એ તાંતણાના સહારે તરી ગયા સાગર –
રહી ગયો જે ઉભય વચ્ચે બરકરાર જરા.
વિવેક મનહર ટેલર

ઝરૂખો – સૈફ પાલનપુરી

શાંત ઝરૂખે વાટ નિરખતી
રૂપની રાણી જોઇ હતી
મેં એક શહજાદી જોઇ હતી……

એના હાથની મહેંદી હસતી’તી,
એની આંખનું કાજળ હસતું’તુ,
એક નાનું સરખું ઉપવન જાણે
મોસમ જોઇ મલકતું’તુ.
એના સ્મિતમાં સો સો ગીત હતાં,
એની ચુપકીદી સંગીત હતી,
એને પડછાયાની હતી લગન,
એને પગરવ સાથે પ્રીત હતી.
એણે આંખના આસોપાલવથી,
એક સ્વપ્નમહલ શણગાર્યો’તો,
જરા નજરને નીચી રાખીને,
એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજાં જેમ ઉછળતી’તી,
ને પવનની જેમ લહરાતી’તી,
કોઇ હસીન સામે આવે તો ,
બહુ પ્યારભર્યું શરમાતી’તી.
તેને યૌવનની આશિષ હતી,
એને સર્વ કળાઓ સિધ્ધ હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા,
ખુદ કુદરત પણ આતુર હતી……

વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરૂખો જોયો છે.
ત્યાં ગીત નથી, સંગીત નથી;
ત્યાં પગરવ સાથે પ્રીત નથી.
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી,
ને ઊર્મિઓના ખેલ નથી.
બહુ સૂનું સૂનું લાગે છે,
બહુ વસમું વસમું લાગે છે.
એ ન્હોતી મારી પ્રેમિકા,
કે ન્હોતી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરૂખે
વાટ નીરખતી જોઇ હતી.
કોણ હતી એ નામ હતું શું ?
એ પણ હું ક્યાં જાણું છું ?
એમ છતાંયે દિલને આજે
વસમું વસમું લાગે છે,
બહુ સૂનું સૂનું લાગે છે…….

– સૈફ પાલનપુરી

કયા ગુજરાતી કલા અને સાહિત્યના પ્રેમીએ ‘સૈફ’ પાલનપુરી ની આ નઝમને શ્રી મનહર ઉધાસના સૂરીલા કંઠે નહીં સાંભળી હોય?

ઘણીવાર આ નઝમ સાંભળીને મને થતું કે આટલા મોટા ગજાના શાયરે, જે વ્યક્તિને પોતે જાણતા પણ નથી, તેને માટે, કેમ આટલું દર્દ ભર્યું ગીત લખ્યું છે? એ સૌ યુવાનોને યુવાવસ્થામાં થતા, એકપક્ષી પ્રેમની અભિવ્યક્તિ માત્ર જ છે, કે તેથી વધારે કાંઇક છે? આ કોઇક ઉપમા તો નથી? ઘણા વિચાર પછી મને આ નઝમનું નીચે મુજબ અર્થઘટન જણાયું છે, જે સાહિત્યપ્રેમીઓની વિચારણા માટે રજુ કરું છું:-

અહીં ઝરુખો એ જિંદગીનું પ્રતિક હોઇ શકે. પહેલો ભાગ જીવનની શરુઆતના ભાગ- બાળપણને વર્ણવે છે. બાળપણની નિર્દોષ સુંદરતાને શાયરે એક નવયૌવના સાથે સરખાવી નથી લાગતી? અને બીજા ભાગમાં જીવનના અંત ભાગનું – વાર્ધક્યના ખાલીપાનું – મ્રુત્યુ સાવ નજીક આવી ગયું હોય તે ઘડીનું – કરુણ વર્ણન નથી લાગતું ?

આ ખાલીપો આપણને પણ સૂના સૂના નથી કરી નાંખતો ?

7 Comments »

 1. સિદ્ધાર્થ said,

  November 22, 2006 @ 4:34 pm

  આ નઝમ એટલી સુંદર અને ભાવુક છે કે પહેલી વાર સાંભળી ત્યારે તરત જ બીજી ચાર પાંચ વાર સાંભળી હતી. દરેક જણ પોતાને ગમે એવુ અર્થઘટન કરી શકે છે પરંતુ હજી આજે પણ સાંભળતા ભાવુક થઈ જવાય છે.

  સિદ્ધાર્થ

 2. Prerak V. Shah said,

  February 12, 2007 @ 5:55 pm

  મારી મનપસંદ નઝમઓમાંની આ એક છે. કોઇ પણ સમયે કોઇ પણ જગ્યાએ કોઇ પણ સ્થિતીમાં સાંભળવી મને ગમે છે.

 3. Piyush Patel said,

  April 1, 2009 @ 4:06 am

  The Best One

 4. Piyush Patel said,

  April 1, 2009 @ 4:15 am

  I like all the “Gazals”. He is a MASTER of this Department

 5. Rajesh said,

  February 3, 2010 @ 1:45 pm

  ખબર નહી કેટ્લી વાર આ નઝ્મ સાંભળી હશે, છતાં પણ મન નથી ભરાતુ, દરેક વખતે એટલી જ તાજગીનો અનુભવ થાય છે.

 6. shashikant vanikar said,

  February 5, 2010 @ 2:16 am

  એણે આંખના આસોપાલવથી,
  એક સ્વપ્નમહલ શણગાર્યો’તો,
  જરા નજરને નીચી રાખીને,
  એણે સમયને રોકી રાખ્યો’તો.

  વાહ !!! ખુબ સરસ્
  મારી પન આ મનપસંદ નઝમ છે. વારરવાર સાભળવી ગમે છે, છતાં પણ મન નથી ભરાતુ, લાગે એ સાભલતા જ રહિએ. એ જ આનન્દ, એ જ મઝા………એક કિમતિ મોતિ…

 7. Ketan Vadher said,

  May 22, 2012 @ 10:50 am

  આ નઝમ અદભુત ચ્હે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment