સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.
વિવેક મનહર ટેલર

અંગત અંગત : ૦૩ : …..એક-મેકના મન સુધી…..

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા

ભાવકોની ક્ષમા માંગતા આ રચના મૂકું છું-અતિ જાણીતી રચના છે,પરંતુ મારે માટે ‘ટર્નિંગ પોઈન્ટ’ સમાન રચના આ જ છે. કાવ્યપ્રકાર માટે પ્રથમ આકર્ષણ થયું હતું. ચોથા ધોરણમાં-૧૦ વર્ષની ઉંમરે, ૧૯૮૦માં – કલાપીની ‘રે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો….’ -રચનાએ મને હલાવી દીધો હતો.  ‘ રે રે શ્રદ્ધા ગત થઇ પછી કોઈ કાળે ન આવે, લાગ્યા ઘા ને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે…’ – આ પંક્તિઓની સચોટતા આજેપણ ઉરને હચમચાવી મૂકે છે.

આશરે ૧૫ વર્ષની ઉંમરે મિત્રોની મહેફિલમાં ગનીચાચાની આ રચના પહેલીવાર સાંભળી. ધગધગતી છૂરી માખણમાં જેમ ઉતરે તેમ આ રચના કાળજામાં ઉતરી ગઈ. અનેકવાર આ ગઝલ વાંચી. પહેલાં સ્થૂળ અર્થમાં જ સમજ પડી. ધવલે તેનો સૂક્ષ્મ અર્થ સમજાવેલો- ‘ નિજ શત્રુઓ…’ એટલે બાહ્ય નહિ, પરંતુ આંતરિક રિપુઓ ! એ કાળ જુવાળોનો કાળ હતો, ઝંઝાવાતોનો કાળ હતો. તે સમયે આ ગઝલે એક મિત્રની જેમ, એક સખાની જેમ, એક સુહૃદની જેમ બરડો પંપાળ્યો હતો.

આજે પણ જયારે આ ગઝલ સામે આવે છે ત્યારે નખશિખ ભીના થઈ જવાય છે- એ ભીનાશ એ આંસુઓની છે કે જે વહી ન શક્યાં. પ્રત્યેક શેર ઉપર હું પાનાંનાં પાનાંઓ ભરી શકું એમ છું, પરંતુ તેની જરૂર નથી. આ ગઝલે મને અંતર્મુખતા આપી હતી, પ્રેમની ચરિતાર્થતા એટલે શું તે સમજાવ્યું હતું, એક નવી જ દૃષ્ટિ ખોલી આપી હતી. ત્યારબાદ ઘણી લાંબી મજલ કપાઈ ગઈ….સમયનું ચક્ર ફરતું ગયું…..ચંદ ક્ષુલ્લક ભૌતિક સફળતાઓએ પોતાની ક્ષણભંગુરતા અને નિરર્થકતાની પ્રતીતિ કરાવી. સાચી સફળતા એક-મેકના મન સુધી પહોચવામાં જ છે તે મોડું મોડું સમજાયું. અને કવિએ મત્લામાં જે ક્ષણના આવવાની દ્રઢ શ્રદ્ધા પ્રકટ કરી છે, તે ક્ષણના ઇન્તઝારમાં આજેપણ સદીઓ સમી ભાસતી ક્ષણો કપાતી નથી. કોઈના શ્વાસ બંધ તો થયા, પવન અગન સુધી ન ગયો; પરંતુ હૃદયની આગ બુઝાઈ નહિ. બસ, હવે એક-મેકના મન સુધી પહોંચવાની યાત્રા સફળ થાય તો ધન્ય થઈ જવાય….અદભુત આદર્શો વ્યાખ્યાયિત કરતી આ ગઝલ આજે પણ મારા માટે ચિરયૌવના છે…..

16 Comments »

 1. Chirag Bhimani said,

  December 7, 2010 @ 3:20 am

  અદભુત….

 2. jigar joshi 'prem' said,

  December 7, 2010 @ 4:00 am

  કામિલ બહુ જ અઘરો છંદ છે. અને એમાં આટલી સરળ બાની ! ગનીચાચાને સો સો સલામ…

 3. PUSHPAKANT Talati said,

  December 7, 2010 @ 5:00 am

  ખુબજ સરસ રચના . – વાહ ! ભાઈ !! વાહ !!! –
  ગની ચાચા – એટલે – ગની ચાચા .
  આ ઘણુ બધું કહી જતી રચના હું સુપેરે સમજી શક્યો છું પણ સમજાવવું ઘણું જ કઠીન પ્રતિત થાય છે. નિચેની પંક્તિઓ મને વિશેષ પસન્દ પડી છે ;-
  (૧) ….. .હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
  (૨) ….. .અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
  (૩) ….. .ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
  (૪) …. .તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી ! તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
  – અને –
  (૫) …. .કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

 4. Rajul Shah said,

  December 7, 2010 @ 5:18 am

  કેટલીક રચનાઓ ચિર સ્મરણીય હોય છે .એમાની એક તે આ ગનીભાઇની એક મેકના મન સુધી લઈ જનારી રચના.
  ખુબ ગમે છે મને પણ આ.

 5. વિવેક said,

  December 7, 2010 @ 6:57 am

  આ ગઝલથી પરિચિત ન હોય એવો કોઈ ગુજરાતી રસ્તે મળે તો એના ગુજરાતી હોવા અંગે જરૂર શંકા કરવી. તીર્થેશની કેફિયત અને આ ગઝલના કારણે જીવનના અમૂલ્ય મૂલ્યો શીખી શકાયા હોવાની એની કબૂલાત સ્પર્શી ગઈ…

 6. pragnaju said,

  December 7, 2010 @ 8:00 am

  ખૂબ જ મઝાની પ્રેરણાદાયક ગઝલ
  ગનીચાચાની દુકાને,કોઈક વાર ટેભા મારતા, જે સહજતાથી તેમને મોઢે તેમની રચના સાંભળતા ત્યારે આનંદ થતો.તેમની રચનાઓ જીવનના મૂલ્યો અંગે સહજતાથી માર્ગદર્શન આપતી
  આ ગઝલના શેરો તો અવારનવાર વાતચિતમા સંભળાવતા.આપણે શેર સંભળાવીએ ત્યારે શેરનો આખરી હિસ્સો સાંભળનાર જ પૂરો કરે! અને છતા કોઈ કંટાળતું નહીં.
  ત્યારે ગાંધીજી-વિનોબાના પ્રભાવમા જ વિચારતા.
  ‘તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
  તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.’
  આ પંક્તીઓ બોલતા આંખ મા આંસુ આવી જાય. ગાંધીજી એ ભારત દેશ ની એક ગરીબ નારી ને ફક્ત એકજ વસ્ત્ર (કે જે તેના લગ્ન ની ચૂંદડી પણ તે અને કફન પણ તે ) મા જોયા તે નારી પાંસે બદલાવવા માટે બીજુ વસ્ત્ર ન હતુ. ત્યારે ગાંધીજી ઍ ફક્ત એક વસ્ત્ર જ જીવન પર્યન્ત અન્ત સુધી ધારણ કરવા ની પ્રતિજ્ઞા કરી. તે યાદ આવે.જાણે સર્વોદયની પાયાની વાત…

 7. ધવલ said,

  December 7, 2010 @ 9:04 am

  આમીન !

 8. sudhir patel said,

  December 7, 2010 @ 12:17 pm

  ગુજરાતી ભાષાની અમર ગઝલ અને એ આપના ભાવક હૃદયને કઈ રીતે સ્પર્શી એ વાત પણ ગમી.
  સાથે કવિ કલાપીની અમર પંક્તિઓ યાદ કરવા અને કરાવવા બદલ આભાર!
  સુધીર પટેલ.

 9. Bharat Trivedi said,

  December 7, 2010 @ 1:39 pm

  આજે તો ગઝલના નામે ઘણું બધું લખાય છે, છપાય છે, ને ગવાય પણ છે પરંતુ ગઝલ કોને કહેવાય એમ કોઈ મને પૂછે તો જરાયે વિલંબ વિના તેને આ ગઝલ બતાવું. ગઝલ માટેની મારી વિભાવના જે ગઈકાલે હતી તે જ આજે છે અને કદાચ તે જ આવતી કાલે પણ રહેશે. સૈફ સાહેબ અને ‘મરીઝ’ની ગઝલોમાં જીવનની વાસ્તવિકતા કે સચ્ચાઈ જે ઊંડાણપૂર્વક અને જે કૌશલ્યપૂર્વક નિરૂપાઈ છે તેનો જોટો મળવો મૂશ્કેલ છે. તીર્થેશભાઈ, તમારી પસંદગી પણ કાબિલેદાદ છે.

 10. dHRUTI MODI said,

  December 7, 2010 @ 8:26 pm

  ગાવાનું મન થઈ જાય તેવી પ્રખ્યાત ગઝલ મૂકીને સારું જ કર્યુ.

 11. Taha Mansuri said,

  December 7, 2010 @ 11:42 pm

  જે આ ગઝલથી પરિચિત ના હોય એ ગમે તે હોઈ શકે પણ ગુજરાતી ના હોઈ શકે.

 12. Gunvant Thakkar said,

  December 8, 2010 @ 12:13 am

  ગનીચાચાના મધુર સ્વરમા આ રચના સાંભળવાનો લ્હાવો અનેક વાર મળ્યો છે એ ધન્ય પળૉ યાદ આવે છે

 13. ડૉ.મહેશ રાવલ said,

  December 8, 2010 @ 1:02 am

  ગઝલના મૂળ સ્વરૂપને જાણવા,પામવાની ઉત્સુક્તા આ અને આવી પરંપરાની ગઝલોમાં ઊંડા ઉતર્યા પછી સંતોષાતી અનુભવી શકાય એવી લેન્ડ્માર્ક ગઝલો આપી છે અનેક ગઝલકારોએ.
  અને એક ગુજરાતી હોવું એજ ગૌરવની વાત છે ત્યારે ગુજરાતી ગઝલોનો આવો જાજરમાન વારસો આપણને મળ્યો છે એય સોનામાં સુગંધની જેમ ગણી શકાય.
  ગનીચાચાની ગઝલો એમાં નોંધપાત્ર રહી છે.
  સો સો સલામ….
  જય હો..

 14. ઊર્મિ said,

  December 8, 2010 @ 8:48 am

  આ ગઝલ વિશે તો નિઃશંક જેટલું બોલાય ને લખાય એટલું ઓછું જ છે… ખાસ તો તીર્થેશની અંગત અંગત વાત દિલને સ્પર્શી ગઈ…

 15. BABU said,

  December 10, 2010 @ 8:35 pm

  ગઈ કાલે જ રફીના સ્વરમા આ ગઝલ ટહુકા પર સાંભળી. અને આજે ફરી આખની સામે…
  કેટલી સુંદર, સુઘડ, સચોટ અને હૃદયસ્પર્શી અલૌકિક ગઝલ. ગનીચાચાને કોટિ કોટિ સલામ.

 16. manilalmaroo said,

  April 21, 2012 @ 12:01 pm

  no words for this gazhal, supreb, salam to ganisaheb.. manilal.m.maroo. marooastro@gmail.com.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment