ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે
માત્ર દોરા જ હાથોમાં રહી જાય છે
રઈશ મનીઆર

એક ટેકરી – કરસનદાસ લુહાર

આખા ડિલે ઊઠી આવ્યા
જળના ઝળહળ સૉળ,
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ… !

સાવ અચાનક ચોમાસાએ
કર્યો કાનમાં સાદ…
અને પછી તો ઝરમર ઝરમર
કંકુનો વરસાદ !
દસે દિશાઓ કેસૂડાંની
થઈ ગઈ રાતીચોળ
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ… !

ભીનો મઘમઘ મૂંઝારો
ને પરપોટાતી ભીંત,
રૂંવેરૂંવે રણઝણ રણઝણ
મેઘધનુનાં ગીત
શ્વાસોચ્છ્વાસે છલ્લક
કુમકુમ કેસરિયાળી છૉળ,
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ… !

– કરસનદાસ લુહાર

એક ટેકરી પર પડતા પહેલા વરસાદનું કવિએ અદભૂત માદક વર્ણન કર્યું છે. વર્ણન એવુ સુંદર છે કે જાણે કવિ પહેલા પ્રેમનું વર્ણન કરતા હોય એવું લાગે છે … તમે જાતે જ ટેકરીની જગાએ ‘છોકરી’, નાહીની જગાએ ‘ચાહી’ અને જળ/ચોમાસાની જગાએ ‘પ્રેમ’ મૂકીને ગીત વાંચી જુઓ !

4 Comments »

 1. હરીશ દવે said,

  October 7, 2006 @ 2:42 am

  તમે સાચું કહો છો. ધવલ ભાઈ! મસ્ત કવિતા!

  હાથવગા શબ્દોનો ઉપયોગ કરીને કવિ કેવું સુંદર દ્રશ્ય ચિત્ર ખડું કરી શકે છે! આંખો મીંચો, શબ્દોને તમારી આસપાસ વીંટળાવા દો અને પછી જુઓ આ કવિતા તમને ભીંજવી દેશે! … હરીશ દવે અમદાવાદ

 2. Rajeshwari Shukla said,

  October 10, 2006 @ 6:50 am

  મને કવિતામાં બહુ સમજણ નથી પડતી પણ રાજેન્દ્રભાઈ અને પંચમની સાથે રહીને થોડું થોડું જે સમજું છું અને જીવવિજ્ઞા વિષયની શિક્ષિકા અને વિદ્યાર્થીની તરીકે આ કાવ્યમાં દેખીતા પક્રુતિના ભાવ સાથેસાથે…નાહી પહેલું માથાબોળ…નો અર્થ એક અલગ ભાવ પણ બતાવે છે..કિશોરાવસ્થા વટાવીને યૌવનમાં પ્રવેશતી,નાજુક કન્યાના ભાવ સાથે આ કાવ્ય વાંચીએ તો કાંઈ અલગ જ અર્થ પ્રગટ થાય છે….ખૂબ સુંદર ભાવ છે.

 3. Vihang Vyas said,

  October 12, 2006 @ 8:27 am

  અનાયાસ ને કલ્પનાતીત થયુ છે
  નરી આંખે સપનુ ઉપસ્થિત થયુ છે

  ઉલા – સાનિ મિસરાની વચ્ચેજ તારુ,
  પ્રવેશી જવુ અર્થ ગર્ભિત થયુ છે

  સ્મરણ કોઇનુ કેમ રાખીશુ ગોપિત?
  અહિ અશ્રુ પણ સર્વ વિદિત થયુ છે

  અનુમાન તુ સાવ ખોટા કરે છે,
  જગત સામટુ ક્યા પરિચિત થયુ છે

  ખરે ડાળ થી પાંદડુ પુર્વયોજિત
  હવાનુ હલેસુ તો નિમિત્ત થયુ છે

  ખરેખર તમારાજ હોવાનુ નાટક્
  તમારા થી થોડુ અભિનીત થયુ છે

  વિહંગ વ્યાસ્

 4. Vihang Vyas said,

  October 12, 2006 @ 8:48 am

  આપણી પાસે સ્વામાનજ આપણુ છે
  જો કે કહેવા માટે તો એ પણ ઘણુ છે
  મારે આંતરરાષ્ટ્રિય બનવુ નથી,
  મારી પાસે મારુ ગુજરાતીપણુ છે

  ડો. મુકુલ ચોકસી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment