એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો -
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં…
માધવ રામાનુજ

રૂપજીવિનીની ગઝલ – જવાહર બક્ષી

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.

ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે

કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે

આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.

જવાહર બક્ષી

સ્ત્રી પુરુષ વચ્ચેના પ્રેમ, આકર્ષણ અને આવેગોની ઘણી રચનાઓ વિશ્વભરના સાહિત્યમાં લખાઇ છે, અને લખાતી રહેશે. પણ માનવ જીવનના આ મૂળભૂત આવેગનું જે કદરૂપું રૂપ દરેક સમાજમાં ઉપસ્યા વગર નથી રહ્યું, તેવી રૂપજીવિનીની સંસ્થા બહુ ઓછી આલેખિત થઇ છે.

લાલ બત્તી હોય પણ દિલમાં તો અંધારું હોય; કોઇ પ્રિય પાત્રની પ્રતીક્ષા નહીં પણ ઉદાસીના પ્રતિક જેવા ભૂખરા વાદળોને કોઇ ભાવ વિહોણી આંખે જોયા કરવાનું હોય ;  કોઇ શીતળ જળમાં  તણાતા હોય તેવો પ્રેમનો અનુભવ નહીં પણ જડ સંગેમરમરની લહેરમાં તણાવાનો અનુભવ; અગરબત્તીની સુગંધ નહીં પણ તેના અજવાળા જેવી  ઉર્મિ …..

આધિભૌતિક બાબતના ઉદ્ ગાતા એવા જવાહર જ્યારે આ વાત લઇને આવે છે ત્યારે તે અભાગિણી નારીનું આક્રંદ,  વ્યથા અને ખાલીપો આપણને પણ ઉદાસ અને આક્રોશિત કરી દે છે.

2 Comments »

  1. પંચમ શુક્લ said,

    November 23, 2006 @ 12:58 pm

    ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
    ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે

    ખુબ સંગીન શેર

    ઍક સમર્થ કવિ જ પરોક્ષ પ્રતીકો દ્વારા આવી સંવેદનશીલ બાબતને મુખર બન્યા વગર રજૂ કરી શકે.

  2. ધવલ said,

    November 24, 2006 @ 12:14 am

    થોડા જ દિવસ પર વિવેકે આ જ વિષય પર ગઝલ એના બ્લોગ પર રજૂ કરેલી એ પણ આ સાથે જુઓ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment