કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.
સ્નેહી પરમાર

રજકણ – હરીન્દ્ર દવે

રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે ઊડવા લાગે,જઈ ઢળી પડે આથમણે.

જળને તપ્ત નજરથી શોધી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઈ દિન બિંબ બનીને
સાગરને મન વસવા,
વમળમહીં ચકરાઈ રહે એ કોઈ અકલ મૂંઝવણે.

જ્યોત કને જઈ જાચી દીપ્તિ
જ્વાળ કને જઈ લ્હાય,
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય;
ચકિત થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.

– હરીન્દ્ર દવે

સૂર્ય એ જ રજકણ અને રજકણ એ જ સૂર્ય-આ વાતની અનુભૂતિ જ્યાં સુધી રજકણને નહિ થાય ત્યાં સુધી તેનું ગંતવ્ય છે અકલ મૂંઝવણ મહીં અટવાવું અને તેનું લોક-ચરણે ટળવળવું. શા માટે તે સામર્થ્ય અન્ય પાસેથી ઝંખે છે ? જે ક્ષણે તે પોતાની અંદર નજર કરશે – તેને પોતાની અને સૂર્યની એકાત્મતા લાધશે.

10 Comments »

  1. Jayshree said,

    January 30, 2011 @ 4:04 AM

    આ ગીત આજ સુધી લયસ્તરો પર નો’તુ એ માન્યામાં નથી આવતું 🙂

    આ ગીતના સ્વરકાર – શ્રી દિલીપ ધોળકિયાને ફરી એકવાર નતમસ્તક શ્રધ્ધાંજલી..!

  2. pragnaju said,

    January 30, 2011 @ 1:49 PM

    ઘણી ખરી વેપ પર મૂકાયલું આ ગીત સદાબહાર છે.
    તેને કેટલીક વેબમા સાંભળી ચિંતન મનન કરવાનો આનંદ અનેરો છે.
    નાના સમારંબોમા ગાવાની મઝા અને અંતકડીમા કોઇ તો ગાયજ!
    કદાચ બધાને પોતે રજકણ હોવાનો અહેસાસ છે અને મસ્ત મોટું સ્વપ્ન પણ છે
    આવી સ્થિતીમા વર્તમાનમા રહી તે સિધ્ધ થાય-ન થાય તેની ફિકર છોડી આનંદમા રહેવૂ
    આનંદ આપણી પ્રકૃતિ છે…

  3. dHRUTI MODI said,

    January 30, 2011 @ 3:16 PM

    આપણે પણ રજકણની જેમ પરમાત્માને પામવા બહાર ફાંફા મારીઍ છીઍ. પણ જયારે આપણામાં રહેલ આત્માને જોઈઍ છીઍ ત્યારે પળમાં સાચા પરમાત્મા સાથેની પોતાની ઍકાત્માની લાગણી જન્મે છે.

  4. Pushpakant Talati said,

    January 31, 2011 @ 6:02 AM

    ” જે ક્ષણે તે પોતાની અંદર નજર કરશે – તેને પોતાની અને સૂર્યની એકાત્મતા લાધશે.”

    વાહ – ખરેખર બહુજ સુંદર અભિવ્યક્તિ. અભિનંદન.

  5. रजनी मांडलिया said,

    January 31, 2011 @ 11:20 PM

    આજ વાત માણસ ને લાગું પડે,
    વાહ વાહ વાહ
    ખુબ સુંદર સજાવટ્…

  6. વિવેક said,

    February 1, 2011 @ 12:34 AM

    માત્ર ત્રણ જ લીટીમાં તીર્થેશે આ કવિતાને જે રીતે સમજાવી છે એ વાંચ્યા પછી મને મારી સમજણ વિશે શરમ આવે છે… વાહ દોસ્ત!!!

  7. Lata Hirani said,

    February 7, 2011 @ 12:13 AM

    કવિતાની આ જ ખૂબી છે ને !! મન એવા વચન !! દરેકનો પોતાનો અર્થ..પોતાની અનુભૂતિ.. અને પોતાના માટે એ સાચી પણ ખરી.. આ કાવ્યનો આટલો સુઁદર અર્થ મારા મનમાઁ પણ કદી નહોતો..

  8. rajee said,

    November 5, 2011 @ 9:19 AM

    હરિન્દ્ર દવેસાહેબ ના શબ્દ અને લતાજી નો અવાજ..

    બીજુ શુ જોઇએ??

  9. ડોલી said,

    December 14, 2020 @ 10:34 PM

    થોડા સમય પહેલા સુગમના ગીતોને દિલથી ગાતી મારી બહેનપણી પાસેથી આ ગીત સાંભળ્યું! આંખોમાંથી આંસુ ખર્યાં કરે અને ગીત હવામાં રેલાયા કરે! શબ્દો, સ્વર, કંપોઝીશન બધું જ મળીને અદભૂત અનુભવ કરાવે! ગીતમાં વર્ણવેલી મુંઝવણ બહુ નજીકથી અનુભવી હોય છે સતત. એટલે આ ગીત બધાને સ્પર્શે!
    છેલ્લી પંક્તિમાં ઝાંખે શબ્દ સમજાતો નથી. પંક્તિનો અર્થ સમજાયો પણ ઝાંખે શબ્દ શોધ્યે મળતો નથી. ખ્યાલ હોય તો જણાવજો પ્લીઝ

  10. વિવેક said,

    December 15, 2020 @ 12:04 AM

    @ ડોલી:

    ઝાંખે એટલે જોવું..।

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment