વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
હરીન્દ્ર દવે

કેમ સમજાયો ! – હરજીવન દાફડા

કોઈને આમ સમજાયો, કોઈને તેમ સમજાયો,
અઢી અક્ષર હતા તોયે ન પૂરો પ્રેમ સમજાયો.

જીવનનો દાખલો કોનો હશે સાચો, ખબર ક્યાં છે ?
ગણી નાખ્યો હતો સૌએ સ્વયંને જેમ સમજાયો.

સદીઓથી ખીલા ફરતે હજી ચક્કર લગાવો છો,
ભલા માણસ ગતિનો અર્થ તમને એમ સમજાયો ?

તમે આનંદને જોતા રહ્યા અવસાદની આંખે,
અમંગળ પત્ર વાંચ્યો મેં તો કુશળક્ષેમ સમજાયો.

યુગોની યાતનામાંથી નીકળતાં વાર ના લાગી,
એ ખડકી ખોલવાનો ભેદ અમને કેમ સમજાયો !

-હરજીવન દાફડા

હરજીવન દાફડાની આ ગઝલ અસ્મિતા પર્વ, મહુવા ખાતેના કવિસંમેલનના જીવંત પ્રસારણ સ્વરૂપે ટી.વી. પર સાંભળી હતી ત્યારે ખીલા ફરતા ચક્કર લગાવવાની વાતવાળો શેર કાગળ પર ટાંકવા મજબૂર થઈ ગયો હતો. ગઝલના પહેલા ત્રણ શેર પહેલી નજરે જ ગમી જાય એવા મજાના થયા છે પણ આખરી બે શેરમાં કવિ એના સાચા સ્વરૂપે પ્રગટ થાય છે. કુશળક્ષેમવાળો શેર વાંચતા જ ‘युधिष्ठिर को कोई दुर्जन नहीं मिला और दुर्योधन को कोई सज्जन नहीं मिला’વાળો પાઠ યાદ આવી જાય છે. અને આખરી શેર જેટલો ધીમેથી ખુલે છે એટલો જ વધુ અર્થગહન બન્યો છે. આંખની આગળ એષણાના પડળ બાઝી ગયા હોય કે સંબંધના ‘અમે’ને ‘હું’ની બંધ ખડકી નડતી હોય યા મુક્તિનો માર્ગ મોહ-માયાએ ગોપિત કરી દીધો હોય ત્યારે જીવનમાં યાતના સિવાય શું બચે છે? અને આ બંધ બારીઓ એકવાર ખોલી નાંખો તો પછી….?

12 Comments »

 1. Pushpakant Talati said,

  April 1, 2011 @ 6:00 am

  ” અઢી અક્ષર હતા તોયે ન પૂરો પ્રેમ સમજાયો.”- અરે ભાઈ જો આ અઢી અક્ષર સમજાઈ જાય એટલે તો બેડો પાર થઈ જાય. પણ તે સમજાય તો ને ?

  અહીં તો બધા પોતાને ફાવે અને આવડે તેમ દાખલા ગણ્યે જાય છે. – જો જીવનનો દાખલો સાચો ગણતા આવડી જાય અને જીવનગણીત માં પારંગત થઈ જાય તો તો પછી પુછવું જ શું ?

  મને આ ભાગ (શેર) બહુ જ પસંદ પડ્યો છે.
  ” સદીઓથી ખીલા ફરતે હજી ચક્કર લગાવો છો, – ભલા માણસ ગતિનો અર્થ તમને એમ સમજાયો ? ” – નાવ ને કિનારે થી છોડ્યા વગર જ રાત આખી હલ્લેસા માર્યા કરનાર નાવિકની યાદ આવી ગઈ.

  અને વિવેકભાઈ એ જણાવ્યું તેમ કુશળક્ષેમવાળો શેર વાંચતા જ ‘युधिष्ठिर को कोई दुर्जन नहीं मिला और दुर्योधन को कोई सज्जन नहीं मिला’વાળો પાઠ / પ્રસંગ યાદ આવી જાય છે.

  બાકી તો જેની જેવી દ્રષ્ટી તેની તેવી સ્રુષ્ટિ જેવોં જ છે આ દુનિયામાં તો . ઘણા આનંદને અવસાદ ના રૂપમાં તથા અવસાદ ને આનંદ નાં રૂપમાં જોતા હોય છે.

  ખરેખર હરજીવન દાફડાની આ ગઝલ પ્રસંસાને પારત્ર છે.

  પ્રસ્તુતિ બદલ આભાર .

 2. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  April 1, 2011 @ 9:30 am

  રાફડો ખુલ્યો;અજગરે ફેણ હલાવી ને નાગમણિ મળ્યો.
  સુંદર, અતિસુંદર!

 3. PARSHURAM CHAUHAN said,

  April 1, 2011 @ 10:21 am

  અદભૂત ઈશ્કે હકીકી !!! વાહ!

 4. pragnaju said,

  April 1, 2011 @ 10:32 am

  સુંદર ગઝલનો આ શેર ખાસ દાદ માગે તેવો છે.

  યુગોની યાતનામાંથી નીકળતાં વાર ના લાગી,
  એ ખડકી ખોલવાનો ભેદ અમને કેમ સમજાયો !
  વાહ્
  યાતનામાંથી નીકળવાની સૌથી સહેલી રીત
  એષણા સળગાવીને તાપ્યા કરીએ તાપણાં.
  શેષ ઈચ્છા, ભગ્ન સપનાં, અણગમા, સંભારણાં.
  પ્રકૃતિથી ઉપર ઊઠીને આગળ વધવું, એ જ સંસ્કૃતિ છે.

  સદીઓથી ખીલા ફરતે હજી ચક્કર લગાવો છો,
  ભલા માણસ ગતિનો અર્થ તમને એમ સમજાયો ?
  તમે આનંદને જોતા રહ્યા અવસાદની આંખે,
  અમંગળ પત્ર વાંચ્યો મેં તો કુશળક્ષેમ સમજાયો.
  સ રસ
  ઘણી વાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે. પરંતુ એમનામાં ઘણો વિકૃતિનોય અંશ પડ્યો છે, તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે, તે આપણે અપનાવી લેવાની છે.સંદર્ભમાં

 5. Kirftikant Purohit said,

  April 1, 2011 @ 11:01 am

  સરસ. અસ્મિતાપર્વમાઁ મેઁ ય સાઁભળેલી. આ શેર ઉમદા બન્યો છૅ.

  યુગોની યાતનામાંથી નીકળતાં વાર ના લાગી,
  એ ખડકી ખોલવાનો ભેદ અમને કેમ સમજાયો !

 6. DHRUTI MODI said,

  April 1, 2011 @ 2:20 pm

  સર-સ ગઝલ.

 7. DR.MANOJ L.JOSHI "MANN"(JAMNAGAR) said,

  April 1, 2011 @ 2:58 pm

  હરજીવનભાઈ પાસેથી ફોન પર અને રુબરુ બન્ને રીતે સાંભળેલી આ ગઝલ અહીં વાચીને દિલ બાગ બાગ થઈ ગયું.હરજીવનભાઈ જેટલી ઉમદા ગઝલો લખે છે એટલા જ ઉમદા માણસ પણ છે. અભિનન્દન….અને…આભાર…..વિવેકભાઈ.

 8. sudhir patel said,

  April 1, 2011 @ 9:32 pm

  ખૂબ જ સુંદર મિજાજ સભર ગઝલ!
  અમરેલીના કવિશ્રી હરજીવન દાફડા દાદને પાત્ર છે!

  એમના ત્રીજા શે’રના મતલબનો મારો એક શે’ર યાદ આવી ગયોઃ

  કેટલું ભાગે છતાં લાગે બધાં કેવાં સ્થગિત?
  ઉર્ધ્વગામી કોઈ ઈચ્છા આપણી સામે નથી!

  સુધીર પટેલ.

 9. jigar joshi 'prem' said,

  April 1, 2011 @ 11:21 pm

  અઁતિમ શેર અત્યંત ગમ્યો….

 10. gunvant thakkar said,

  April 2, 2011 @ 1:24 am

  સુંદર અભિવ્યક્તિ

 11. Jayesh bhatt said,

  April 3, 2011 @ 11:12 pm

  ખુબ સરસ મનુશ્ય ને સાચી સમ્જન મલે તો તે પન ઘનુ

 12. Manoj Shukla - Gujarati Kavita said,

  April 10, 2011 @ 5:12 am

  સરસ ગઝલ – ત્રીજા શેરના સંદર્ભે મારો એક શેર ટાંકું છું. –
  ખીલે બાંધ્યા વાછરડા સમ,
  સૌ સૌના પડછાયે છે બંધ.
  -મનોજ શુક્લ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment