ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
સુંદરમ્

અંગત અંગત : ૧૩ : વાચકોની કલમે – ૦૯

કોઈ એક કવિતા કે કાવ્યાંશના કારણે શું કોઈ માણસની આખી જિંદગી, જિંદગી તરફનો અભિગમ બદલાઈ શકે ખરો ? એક કવિની ભીતરની બારી શું ખુલીને આકાશ થઈ શકે ખરી? તો ચાલો, આજે જોઈએ મુકુલ ચોક્સીની કબૂલાત…

*

સૂર્યઘટિકાયંત્ર

પ્રણય એટલે પોતાના બધા નામો
એક્સાથે ઉતરડી નાખવા તે:
મને યાદ આવે છે મેડ્રિડ 1937
એંજલનો ચોકમાં સ્ત્રીઓ
પોતાના બાળકો સાથે સીવતી’તી ને ગાતી’તી
ત્યારે ઓચિંતી બૂમરાણ સંભળાઈ’તી ને સાયરનો ચીસી ઊઠી’તી
જ્યારે મકાનોને ધૂળ ચાટતા કરાયા’તા
ઈમારતોના ચહેરા ભાંગતા’તા
અને વિમાનોના યંત્રોનો સતત ઝંઝાવાત
બે વ્યક્તિઓએ પોતાના કપડા ફાડી નાખ્યા
અને સ્નેહ સંભોગ કર્યો
ઊગારી તેવા માટે શાશ્વતીના આપણા હિસ્સાને
સમયના અને સ્વર્ગના આપણા હિસ્સાને ઊગારી લેવા માટે,
આપણા મૂળિયા સુધી છેક ઊંડે જઈને આપણને તારવા માટે,
હજારો વર્ષ પહેલાં જીવનના લૂંટારાઓ આપણી પાસેથી જે
જીવનનો વારસો ચોરી ગયા હતા તે વારસાને બચાવી લેવા માટે
પેલા બન્નેએ પોતાના વસ્ત્રો ફાડી નાખ્યાં અને બાથ ભીડી દીધી
કારણ કે જ્યારે બે નગ્ન, નિઃસ્વાર્થ વ્યક્તિઓ ભેગી મળે છે
ત્યારે તેઓ સમયની આરપાર ઊડી જાય છે અને અભય બની રહે છે
કંઈ કરતાં કંઈ પણ તેમને સ્પર્શી શકતું નથી
ત્યાં કોઈ હું કે તું નથી, કે નથી આવતીકાલ
ગઈકાલ કે નથી નામો,
હું મારા ઉન્માદને, ઓરડીઓને, ગલીઓને અનુસરું છું
સમયની પરસાળોમાં હું ફંફોસતો ફંફોસતો ભમું છું
હું પગથિયા ચડું છું ને ઊતરું છું
હલનચલન વગર હું દીવાલો માટે આથડું છું
જ્યાંથી શરૂ કર્યું ત્યાં જ પાછો ફરું છું
હું તારો ચહેરો ઢૂંઢૂં છું
એક અનાદિ સૂર્ય તળેની મારી પોતાની
હયાતિની ગલીઓમાં હું પળું છું અને તું મારી પડખે
ચાલે છે એક વૃક્ષની જેમ
તું નદીની જેમ ચાલે છે,
મારા હાથમાં એક ખિસકોલીની જેમ તું સ્પંદે છે
તું ઊડે છે સેંકડો પંખીઓની જેમ, તારું હાસ્ય
મને પાણીના છંટકાવની જેમ ભીનાવે છે,
તારું માથું મારા હાથમાં એક નાનકડો તારલો છે
તું જ્યારે સંતરું ખાતાં ખાતાં હસે છે ત્યારે દુનિયા
ફરી હરિયાળી બની જાય છે.

– ઑક્તોવિયો પાઝ
(અનુ. જગદીશ જોષી)

એ જમાનો કોલેજકાળનો હતો, સ્વ. સુરેશ જોષીની અસરમાં પશ્ચિમના કવિઓના કાવ્યો વાંચવાનો હતો, નેરુદા, લોકૉ, યેસેનીન, હાલાન અને વાસ્કો પોપાના કાવ્યો મમળાવવાનો હતો. ત્યારે આ બધા કવિઓની ભાષાપ્રચૂરતા જોઈને દંગ રહી જવાતું. એ કાળ સંવેદનોનો, સંબંધોનો અને તીવ્ર લાગણીઓના ઊછાળનો કાળ હતો. પ્રણયની આવેશમય અનુભૂતિઓથી મન સતત તરંગિત રહેતું. ત્યારે સ્વ. જગદીશ જોષી  દ્વારા લેટિન અમેરિકન કવિ ઓક્તોવિયો પાઝની આ દીર્ઘ કવિતાનો તૃતીય એવો ગુજરાતી અનુવાદ વાંચવામાં આવ્યો. સંવેદનાઓની અતિશયોક્તિ શું હોઈ શકે તે આ કાવ્ય પરથી સમજાયું. એટલું જ નહીં, જીવનના અનુભવોને અતિક્રમી જઈને જીવન તથા ભાષાના બેવડા પટ ઉપર હિલોળા લેવાનો અવર્ણનીય અનુભવ આ કાવ્ય કરાવે છે. આ કવિતાએ કવિતા અંગેના મારા નાનકડા વિઝનને ખૂબ ખૂબ મોટું અને વિશાળ કરી નાંખ્યું. ઉપર પેશ છે એમાંની જ કેટલીક પંક્તિઓ…

-મુકુલ ચોક્સી

7 Comments »

 1. Girish Parikh said,

  December 17, 2010 @ 12:58 am

  ઑક્તોવિયો પાઝને નોબેલ પ્રાઈઝ મળેલું. પણ આપણા ઘર આંગણાના કવિઓ પણ કંઈ કમ નથી. એમાંના શ્રેષ્ઠ જીવંત કવિઓની રચનાઓના અંગ્રેજીમાં ઉત્કૃષ્ટ અનુવાદો કે રૂપાંતરો કરી પ્રગટ કરવામાં આવે, અને એ પ્રકાશનોનો વિશ્વભરમાં યોગ્ય પ્રસાર અને પ્રચાર થાય તો કોઈ ગુજરાતી સર્જકને નોબેલ પ્રાઈઝ મળી શકે. આ અંગે મેં લેખમાળા લખી છે જે http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરી છે.
  ઑક્તોવિયો પાઝનું આ કાવ્ય વાંચીને મને લાગે છે કે આપણા કેટલાક કવિઓ વધુ સારી રચનાઓ કરે છે. દાખલા તરીકે અશરફ ડબાવાલાનું Schizophrenia ગુજરાતી મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) જેનો આ લખનારે અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.
  –ગિરીશ પરીખ

 2. Pinki said,

  December 17, 2010 @ 1:12 am

  પ્રણય એટલે પોતાના બધા નામો
  એક્સાથે ઉતરડી નાખવા તે:…

  પ્રણયની સરળ વ્યાખ્યા !

 3. kanchan said,

  December 17, 2010 @ 2:26 am

  ખુબ સરસ ચે

 4. સુનીલ શાહ said,

  December 17, 2010 @ 6:35 am

  ખૂબ સુંદર..

 5. pragnaju said,

  December 17, 2010 @ 10:08 am

  વેદનાને વાચા આપવા માટેનું આ કાવ્ય પ્રેમના ઉડાન
  પછી જ્યારે વાસ્તવિકતાની ધરતી પર …

  તું ઊડે છે સેંકડો પંખીઓની જેમ, તારું હાસ્ય
  મને પાણીના છંટકાવની જેમ ભીનાવે છે,
  તારું માથું મારા હાથમાં એક નાનકડો તારલો છે
  તું જ્યારે સંતરું ખાતાં ખાતાં હસે છે ત્યારે દુનિયા
  ફરી હરિયાળી બની જાય છે.
  એક ઠંડા સૂસવાટા બધા નામો એક્સાથે ઉતરડી નાખે…
  ખૂબ સુંદર કાવ્યનું ડો.મુકુલે રસદર્શન ન કરાવ્યું હોત તો ઘણુ ન સમજાત

 6. dHRUTI MODI said,

  December 17, 2010 @ 3:32 pm

  પ્રેમની ગહન છતાં નિખાલસ વાતની અદભુત કવિતા.

 7. milind gadhavi said,

  December 18, 2010 @ 9:12 am

  સુંદર પંક્તિઓ..
  જોકે હું આને સંવેદનાઓની અતિશયોક્તિ એટલે કે sensational exaggeration કહેવાને બદલે sensational extremity કહીશ..
  મુકુલભાઇ પ્રિય કવિઓમાંના એક.. એટલે એમની બારીમાં ડોકિયું કરવા મળ્યું તે મઝાની વાત…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment