હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. રસિકડાં…

 6. Bharat Trivedi said,

  April 22, 2011 @ 6:56 am

  નર્મદને પણ આવું કહેવું પડ્યું છે! મતલબ કે કાગડાઓ તો ત્યારેય હતા !

  ‘રે કાક જા ઉકરડે મળ ચૂંથવાને
  તું શોભશે અધિક ત્યાં કૃશ્નવાને ………..’

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment