હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
હિતેન આનંદપરા

અમર આશા – મણિલાલ ન. દ્વિવેદી

કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે.

જુદાઈ જિંદગીભરની, કરી રો રો બધી કાઢી,
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે.

ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી,
હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે.

જખમ દુનિયાં જબાનોના, મુસીબત ખોફના ખંજર,
કતલમાંયે કદમબોસી, ઉપર કયામત ખુદાઈ છે.

શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ,
અગમ ગમની ખરાબીમાં, મજેદારી લૂંટાઈ છે.

ફના કરવું – ફના થાવું, ફનામાં શહ સમાઈ છે,
મરીને જીવવાનો મન્ત્ર, દિલબરની દુહાઈ છે.

ઝહરનું નામ લે શોધી, તુરત પી લે ખુશી થી તું,
સનમના હાથની છેલ્લી, હકીકતની રફાઈ છે.

સદા દિલના તડપવામાં, સનમની રાહ રોશન છે,
તડપ તે તૂટતાં અન્દર ખડી માશૂક સાંઈ છે.

ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું;
ગુલોના ખારથી બચતાં, બદનગુલને નવાઈ છે.

હજારો ઓલિયા મુરશિદ, ગયા માશૂકમાં ડૂલી,
ન ડૂલ્યા તે મૂવા એવી, કલામો સખ્ત ગાઈ છે.

-મણિલાલ દ્વિવેદી

મણિલાલ ન. દ્વિવેદી ‘અભેદમાર્ગપ્રવાસી’ તરીકે જાણીતા સાહિત્યકાર હતા. કવિતા ઉપરાંત નાટક, નિબંધ, સંશોધન, વિવેચન, સંપાદન અને અનુવાદ ઉપર પણ એમની હથોટી રહી. સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને અધ્યાપક. નર્મદના અનુગામી લેખકોમાંનો એક સશક્ત સ્તંભ એમને ગણી શકાય. ગુજરાતી ગઝલના ઉત્થાનમાં એમનું પ્રદાન નોંધપાત્ર છે. ‘અમર આશા’ એમના જીવનની સીમાચિહ્નરૂપ ગઝલ છે જે ગાંધીજીને પણ પ્રિય હતી. જન્મ અને મૃત્યુ નડિયાદમાં. (જન્મ : ૨૬-૦૯-૧૮૫૮, મૃત્યુ : ૦૧-૧૦-૧૮૯૮) કાવ્ય સંગ્રહ:”આત્મનિમજ્જન”

(વસ્લ= સમાગમ, મિલન; કદમબોસી= ચરણચંપી; અગમ= અગમ્ય, ભવિષ્ય; શહ્= સામર્થ્ય; રફાઈ=આત્મબલિદાન; મુરશિદ=ધર્મોપદેશક)

3 Comments »

 1. wafa said,

  October 29, 2006 @ 11:07 pm

  અમર આશા
  ખરેખરજો જુઓ તો રોજ બસ એકજ લડાઈછે.
  અમારી આબરૂ તારાજ હાથોથી લૂઁટાઈ છે.
  તમારો જામ ધીરજનો’વફા’ ઉઁડો હશે બેહદ
  અરે થાકી ગયો શોધી કયાઁ આશા છૂપાઈ છે.
  ‘વફા’29ઓક્ટો.2006

 2. અમર આશા છુપાઈ છે at FunNgyan.com said,

  October 27, 2008 @ 3:24 am

  […] (સંપુર્ણ રચના લયસ્તરો પર માણો) […]

 3. અમર આશા – મણિલાલ ન. દ્વિવેદી | ટહુકો.કોમ said,

  September 30, 2010 @ 6:57 pm

  […] આભાર – લયસ્તરો.કોમ […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment