જીવ તો ચાલ્યો ગયો છે ક્યારનો,
શ્વાસની છે આવ-જા કારણ વગર.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

કાંકરી ખૂંચે છે – હર્ષદ ત્રિવેદી

કોઇ સપનામાં ઊગે છે સૂરજની જેમ
અને મારામાં કાંકરી ખૂંચે છે !

પાંપણ ઢળે તો કહે અંધારું કેમ ?
અને મારામાં કાંકરી ખૂંચે છે !

એકાન્તે હોય તો ય એકલાં નહીં
ને છતાં મેળો કહેવાય એવું કાંઇ નહીં,
આવનારાં આવે ને જાનારાં જાય
તોય પડવા દેવાની કોઇ ખાઇ નહીં;
કોઇ બારણું અધૂકડું ખોલી ક્હે આવ
અને મારામાં કાંકરી ખૂંચે છે !

પછી બે કાંઠે છલકાતું આખું તળાવ
અને મારામાં કાંકરી ખૂંચે છે !

મળવાનું સ્હેલું પણ ભળવાનું અઘરું
ને ખોવાનું એ જ ખરો ખેલ !
ઠરવાનાં ઠેકાણાં હડસેલે દૂર
ક્યાંક મળવાનો એવો પણ છેલ !
કોઇ માંડે છે મધરાતે મીઠી રમત
અને મારામાં કાંકરી ખૂંચે છે !

પછી ખીણમાં ધકેલાતો આખો વખત
અને મારામાં કાંકરી ખૂંચે છે !

–   હર્ષદ ત્રિવેદી 

2 Comments »

 1. ધવલ said,

  January 10, 2007 @ 1:49 pm

  અંદરથી એકલા હોવાની વાત … કોઈ ખટકો મનમાં રાખીને… કે એક બળતી યાદ દિલમાં રાખીને જીવવાની વાત … બહુ બારીકીથી રજૂ કરી છે.

  મનની અંદર વસી ગયેલી કોઈની યાદથી હવે ઊંધ પણ મુશ્કેલ થઈ ગઈ છે એની વાત કવિ કેવી રીતે કરે છે એ જુઓ…

  પાંપણ ઢળે તો કહે અંધારું કેમ ?
  અને મારામાં કાંકરી ખૂંચે છે !

  દીલીપભાઈના ‘કવિલોક’ પર હર્ષદ ત્રિવેદીની જ એક ગઝલ પણ આ સાથે માણો – http://pateldr.wordpress.com/2007/01/10/aave_chhe_harshad_trivedi/

  એ ગઝલનો પહેલો શેર પણ આ કવિતાના સૂરનો પડઘો પાડતો હોય એવો છે…

  કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે;
  બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે.

 2. parul barot said,

  February 9, 2012 @ 9:40 am

  AKLTA NO UNDO AHESAS PRAGAT THAY CHHE…….HRADAY MA LAGELO AGAT SHBDO NU RUP DHARN KRI KAVITA MA KANDARAUO CHHE….JIVAN NI AMULYA XNO JE GHAV BNI KAVI HRADY NE UDHAI BANI KORI KHAY CHHE…KVI AHI POTANU HRADAY KOLI DRDNO DRIYO GJVE CHHE……..HOW ….NICE…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment