જાણ છે - કોનાં સ્મરણરૂપે તું છે ?
આંસુ, વ્હાલા; આટલું બરછટ ન હો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

જીવન-ગીત – ગની દહીંવાળા

ગાવું જીવન-ગીત,મારે ગાવું જીવન-ગીત,
તુજ વિણ ગાઈ શકું શી રીત ?
મારે ગાવું જીવન-ગીત.

આવ મધુરા બોલ બનીને,
પંખીનો કલ્લોલ બનીને,
લય મેળવજે કોકિલ દ્વારા,
તાલ સ્વય છે ઝાંઝર તારાં;
લાવ અધર પર સ્મિત !
મારે ગાવું જીવન-ગીત,

હોય ન ગાણું સાજ વિનાનું,
દર્દ ન દીઠું દાઝ વિનાનું.
દુનિયા તુજને કહેશે દ્રોહી,
નહિ આવે તો ઓ નિર્મોહી !
લઈને તારી પ્રીત,
મારે ગાવું જીવન-ગીત,

યજ્ઞ મહીં હોમાઈ જવું છે,
કોઈ પ્રકારે ગાઈ જવું છે.
ક્રૂર ભલે નિશ્ચય દુનિયાનો,
લેશ ન રાખું ભય દુનિયા નો,
જે વીતે તે વીત !
મારે ગાવું જીવન-ગીત.

– ગની દહીંવાળા

સરળ વાણી,સુંદર અર્થ,સબળ કાવ્ય-બંધારણ એટલે ગનીચાચા. ‘યજ્ઞ મહીં હોમાઈ જવું છે’- આ ભાવના આખા ગીત ને એક અનેરી ઊંચાઈ અર્પે છે-હકારાત્મકતાની દ્યોતક આ ભાવના ગીતા-ધ્વનિની યાદ અપાવી જાય છે.

7 Comments »

 1. Pushpakant Talati said,

  June 28, 2010 @ 5:24 am

  ” ગાવું જીવન-ગીત,મારે ગાવું જીવન-ગીત, ”
  વાહ – કેટલી સુન્દર, સાત્વિક અને સાર્થક પન્ક્તિઓ છે ! !! !!!

  ગીત એવી રીતે રચાયુ છે અને શબ્દ ની અનાયાસ ગોઠવણી પણ એવી થઈ છે કે વાન્ચતાની સાથે જ ગાવાનો લય ડાય જાય છે

  કવિને ફક્ત એક ની ઉણપ વર્તાય છે અને તેને બોલાવતા કહે છે કે “તુ” આવ,

  વળી કવિની ખુમારી તો જુઓ –
  ” યજ્ઞ મહીં હોમાઈ જવું છે, કોઈ પ્રકારે ગાઈ જવું છે.
  ક્રૂર ભલે નિશ્ચય દુનિયાનો, લેશ ન રાખું ભય દુનિયા નો,
  જે વીતે તે વીત ! – મારે ગાવું જીવન-ગીત. ”

  કવિ ને તેની “ખુમારી” બદલ તથા ખરી “એક” ની “ખેવના” બદલ અભિનન્દન્
  આ કાવ્ય તેના બળવાન બન્ધારણ તેમજ લયબદ્ધતાને કારણે ખુબ જ સુન્દર તથા આહલાદક અને મન્ત્રમુગ્ધ કરનાર બન્યુ છે.

 2. Kirtikant Purohit said,

  June 28, 2010 @ 7:16 am

  હોય ન ગાણું સાજ વિનાનું,
  દર્દ ન દીઠું દાઝ વિનાનું.

  વાહ્. વાહ્. ગનીભૈને ગાતા સાઁભળવા એ પણ લ્હાવો હતો.

 3. pragnaju said,

  June 28, 2010 @ 7:17 am

  ગાવું જીવન-ગીત,મારે ગાવું જીવન-ગીત,
  તુજ વિણ ગાઈ શકું શી રીત ?
  મારે ગાવું જીવન-ગીત.
  સુંદર
  જીવનમાં કશુંક ઉદાત્ત નહીં કરી શકવાનો વસવસો કવિને સતત ખૂંચ્યા કરે છે.
  પોતાના અંતરની એ તીવ્ર વેદનાને એક રૃપક દ્વારા તેમણે અહીં વાચા આપી છે.
  કવિની જીવન પ્રત્યે જોવાની દૃષ્ટિ અને અભિવ્યક્તિ બંને કેટલા સુંદર છે !
  એટલા માટે આપણી પરંપરામાં કવિને ક્રાંતદૃષ્ટા મનીષિ કહેવામાં આવ્યો છે.
  સાથે સાથે એ શબ્દનો શિલ્પી તો છે જ. થોડા શબ્દોમાં એ ઘણું કહી નાખતો હોય છે.
  હોય ન ગાણું સાજ વિનાનું,
  દર્દ ન દીઠું દાઝ વિનાનું.
  દુનિયા તુજને કહેશે દ્રોહી,
  નહિ આવે તો ઓ નિર્મોહી !
  લઈને તારી પ્રીત,
  મારે ગાવું જીવન-ગીત,

  આપણા સહુના જીવનની વાત છે.
  જીવનમાં આપણે જે ગીત ગાવા માટે આવ્યા હોઈએ છીએ તે ગીત ગાવાનું તો હજુ બાકી જ રહી ગયું છે. જીવનને ઉન્નત બનાવનારાં સત્કાર્યો કરવાનાં બાકી જ રહી ગયાં છે!

  યજ્ઞ મહીં હોમાઈ જવું છે,
  કોઈ પ્રકારે ગાઈ જવું છે.
  ક્રૂર ભલે નિશ્ચય દુનિયાનો,
  લેશ ન રાખું ભય દુનિયા નો,
  જે વીતે તે વીત !
  મારે ગાવું જીવન-ગીત.

 4. ભાવના શુક્લ said,

  June 28, 2010 @ 8:30 am

  ક્રૂર ભલે નિશ્ચય દુનિયાનો,
  લેશ ન રાખું ભય દુનિયા નો,
  જે વીતે તે વીત !
  મારે ગાવું જીવન-ગીત.

  ————————-
  આ ઉદ્દાત ભાવના કઈ એકલા ઇશુ પ્રભુ મા નહોતી… નજર કરો તો ક્યાક ને ક્યાક દુનિયાનો ભય છોડી ને દોડતા રહેવાનુ, ગાતા રહેવાનનુ કહેનારા ને આચરનારા આમ મળી જ આવે છે.
  ઉત્તમ!

 5. ધવલ said,

  June 28, 2010 @ 4:41 pm

  સરસ રચના ! ગનીચાચાની જબાનની મીઠાશ અને લાગણીની કુમાશ એમની દરેક રચનામાં દેખાઈ આવે છે.

 6. Bharat Trivedi said,

  July 6, 2010 @ 11:30 am

  કવિને ગાવુ છે ગીત પણ તે જેવુ તેવુ નહી પણ ગાવુ છે- જીવન-ગીત પણ એકલા એકલા તો ક્યઁથી ગાઈ શકાય? કવિની આરાધના છે કોઈ દિવ્ય સાથીની.

  સુન્દરમનુ એક ગીત છેઃ

  તુ આવ અહો

  આનદમયિ ચૈતન્યમયિ સત્યમયિ મરમે….

  ગનીભાઈને ધર્મના વાડા રોકી શકતા નથી અટલે તો કહે છેઃ

  યજ્ઞ મહીં હોમાઈ જવું છે,
  કોઈ પ્રકારે ગાઈ જવું છે.
  ક્રૂર ભલે નિશ્ચય દુનિયાનો,
  લેશ ન રાખું ભય દુનિયા નો,
  જે વીતે તે વીત !
  મારે ગાવું જીવન-ગીત.

  -ભરત ત્રિવેદી

 7. Kalpana said,

  July 6, 2010 @ 5:48 pm

  “જે વીતે તે વીત”… આ ખુમારી દાખવીએ તો ઈશ્વર વિપત્તીને હળવી કરવા તત્પર રહે જ. અને કવિને તો કોઈ પ્રકારે ગાઈ જવુઁ છે.
  સુઁદર સઁદેશ. આખી કવિતા ગાઈ જવાનુ મન થાય એવી લયાત્મક છે.
  આભાર વિવેકભાઈ
  કલ્પના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment