ધાર કે એ આપણી અટકળ હતી,
વાત તોયે સાવ ક્યાં પોકળ હતી?
– રમેશ ઠક્કર

ગઝલ – જાતુષ જોશી

ભલે આકાશ છલકાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા,
પળેપળ આજ મન થાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

અટારી સપ્તરંગી આભમાં ઝળહળ ઝળહળ ઝળકે,
સતત ત્યાં કોણ ડોકાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

બધી રજકણ ચરણરજ છે, પવન પણ પત્ર કેવળ છે,
કિરણ થઈ કોણ ફેલાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

અચાનક એક પીંછું પાંપણે અડકી ગયું રાતે,
વિહગ શું ત્યાં જ સંતાતું? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

નિશા કાયમ ગગનના કુંભમાં નકરું તમસ રેડે,
તમસ ટપકીને ક્યાં જાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

– જાતુષ જોશી

મહાકવિ વેદ વ્યાસ રચિત બ્રહ્મસૂત્ર એ વેદાંતનો મુખ્ય ગ્રંથ છે. આ ગ્રંથના પહેલા અધ્યાયના પહેલા પદની પહેલી કડીમાં ‘અથાતો બ્રહ્મજિજ્ઞાસા’ કહેવાયું છે. અર્થાત્ હવે અહીંથી બ્રહ્મ વિષયક વિચારણાનો આરંભ થાય છે અથવા હું જે આ ગ્રંથ લખું છું તે બ્રહ્મવિદ્યાનો ગ્રંથ છે.

કવિ બ્રહ્મની તલાશ હાથમાં ગઝલ લઈને આદરે છે. માશુક-માશુકા અને સાકી-શરાબના સીમાડાઓ વળોટીને ગઝલ કેટલી આગળ વધી ગઈ છે !

10 Comments »

  1. ડૉ. મહેશ રાવલ said,

    May 14, 2011 @ 1:52 AM

    અક્લ્પનીય રદિફ લઈને કંઇક અસામાન્ય સર્જનના મૂડમાં થયેલું કવિકર્મ…..જાતુષ જોશીજી….!
    કમાલ કરી છે આપની લેખિનીએ….વાહ !

  2. Atul Jani (Agantuk) said,

    May 14, 2011 @ 2:31 AM

    મહર્ષિજીના બ્રહ્મસૂત્રની શરુઆત થાય છે – અથાતો બ્રહ્મજિજ્ઞાસા
    અને
    પતંજલિ મહારાજના યોગસૂત્રોની શરુઆત થાય છે – અથ યોગ અનુશાસનમ

    જ્ઞાનમાર્ગમાં જિજ્ઞાસા કારણરૂપે છે;
    જ્યારે
    યોગમાર્ગમાં અનુશાસન મુખ્ય છે.

    અકલ્પનિય રદિફ અકલ્પનિય ઈતિ સુધી લઈ જાય તેવી કવિશ્રીને શુભેચ્છા.

  3. કિરણસિંહ ચૌહાણ said,

    May 14, 2011 @ 4:16 AM

    ખરેખર ઉચ્ચ કોટિની ગઝલ. ગુજરાતી ગઝલના પ્રારંભકાળમાં બાલાશંકર કંથારિયા અને ‘કલાપી’ની રચનાઓમાં આ આધ્યાત્મભાવ ખાસ જોવા મળે છે. પછી તો ગઝલકારોએ ગઝલને ઘાટ ઘાટના પાણી પીવડાવ્યાં. પણ એમાંય જવાહર બક્ષી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ અને જાતુષ જોશી જેવા ગઝલકારમિત્રોએ પરંપરાની આંગળી છોડયા વગર આધુનિકતાના આ રીતે દર્શન કરાવ્યા છે એ માણવાની બહુ મજા પડે છે.

  4. pragnaju said,

    May 14, 2011 @ 8:10 AM

    ગઝલો માણતા એકાએક આ ધ્યાનાકર્ષક આદભૂત રદિફે આનંદ આનંદ થયો.
    સર્વાંગ સુંદર ગઝલ..
    ઋષિકવિ રાજેન્દ શુક્લની અવધૂતી ગઝલો કે પંચમદાના રદિફમા આવા અણસાર થાય…
    અથથી ઘણા લેખકોએ લખ્યુ છે કાવ્ય રચના પણ કરી છે.વેદાંતના પ્રવચન બાદ કોઇ પણ સાધારણ પ્રશ્ન હોય તો પણ રમુજમા સાથે કહેતા અથાતો બ્રહ્મજિજ્ઞાસા અને રમુજમા ઉતર બાદ સંત ઇતિ કહેતા.એક કવિએ તો અથ કાવ્ય ગ્રંથ બહાર પાડ્યો તો વિવેકચૂકી વિવેકે પ્રતિભાવ આપેલો, ‘પણ ગઝલનો છંદ આટલો શિથિલ હોય એમ કેમ ચાલે? મત્લાની બંને પંક્તિમાં અલગ છંદ, એ પછીના શેરમાં ય બંને પંક્તિમાં અલગ-અલગ છંદ અને પછી આખી ગઝલમાં વળી નવો જ છંદ?
    કવિનું સમાજ પરત્વેનું ખરું દાયિત્વ શું?’
    અથાતો બ્રહ્મજિજ્ઞાસા માટે જો અનુશાસનનું નિષ્ઠા અને ગંભીરતાપુર્વક પાલન કરી શકો તો સમજાય
    અચાનક એક પીંછું પાંપણે અડકી ગયું રાતે,
    વિહગ શું ત્યાં જ સંતાતું? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

    બ્રહ્માંશના બે વિહંગ ,એકનુ ઉડ્ડાણ સ્વસ્વરુપ તરફ
    તમસ આવરીત વિહંગને જોઇએ અનુશાસન, ઇતિ

  5. ગૌરાંગ ઠાકર said,

    May 14, 2011 @ 12:50 PM

    ખૂબ જ સરસ ગઝલ..વાહ

  6. વિહંગ વ્યાસ said,

    May 15, 2011 @ 1:32 AM

    નિશા કાયમ ગગનનાં કુંભમાં નકરુ તમસ રેડે, તમસ ટપકીને ક્યાં જાતું અથાતો બ્રહ્મજિજ્ઞાસા…..સાદ્યંત સુંદર ગઝલ.

  7. jigar joshi 'prem' said,

    May 15, 2011 @ 4:52 AM

    આટલો અઘરો રદ્દિફ નિભાવવો ખરેખર ખૂબ કપરો છે…..અને બહુ જ સરસ નિભાવ્યો છે…..વાહ જોશીજી…..

  8. Kirftikant Purohit said,

    May 15, 2011 @ 5:22 AM

    અનન્ય રદીફ સાથે બ્રહ્મજિજ્ઞાસા વિષયક આત્મપિપાસાને જોડતી સુઁદર ગઝલથી શ્રી હરિશ્ચન્દ્રભાઇની પેઢીને વ્યવસ્થિત જાળવશે તેવી ધારણા બલિષ્ટ થાય છે. ગઝલની નવી કલ્પનોનો અનોખો ઉજાસ અહિઁ છે.

  9. Nilesh Rana said,

    May 16, 2011 @ 7:10 PM

    અતિ સુન્દર ગઝલ અભિનન્દન
    નીલેશ રાણા

  10. P Shah said,

    May 17, 2011 @ 1:15 AM

    સુંદર ગઝલ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment