તમારી યાદની કેવી અસર છે જોઈ લો જાતે,
ધ્રુજી ઊઠશે અમારી પીઠના સળ ગમે ત્યારે.
મકરંદ મુસળે

અથશ્રી હોવું – નયન દેસાઈ

અથશ્રી હોવું, બે હાથો જોડીને રોવું…

અભરે આંસુ, સભરે પીડા
તરફડવું ચિરકાળ, જીવજી
તન તડકો છે… મન પર્વત છે ને
શ્વાસો ખડકાળ, જીવજી
અથશ્રી હોવું : પડછાયાને પાણી ટોવું
બે હાથો જોડીને રોવું

ફૂલની પાંદડીઓમાં પેઠા ભમરા કૈં
ભમરાળ, જીવજી
ડંખ મ્હેંક ભરીને વાગ્યા
કંટક થૈ ગૈ ડાળ, જીવજી
અથશ્રી હોવું : દર્પણ થઈ ઝાકળને જોવું
બે હાથો જોડીને રોવું

સખ્ખળ ડખ્ખળ સંબંધોનાં
અણિયાળાં કૈં આળ, જીવજી
આ સૂરજને પાદર કાઢો
ઊગે છે બરફાળ, જીવજી
અથશ્રી હોવું : વહેતા જળને જળથી ધોવું
બે હાથો જોડીને રોવું

નયન દેસાઈ

4 Comments »

 1. vihang vyas said,

  October 31, 2006 @ 6:38 am

  પ્રિય,વિવેકભાઈ
  ગઝલ જેટલી જ દાદ પામે તેવુ આ ગીત છે. નયન દેસાઈની કવિતા પીડાની ખરલમાં ઘુંટાઈને આવતા હોય તેવી પ્રતિતિ થાય છે.
  “આપણે પહોંચ્યાનાં વાવડ હોય છે,
  આપણે ક્યારેય પણ નીકળ્યાં નથી.”
  એવુ કહેનારા આ માણસે પોતાની જાત અર્પણ કરી છે ગઝલને.
  આભાર…….
  વિહંગ વ્યાસ.

 2. ઊર્મિસાગર said,

  October 31, 2006 @ 2:47 pm

  વિવેકભાઇ, આ ગીતનો આસ્વાદ કરાવશો?

 3. વિવેક said,

  November 9, 2006 @ 4:58 am

  કવિ નયન દેસાઈ જીવનની ભાતીગળ વાતોને કળાત્મક રીતે લાક્ષણિક શબ્દોમાં ઢાળીને કહેવાની હથોટી ધરાવે છે. આ પહેલી નજરે અસ્પષ્ટ ભાસતા ગીતમાં આપણા ‘હોવાપણા’ની વાત નયનભાઈ અભૂતપૂર્વ સહજતાથી લઈને આવ્યા છે. આપણું હોવું શું છે એ પ્રશ્નનો ઉત્તર તો એ ધ્રુવપંક્તિમાં જ આપી દે છે… બે હાથ જોડીને રોવું, એ જ છે આપણું હોવું…

  માંહ્યમાં કંઈ ન હોય તો આંસુ અને માંહ્ય માલામાલ હોય તો પીડા, આજ છે આપણી દ્વિધા. અભરે કે સભરે, માણસો સદાકાળ તરફડતા જ રહેશે કારણકે તન-મન-શ્વાસ અને એ રીતે આ જીવનનો રસ્તો કંઈ આસાન નથી… એ તો તાપ સમો આકરો કે પર્વત સમો દોહ્યલો અને બાકી હોય ત્યાં દુર્ગમરીતે ખડકાળ છે. પડછાયાની પાછળ દોડવાથી નથી કશું હાંસિલ કે નથી કશું મળવાનું એને પાણી પાઈ પાઈને પોષવાથી…

  જીવનને ફૂલની પાંદડી સમું નાજુક અને સુંવાળું ગણીએ તો એનો રસ ચૂસવા માટે કૈંક ભમરા ટાંપીને જ બેઠા છે એ ભૂલાવું ન જોઈએ. ફૂલના નસીબમાં માત્ર સુવાસ જ ક્યાં છે, ડાળ પરના કાંટા પણ તો છે… ઝાકળ પોતે ક્ષણાર્ધ માટેની વાસ્તવિક્તા છે, જે પ્રભાતના પહેલા કિરણ સાથે જ વિલોપાઈ જશે… અને દર્પણ એટલે આભાસ… આપણું હોવાપણું એટલે ઝાકળ સમી ક્ષણભંગુરતાને દર્પણના આભાસથી જોવાની અર્થહીન ચેષ્ટા….

  આપણા સંબંધો પણ આપણા હોવાપણાની જેમ જ શિથિલ છે… એ ઢીલા પડી ગયા છે… પરસ્પર આળ ચઢાવવાની ઢીલાશથી વધુ ચુસ્તતા આપણે જવલ્લે જ કોઈ સંબંધોમાં અનુભવીએ છીએ કેમકે આપણા સંબંધોના સૂર્યમાં સ્નેહની ઉષ્મા નથી… એમાં છે ઔપચારિક્તાની બર્ફિલી ટાઢક. વહેતા પાણીને પાણીથી ધોવાથી શું વળે? આપણું હોવું પણ શું આવું જ અર્થહીન નથી?

  આશા છે, ઊર્મિ ! આ કાવ્યનો રસાસ્વાદ કરાવવાની આપની ઈચ્છાને હું મોડે-મોડે પણ યોગ્ય ન્યાય આપી શક્યો હોઈશ…

  -વિવેક

 4. ઊર્મિસાગર said,

  November 13, 2006 @ 12:13 pm

  સુંદર કાવ્યનો અદભૂત રસાસ્વાદ… ખૂબ ખૂબ આભાર વિવેકભાઇ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment