કોતરાતાં ગયાં બેઉ એક ટાંકણે,
સુખને આકાર છે, દુ:ખ નિરાકાર છે.
રઈશ મનીઆર

અપેક્ષિતતાની ગઝલ – ઘનશ્યામ ત્રિવેદી

શક્યતાઓ આટલી બસ એમ સરજાતી રહે,
હું જરા કોશિશ કરું ને તુંય સમજાતી રહે.

આંગણાનાં સોળ ચોમાસાં વળી પાવન બને,
મેઘલી મોસમ મહીં તું સ્હેજ શરમાતી રહે.

ઝરમરે આ ચાંદની કે તું ઝરે છે, શું ખબર ?
આગિયાની ટોળકીમાં અટકળો થાતી રહે.

વાયદાઓ સાવ પોકળ નીકળે એવું બને,
ભાવના- સંભાવનામાં જાત અટવાતી રહે.

ચાહના અંતિમ સમયની સાવ થોડી છે મને,
શૂન્યતામાં હું સરું ને તું ગઝલ ગાતી રહે.

– ઘનશ્યામ ત્રિવેદી

અપેક્ષાની બાદબાકી એ જ સાચો પ્રેમ…  અને એ જ ખરી ગઝલ !

(થોડા દિવસો પહેલાં ભાવનગરની શુશુવિહાર સંસ્થાની વાત કરી. એ સંસ્થાના નીરક્ષીર સંગ્રહમાંથી આ ગઝલ)

24 Comments »

 1. rajesh gajjar said,

  April 16, 2011 @ 3:11 am

  વાયદાઓ સાવ પોકળ નીકળે એવું બને,
  ભાવના- સંભાવનામાં જાત અટવાતી રહે…..
  બહુજ સુંદર..માર્ગ્ બતાવ્યો…ધન્યવાદ…

 2. Dr.J.K.Nanavati said,

  April 16, 2011 @ 3:50 am

  સ…ર….સ…..

 3. pragnajusudar said,

  April 16, 2011 @ 7:26 am

  ચાહના અંતિમ સમયની સાવ થોડી છે મને,
  શૂન્યતામાં હું સરું ને તું ગઝલ ગાતી રહે.

  વાહ્

 4. PRADIP SHETH . BHAVNAGAR said,

  April 16, 2011 @ 7:45 am

  ચાહના અતિમ સમય…….

  ઉમર ખૈયામની રુબાઈ યાદ આવી ગઈ…..

 5. Bharat Trivedi said,

  April 16, 2011 @ 8:46 am

  ક્યારેક કોઈ સાવ અપરિચિત સર્જક પાસેથી ઉત્તમ રચના મળી આવે ને કોઈ મોટા નામ પાસેથી અપેક્ષાથી ઉતરતી રચના મળે ત્યારે એ વાત સમજાવવી જરા અઘરી હોય છે. આ ગઝલનો એક પણ શેર મને બોદો લાગ્યો નથી. મને ગમી ગયેલ શેર છેઃ

  ચાહના અંતિમ સમયની સાવ થોડી છે મને,
  શૂન્યતામાં હું સરું ને તું ગઝલ ગાતી રહે.

  -ભરત ત્રિવેદી

 6. વિવેક said,

  April 16, 2011 @ 9:04 am

  સત્ય વચન, ભરતભાઈ…

 7. urvashi parekh said,

  April 16, 2011 @ 9:05 am

  સરસ…
  શુન્યતામાં હું સરુ ને તુ ગઝલ ગાતી રહે.

 8. Kalpana said,

  April 16, 2011 @ 12:30 pm

  સરસ.
  શૂન્યતામા સર્યા પછી ગઝલ ગવાય તોપણ શુઁ અને ન ગવાય તોપણ શુઁ.

 9. gunvant thakkar said,

  April 16, 2011 @ 1:11 pm

  આ ગઝલના મત્લામા સર.અને સમ.એ બન્ને કાફિયા જણાય છે અને જાતી રહે,એ રદીફ જણાય છે જેનુ બાકીના શેરોમા પાલન થતુ નથી. વિવેકભાઈ, આને દોષ ગણાય કે નહી ?

 10. DHRUTI MODI said,

  April 16, 2011 @ 8:32 pm

  સરસ રચના.

 11. rajnikant shah said,

  April 16, 2011 @ 9:32 pm

  ચાહના અંતિમ સમયની સાવ થોડી છે મને,
  શૂન્યતામાં હું સરું ને તું ગઝલ ગાતી રહે.

  nice.liked it.

 12. વિવેક said,

  April 17, 2011 @ 12:21 am

  @ ગુણવંતભાઈ:

  કવિએ મત્લાના શેરમાં સમજાતી અને સરજાતી કાફિયા પ્રયોજ્યા છે. એમાં ‘સમ-‘ અને ‘સર-‘ કાફિયા અને ‘-જાતી’ રદીફ ગણાય એવી કોઈ શાસ્ત્રીય જાણકારી મારી પાસે નથી… ‘રહે’ આ ગઝલમાં નિઃશંકપણે રદીફ છે…

  મત્લાના શેરમાં કાફિયાનો આધાર બંને મિસરામાં ‘જાતી’ છે જેને મારી નજરે નજીવો કાફિયા દોષ ચોક્કસ ગણી શકાય પણ એને રદીફ ગણવા માટે મારી પાસે કોઈ આધારભૂત રેફરન્સ નથી.

 13. sudhir patel said,

  April 17, 2011 @ 1:08 am

  ભાવનગરના કવિ-મિત્ર ઘનશ્યામ ત્રિવેદીની માતબર ગઝલ માણી દિલ ખુશ થઈ ગયું!
  સુધીર પટેલ.

 14. preetam lakhlani said,

  April 17, 2011 @ 10:58 am

  કવિ વિવેક ભાઈ, તમારો ગઝલ બાબતનો ખુલાસો ગમ્યો !!!!………આભાર્

 15. Darshit said,

  April 20, 2011 @ 1:24 am

  મત્લા, કાફિયા, રદીફ, મિસરા dont know anything about these words….વિવેકે તો ખુલાસો કર્યો કે દોષ નથી, પણ દોષ હોય તો ય ઘેર ગ્યો. આપણને તો છેલ્લી બન્ને પંક્તિ ખૂબ ગમી ભાઈ.

  આભાર વિવેક.

  અને વિવેક, હા ઉપર ના ચારેય શબ્દો નો અર્થ જો સમજાવી શકો તો તો જાણે સોના માં સુગંધ ભળશે.

  Once again Thanks

 16. Deval said,

  April 20, 2011 @ 4:12 am

  vaaah…. ekke ek sher mast 6…Shree Bharat Trivedi saathe saav sanmat… Thanx Vivek ji for sharing…

 17. વિવેક said,

  April 20, 2011 @ 7:21 am

  મત્લા એટલે ગઝલનો પહેલો શેર. (મક્તા એટલે ગઝલનો છેલ્લો શેર જેમાં શાયર પોતાનું નામ કે તખલ્લુસ વણી લે)

  મિસરા એટલે શેરની એક પંક્તિ. બે પંક્તિના શેરમાં પહેલી પંક્તિને ઉલા મિસરા અને બીજી પંક્તિને સાની મિસરા કહેવાય…

  કાફિયા એટલે પ્રાસ. મત્લાના શેરમાં બંને મિસરામાં અને એ પછીના શેરોમાં બીજા મિસરાના અંતભાગ તરફ કાફિયા આવે છે. પ્રસ્તુત ગઝલમાં સરજાતી, શરમાતી., સમજાતી, થાતી, જાતી વગેરે કાફિયા છે.

  રદીફ એટલે કાફિયા પછી આવતો અનુપ્રાસ જે ધ્રુવતારકની જેમ બધા શેરમાં અચળ રહે છે. આ ગઝલમાં ‘રહે’ રદીફ છે.

 18. preetam lakhlani said,

  April 20, 2011 @ 12:31 pm

  કવિ વિવેકે તો ગઝલ વિશે એકવેરિયમમા દરિયો આપી દીધો……..નવોદિત ગઝલકારોને ધણુ સિખવા મલશે જો આ પ્રમાણે Work shop ચાલુ રાખશૉ તો ?……..આભાર્

 19. Neha said,

  April 21, 2011 @ 2:53 am

  વાહ્ સુન્દર્….

 20. jaydeep k trivedi said,

  April 21, 2011 @ 6:47 am

  સ ર સ . કા કા. wonderful આપનિ આ ગઝલ લોકો ને ખુબ પસદ આવિ. તો આપ

  આવિ જ રિતે આગલ વધતા રો તેવિ મારિ સુભકામના.

  wish you all the best.& very very congrest uncle & aanti

 21. Kirtikant Purohit said,

  April 22, 2011 @ 12:48 am

  મારી અલ્પ સમજ મુજબ કાફિયામાં મત્લા બંધારણ સર્જે છે ત્યાં સરજાતી અને સમજાતી શબ્દો લીધેલા છે તેથી આગળ ગાતી કે થાતી અત્યંત નજીવો સુક્ષ્મ દોષ સર્જે પરંતુ આવી છૂટ ઘણા શાયરોએ લીધેલી જોવા મળે છે. આ છૂટ જો મત્લામાં જ કવિકર્મ દ્વારા લઇ લેવામાં આવે તો દોષ રહેતો નથી. ચર્ચાને અહિં અવકાશ છે.

 22. Sukh mustukhan said,

  April 29, 2011 @ 4:42 am

  વાહ……… ઘનશ્યામભાઈ,બુધસભાની કુમ્પળ નેટ પર લીલીકાચ ગુલાબી ગઝલ થઈને ખીલી છે.

 23. jagu said,

  April 29, 2011 @ 4:45 am

  વાહ …………..વાયદાઓ સાવ પોકળ નીકળે એવું બને,
  ભાવના- સંભાવનામાં જાત અટવાતી રહે……….ખુબ ગમી.

 24. Jigar said,

  June 9, 2016 @ 3:41 pm

  વાહ…
  અહીં ભુલથી લખાયેલ “શુશુવિહાર” પરથી એકદમ નોવેલ્ટી શબ્દ પ્રાપ્ત થયો ! … “સુસુવિહાર” !

  પ્રશ્ન પહેલો એ હતો જળની ધાર ક્યાં હશે,
  પ્રશ્ન બીજો એ હવે સુસુવિહાર ક્યાં હશે ? ઃઃ)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment