ફૂલો તો શું છે, વધુ કામિયાબ કાંટા છે,
અમારી તો પળેપળનો હિસાબ કાંટા છે.
વિવેક ટેલર

ભૂલી ગયો દિશાઓ – સતીન દેસાઇ ‘પરવેઝ’

ઝરણાંની ઘેલછામાં ભૂલી ગયો દિશાઓ;
દરિયો કઇ દશામાં, ભૂલી ગયો દિશાઓ.

ભીતર લપાઇ શ્વાસો શતરંજ ખેલ ખેલે,
કઇ ચાલ ચાલવામાં, ભૂલી ગયો દિશાઓ.

ઓ જીવ, આખરે તો દેતી દગો સુગંધો,
કેવી અજબ હવામાં, ભૂલી ગયો દિશાઓ.

ટટ્ટાર ઊભવું’તું જનમોજનમની આણે,
તરણું જ તોડવામાં, ભૂલી ગયો દિશાઓ.

છાયાની બસ મમતમાં રઝળે છે રાતદિન એ,
કેવી એ સૂર્યતામાં, ભૂલી ગયો દિશાઓ.

હું વ્હાણમય હતો ને, જળમય હવે થયો છું,
જળનેજ તારવામાં, ભૂલી ગયો દિશાઓ.

દર્શન કે દ્વાર સાથે નાતો નથી રહ્યો કે,
એની જ તો કથામાં, ભૂલી ગયો દિશાઓ.

ગાથા ગવાય ક્યાં લગ ‘પરવેઝ’ બે ચરણની,
ઉંબરને ઠેકવામાં, ભૂલી ગયો દિશાઓ.

– સતીન દેસાઇ ‘પરવેઝ’

3 Comments »

  1. ઊર્મિસાગર said,

    October 19, 2006 @ 11:25 AM

    વાહ દાદા… આ ગઝલ વાંચીને હું પણ દિશાઓ ભૂલી ગઇ…

    ખૂબ જ સુંદર ગઝલ છે!

  2. ધવલ said,

    October 20, 2006 @ 10:36 AM

    ભીતર લપાઇ શ્વાસો શતરંજ ખેલ ખેલે,
    કઇ ચાલ ચાલવામાં, ભૂલી ગયો દિશાઓ.

    – સરસ !

  3. પંચમ શુક્લ said,

    October 20, 2006 @ 2:49 PM

    સતીન દેસાઈ દાહોદમાં રહે છે અન્દ વ્યવસાયે તબીબ છે. એ અમારા ફેમીલી ડોક્ટર પણ છે.
    સતીનકાકા ખૂબ સુંદર ગઝલો લખે છે (ગુજરાતી અને ઊર્દુ બન્નેમાં). નાનપણમાં મારા કાવ્યો સાંભળનાર એક સંનિષ્ઠ શ્રોતા તરીકે પણ હું એમનો ઋણી છું.
    વધારામાં, સતીન દેસાઈ એ રાજેન્દ્ર શુક્લ પાસે ગઝલની તાલીમ મેળવેલ છે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment