છે કેવળ ભ્રમ તમારા નામની પાછળના લટકણિયાં,
હકીકતમાં, મૂષકજી ! પૂંછ સાતેસાત ખોટી છે.
વિવેક મનહર ટેલર

શબદસૃષ્ટિ અંતે – રાજેન્દ્ર શુક્લ

ભભૂતિ શું ભરપૂર ભેટી લઉં છું,
સકળને સમૂળું સમેટી લઉં છું.

ન તો ઊંઘવું આ, ન તો જાગવું આ,
અહર્નિશ ઉજાગર ઉંઘેટી લઉં છું.

હું રેલાઉં, ફેલાઉં, વરસી પડું પણ-
બીજી ક્ષણ મને હું ઉશેટી લઉં છું.

ભલો ભાવ ભગવો, ભલો મેઘધનુષી!
લિપટતું જે આવે લપેટી લઉં છું.

શબદ ક્ષીરસાગર, શબદ શેષશય્યા,
શબદસૃષ્ટિ અંતે હું લેટી લઉં છું.

– રાજેન્દ્ર શુક્લ
(‘ઘિર આયી ગિરનારી છાયા’)

એક એવી અવસ્થા આવે છે કે જ્યાં બધું છોડી દેવું અને સર્વસ્વને ભેટી લેવું એક જ બની જાય છે. ત્યાં શાંત થઈ જવું કે છલકી જવું એક જ બની જાય છે. અને જાગૃતિ ને નિદ્રા છાના પગલે ભેગા થઈ જાય છે.

જે ભાવ કુદરતી રીતે સ્ફૂરે – એ ભગવો હોય કે રંગીન – એ જ ખરો ભાવ છે. એને ભારે ભાવથી ભેટી જ લેવું !

છેલ્લો શેર તો ભારે મઝાનો થયો છે. શબ્દ જ ક્ષીરસાગર છે, શબ્દ જ સૃષ્ટિ છે અને એના અંતે આધાર પણ તો શબ્દની શેષશય્યાનો જ છે ! આ બધા પ્રતિકોથી, માણસને છેક ઈશ્વર-સમાન અવસ્થા સુધી લઈ જવાનું શબ્દનું સામર્થ્ય કવિ અહીં છતું કરે છે.

12 Comments »

  1. Jayshree said,

    March 28, 2011 @ 9:40 PM

    મઝાની ગઝલ ધવલભાઇ..!

  2. ઉલ્લાસ ઓઝા said,

    March 29, 2011 @ 12:48 AM

    કવિ શ્રેી રાજેન્દ્ર શુક્લ શબ્દોને કેટલેી ઊન્ચાઇ પર લઇ જાય ! વાહ !

  3. P Shah said,

    March 29, 2011 @ 2:59 AM

    શબદસૃષ્ટિમાં મહાલવાની મઝા આવી.
    સુંદર રચના !

  4. વિહંગ વ્યાસ said,

    March 29, 2011 @ 4:41 AM

    આત્મન્યેવાત્મનાતુષ્ટ……

  5. pragnaju said,

    March 29, 2011 @ 8:10 AM

    ઘિર આયી ગિરનારી છાયા ‘ ની ખૂબ ગમતી ગઝલ.
    કવિ ગઝલ સાથે આદિથી અનાદિ સુધીનો તાર કેવો સહજતાથી આલેખે છે. સૃષ્ટિના સર્જનહારની સાથે પોતાના સર્જનની વાત હળવેથી સાંકળીને કવિ હળવેથી ગઝલ ઊઘાડી આપે છે.
    ભભૂતિ શું ભરપૂર ભેટી લઉં છું,
    સકળને સમૂળું સમેટી લઉં છું.
    અને
    શબદ ક્ષીરસાગર, શબદ શેષશય્યા,
    શબદસૃષ્ટિ અંતે હું લેટી લઉં છું.
    અ દ ભૂ ત
    ઋષિ કવિ ની ચિત્તને તિરોહીત કરતી સર્જકતા રચનાને સચોટ બનાવે છે

  6. વિવેક said,

    March 29, 2011 @ 8:57 AM

    ઉત્તમ રચના…

  7. Bharat Trivedi said,

    March 29, 2011 @ 9:24 AM

    મોટો સર્જક કેમ મોટો હોય છે તેનું પ્રમાણ અહીં જોવા મળે છે ! કાફિયા શોધવા ના જવાય – તે તો સામે આવીને મળે તે પણ અહીં નોંધવા જેવું છે.

  8. Maheshchandra Naik said,

    March 29, 2011 @ 10:38 AM

    ઋષીકવિશ્રીની સરસ વાત, ગઝલના સ્વરુપમા માણવા મળી, બધુ ત્યાગીને સર્વેસર્વાને શરણે જવા માટે પણ મનને કેળવવુ હોય તો આ ગઝલ માણવી જ રહી…..આપનો આભાર………

  9. Ramesh Patel said,

    March 29, 2011 @ 12:13 PM

    શબદ ક્ષીરસાગર, શબદ શેષશય્યા,
    શબદસૃષ્ટિ અંતે હું લેટી લઉં છું.

    – રાજેન્દ્ર શુક્લ
    ચીંતનભરી ઉત્કૃષ્ઠ ગઝલ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  10. DHRUTI MODI said,

    March 29, 2011 @ 4:07 PM

    જયારે દુનિયા ઊંઘે ત્યારે જોગી જાગે, દુનિયા જાગે ત્યારે જોગી ઊંઘે. બીજા કોઈ ભાવ નહિ ફક્ત અદ્વેત અને અદ્વેત જ. બધું જ ઍકાકાર. કાલિદાસે જેમ શબ્દ અને અર્થને પાર્વતી-પરમેશ્વર કહ્યાં છે તેમ ઋષિકવિઍ શબ્દને જ શેષનાગ, શેષશય્યા અને ક્ષીરસાગર કહી શબ્દસૃષ્ટિ અંતે લેટી જવાની વાત કહી છે. કવિશ્રીને પ્રણામ.

  11. jigar joshi 'prem' said,

    March 29, 2011 @ 11:02 PM

    વાહ ! અદભૂત રચના થઈ છે

  12. ashok pandya said,

    April 6, 2011 @ 5:25 PM

    ઋષિ કવિ ની અસલ આહલેકી ગઝલ..રાશુ ની ધાંસુ રચના..કોઇપણ કોમેન્ટ કરવાની જરૂર લાગતી નથ સર્જનના શિખરે બિરાજતા રાજેન્દ્ર ભાઈ ને સાદર વન્દન…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment