'તું’પણાનાં ખેતરોમાં એ જ લહલહનાર છે,
જે સમયસર ‘હું’પણાની વાડ ઓળંગી ગયો.
વિવેક ટેલર

આંસુ – જયન્ત પાઠક

હશે આંસુ જેવી કઠણ -કુમળી કોઈ ચીજ કે !
ડુબાડે પોતાને શીતલ જલ ને ટાઢક કરે;
ડુબાડે પોતાને જળ ફફળતે, દાહક ઠરે;
પડે વર્ષા થૈને, પડત થઈને ઉગ્ર વીજ કે.

કશું રોવું ! ધોવું હૃદય ભીતરી સ્વચ્છ જલથી,
વહાવી દેવું સૌ મલિન નિજ મૂગા પ્રવાહમાં
તટોને તોડીને ઊછળવું થઈ વ્હેણ વસમાં;
લહેરો જેવી કે અલસ જળલીલા જ અમથી.

તમે આવો આંસુ ! નયન અધીરાં રાહ નીરખે
થવા ખારો ખારો અતલ ગહનાબ્ધિ, લહરમાં
રમે જેની નૌકા તનુ, પ્રબલ લોઢે વળી ડૂબે
જહાજો, મોતી ને માછલી ધસતાં કૈં ભીતરમાં.

અહો, આંસુ જેવી અજબ ચીજ લાવણ્યમય જે
ક્ષતોમાં પીડે ને બની સદય જિવાડીય શકે !

– જયન્ત પાઠક

ગઈકાલે જ આંસુ વિશે શ્રી ઉશનસે લખેલ એક સૉનેટ માણ્યું. આજે આંસુ વિશે જ એક બીજું સૉનેટ જયન્ત પાઠકની કલમે. એક જ પદાર્થને બે અલગ અલગ માણસો કેવી સંવેદનાથી આળખે છે એ સરખાવવા જેવું છે.

આંસુ એકી સાથે કઠણ અને કુમળું છે. એકી સાથે શીતળ અને દાહક છે. એ વર્ષા પણ છે અને વીજળી પણ છે. એ મૂંગા મોંએ ભીતરના મેલને ધોઈને હૃદયને સ્વચ્છ પણ કરે છે અને કાંઠા તોડીને ભીતરના ભલભલા જહાજ-મોતી ને માછલીઓને ડૂબાડી પણ દે છે. આંસુ પીડે પણ છે અને દયા દાખવી જીવાડી પણ શકે છે…

8 Comments »

  1. pragnaju said,

    June 26, 2010 @ 6:55 AM

    સ રસ સોનેટની આ પંક્તીઓ ખૂબ ગમી
    કશું રોવું ! ધોવું હૃદય ભીતરી સ્વચ્છ જલથી,
    વહાવી દેવું સૌ મલિન નિજ મૂગા પ્રવાહમાં
    તટોને તોડીને ઊછળવું થઈ વ્હેણ વસમાં;
    લહેરો જેવી કે અલસ જળલીલા જ અમથી.
    યાદ આવી
    મન શોકમાં વ્યગ્ર બની આંસું ખુબ પ્રસારે છે.
    સુર્ય ચંદ્ર સમા નયન આભલાને નીરખવા જાય છે જ્યા

  2. ધવલ said,

    June 26, 2010 @ 7:23 AM

    તમે આવો આંસુ ! નયન અધીરાં રાહ નીરખે
    થવા ખારો ખારો અતલ ગહનાબ્ધિ, લહરમાં
    રમે જેની નૌકા તનુ, પ્રબલ લોઢે વળી ડૂબે
    જહાજો, મોતી ને માછલી ધસતાં કૈં ભીતરમાં.

    – સબળ !

  3. Rekha Sindhal said,

    June 26, 2010 @ 8:50 AM

    આંસુ વિષે સ્વ. કવિ શ્રી રાજેન્દ્ર શાહે પણ સુંદર કાવ્ય રચ્યું છે.

    આંસુ આ નહિ, રે
    મારુ ગળતું ગુમાન:
    હે જી ઝરણું નાનું ને આડા પલળે પાખાણ…..

    બની શકે તો આખું મૂકવા વિનંતિ.

    આંસુ પરના કાવ્યોની સીરીઝ આવકાર્ય રહેશે.

    આભાર સહ !

  4. Kirtikant Purohit said,

    June 26, 2010 @ 10:38 AM

    સરસ સોનેટ રચના કસાયેલી કલમની.

  5. ડૉ.મહેશ રાવલ said,

    June 27, 2010 @ 12:50 AM

    વાહ…..
    સુંદર રચના – ગમી.
    એમાંય આ બહુજ ગમ્યું….
    વહાવી દેવું સૌ મલિન નિજ મૂંગા પ્રવાહમાં
    તટોને તોડીને ઊછળવું થઈ વ્હેણ વસમાં;

  6. dr.jagdip said,

    June 27, 2010 @ 1:37 PM

    આંસુની રમઝટમાં એક મારૂં
    આંસુ.

    વ્હાલપની
    વાડીએ
    જ્યારે
    લાગણીઓથી
    લચી પડેલી
    લતા ઉપર
    એક
    ઋણ
    સમું
    કોઇ ફુલ
    ખિલે
    તે
    આંસુ…………

    જીવનની
    સંધ્યા ટાણે
    કો’ પાપી
    પાક
    દિલેથી
    જ્યારે
    પસ્તાવાનું
    ફુલ
    ખરે
    તે
    આંસુ………..

    ડો.નણાવટી

  7. Sandhya Bhatt said,

    June 27, 2010 @ 10:43 PM

    ખૂબ સુંદર પસંદગી….આંસુ વિશે મારા બે જુદા જુદા શેર…
    એક નકશીકામ કરવું જોઈએ,
    આંસુમાં અક્ષરથી તરવું જોઈએ.
    આંસુ સાથે વહી શકે ને હર્ષથી ચમકી ઊઠે,
    નયનોના એ કાજળ વિશે તો આખરે શું કહી શકો?

  8. વિવેક said,

    March 8, 2011 @ 1:49 AM

    બે સગી બહેનોના દીકરાઓ કવિ બને અને એક જ વિષય ઉપર કવિતા કરે ત્યારે કેવો ચમત્કાર થાય એ જોવા જયન્ત પાઠકની આ કવિતા અને એમના મસિયાઈ ભાઈ શ્રી ઉશનસની કવિતા (https://layastaro.com/?p=4684) સાથે જોવી જોઈએ…

    આટલા સમય પછી આવી ટિપ્પણી અહીં કેમ કરી એ જાણવા આ પ્રતિભાવ ઉપર પણ નજર નાંખશો:

    આંસુ – ઉશનસ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment