હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું, હું તેથી અનંત છું.
-મરીઝ

ગઝલ – અલ્પેશ કળસરિયા

શું વ્હાલું, શું દવલું ? વ્હાલા !
સઘળું અહીં તો નવલું, વ્હાલા !

ભભૂત લગાવી બેઠાં સાધુ,
પ્હેર્યું અલખનું ઝભલું, વ્હાલા !

ઘાસ ક્ષણોનું ખાઈ રહ્યું છે,
રિક્ત સમયનું સસલું, વ્હાલા !

જાત-ઇયળને ચણી જવાનું,
એકલતાનું ચકલું, વ્હાલા !

ઘેંટા-બકરાં જેવા આપણ,
ડગલાં પાછળ ડગલું, વ્હાલા !

માનસપટની રેતમાં રખડે,
એક અટૂલું પગલું, વ્હાલા !

– અલ્પેશ કળસરિયા
૯૪૨૭૫૧૧૫૭૩

વાંચતા જ વહાલી લગે એવી મજાની ગઝલ… ખાલીપાનું સસલું ક્ષણોના ઘાસને ખાઈ રહ્યું હોવાનું કલ્પન સવિશેષ સ્પર્શી જાય એવું છે. આપણી ગાડરિયાપ્રવાહની માનસિક્તા પણ સુપેરે ઉપસી આવી છે… પણ આ બધા જ શેરોની ભીડમાંથી જે મારા માનસપટ પર કાયમ માટે અંકાઈ જવાનો છે એ શેર તો આખરી છે… રેતીમાં પડતાં પગલાં તો ભૂંસાઈ જવા જ સર્જાયા હોય છે પણ એકાદ સ્મરણ તો અમીટ છાપ મૂકી જ જતું હોય છે…

17 Comments »

  1. Rahul Shah ( Surat) said,

    May 27, 2010 @ 2:11 AM

    ઘાસ ક્ષણોનું ખાઈ રહ્યું છે,
    રિક્ત સમયનું સસલું, વ્હાલા !

    જાત-ઇયળને ચણી જવાનું,
    એકલતાનું ચકલું, વ્હાલા !

    આવી કવીતાઓ લખતાં રહો તેવી શુભેછાઓ.

  2. Mousami Makwana said,

    May 27, 2010 @ 3:26 AM

    ઘેંટા-બકરાં જેવા આપણ,
    ડગલાં પાછળ ડગલું, વ્હાલા !

    માનસપટની રેતમાં રખડે,
    એક અટૂલું પગલું, વ્હાલા !
    બહુ જ સાચી વાત છે…!!! ગાડરિયા પ્રવાહમા જીવતા આપણે…..!!! ને છતાય કોક અનોખી અનુભુતી આપણા માનસપટ પર અકબન્ધ રહેતી જ હોય છે….!!
    ખુબ જ સરસ રચના ….આમ જ લખતા રહો….ને વહેંચતા રહો……
    આભાર.

  3. સમીર said,

    May 27, 2010 @ 5:37 AM

    વાહ, પ્રતીકોનો ઉત્તમ ઉપયોગ ગઝલને અલગ ઊઁચાઈ બક્ષે છે.અલ્પેશભાઈને અભિનંદન! ‘કવિતા’ સામયિકમાં તેમની અને તેમના ભાઈ ૫રેશભાઈ કળસરિયાની ગઝલો એકસાથે માણેલી. કળસરિયા બંધુઓની કલમનો કમાલ ચાલતો રહે.

  4. pragnaju said,

    May 27, 2010 @ 6:17 AM

    માનસપટની રેતમાં રખડે,
    એક અટૂલું પગલું, વ્હાલા !
    બહુ જ સ રસ
    યાદ

    અંતથી માંડી છેક શરૂઆત સુધી
    જોઈ વળો તો વિજય
    સમગ્ર પથ પરના કોઈ ઊંચા સ્થાન પર
    બિરાજિત નથી
    પરંતુ
    પગલે પગલે કંડારાતી
    પુનિત યાત્રામાં જ નિહિત છે

  5. Pancham Shukla said,

    May 27, 2010 @ 7:02 AM

    વાંચતા જ વહાલી લાગે એવી ગઝલ. ખાસ તો કલ્પન અને શબ્દોની તાજગી.

  6. સુનીલ શાહ said,

    May 27, 2010 @ 7:04 AM

    તાજગીસભર ગઝલ..

  7. Pinki said,

    May 27, 2010 @ 7:38 AM

    વ્હાલી ગઝલ.

    કલ્પન, રદ્દીફ, કાફિયા
    વળી, લય ( તેમની ઘણી રચનાઓમાં ) ખાસ ધ્યાન ખેંચે છે.

  8. ડૉ.મહેશ રાવલ said,

    May 27, 2010 @ 1:39 PM

    સુંદર લયાન્વિત અને ભાવવાહી રચના બની છે.
    અભિનંદન.

  9. ધવલ said,

    May 27, 2010 @ 2:49 PM

    ઘાસ ક્ષણોનું ખાઈ રહ્યું છે,
    રિક્ત સમયનું સસલું, વ્હાલા !

    – સરસ !

  10. sudhir patel said,

    May 27, 2010 @ 8:55 PM

    સુંદર રદીફ સાથે નવીન કલ્પનોથી સજ્જ મસ્ત ગઝલ!
    સુધીર પટેલ.

  11. preeti said,

    May 28, 2010 @ 12:13 AM

    waah! Alpesh..mast rahana..
    sasala vali vat to te gajjabni kari !!

  12. રાજની ટાંક said,

    May 28, 2010 @ 10:46 AM

    ઘાસ ક્ષણોનું ખાઈ રહ્યું છે,
    રિક્ત સમયનું સસલું, વ્હાલા !

    ક્યાં બાત હૈ ? અલ્પેશભાઈ

  13. કિરણસિંહ ચૌહાણ said,

    May 28, 2010 @ 10:22 PM

    બહોત અચ્છે, બહોત અચ્છે અલ્પેશભાઇ ! ઘણા દિવસે એક નવા અંદાજની ગઝલ વાંચવા મળી. અલ્પેશભાઇ આવું અનોખું લખતા રહો. મજા પડે છે.

  14. વિહંગ વ્યાસ said,

    May 29, 2010 @ 5:26 AM

    સુંદર ગઝલ.

  15. hiral said,

    May 30, 2010 @ 12:39 PM

    very nice work keep it up

  16. alpesh said,

    May 30, 2010 @ 4:23 PM

    આ રચના મુકવા બદલ વિવેકભાઇનો આભાર! આપ સૌને મારી આ રચના ગમી તે બદલ પણ આભાર! આપ સૌ મારી રચનાઓ મારી વેબસાઈટ http://www.kavypushp.blogspot.com પર માણી શકો છો તેમ જ મને પ્રતિભાવો આપી શકો છો.

    મારો એક શેર:

    લખ એવુ જે વખાણવા શબ્દો મળે નહી,
    એવુ ન લખ જે ખપતુ રહે વાહવાહમા !!

    – અલ્પેશ કલસરિયા
    mo; 9427511573
    email id; alpesh9427511573@yahoo.co.in

  17. vipul dhandhukiya-palitana said,

    November 10, 2010 @ 2:22 AM

    સરસ, આમ જ લખતા રહો બન્ને ભાઈઓ
    good job

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment