મોત સામે આ તે કેવી જંગ છે ?
માણસોની જિંદગી ખર્ચાય છે.
મેગી આસનાની

ગઝલ – હર્ષદ ત્રિવેદી

યુગો પછીથી આપને મળવાનું મન થયું,
ચાલ્યા ગયેલા વ્હાણને વળવાનું મન થયું !

એવું તે ક્યાં હતું કે તમને ભૂલી ગયો ?
માણસની પૂરી જાતમાં ભળવાનું મન થયું !

પાણી હતાં તે મન થયું, બનીએ ચલો બરફ,
બરફાવતારમાં જ પીગળવાનું મન થયું !

વ્હેલી સવારે તો ભલેને રંગ પાથર્યા,
કિન્તુ ઢળી જો સાંજ તો ઢળવાનું મન થયું !

કુર્નિશ ન આવડી, અક્કડ ઊભા રહ્યા,
તમને જરાક જોઈને લળવાનું મન થયું !

હર્ષદ હજીયે રોજનો ઉકળાટ છે જ છે,
વરસાદમાં અમથાં જ નીકળવાનું મન થયું !

-હર્ષદ ત્રિવેદી

મનની વાત હોય એટલે અસ્થિરતાની વાત હોવાની. ‘મન થયું’ રદીફ વાપરી હોય એ ગઝલના દરેક શેરમાં મનની ચંચળતા અને વિચારોનું અસ્થિર વલણ નજરે ન ચડે તો કદાચ ગઝલ વિફળ નીવડે. પણ સદભાગ્યે અહીં કવિ મનને બખૂબી ઉપસાવી શક્યા છે. દરેકેદરેક શેર સમાનભાવે આસ્વાદ્ય થયો છે…

12 Comments »

  1. pragnaju said,

    April 30, 2010 @ 7:09 AM

    મઝાની ગઝલનો સરસ મત્લા
    યુગો પછીથી આપને મળવાનું મન થયું,
    ચાલ્યા ગયેલા વ્હાણને વળવાનું મન થયું !
    યાદ
    વાયુમાં વિશ્વાસનું કારણ હતું;
    વણ હલેસે વ્હાણ તો ચાલે જ છે.
    જાળને જળ એક સરખાં લાગતાં,
    માછલીને ઊડવાનું મન થયું.
    શ્વાસ રૂંધે છે કદી ખુશ્બુ છતાં,
    ફૂલ કોટે ખોસવાનું મન થયું.
    મન મુજબ જીવ્યા પછી એવું થયું,
    મન વગરના થઈ જવાનું મન થયું.

  2. Rajani Tank said,

    April 30, 2010 @ 7:45 AM

    સરસ ગઝલ….આપે કહ્યુ તે મુજબ દરેક શેરમાં મનની ચંચળતા અને વિચારોનું અસ્થિર વલણ નજરે ચડે છે.

  3. sapana said,

    April 30, 2010 @ 7:47 AM

    યુગો પછીથી આપને મળવાનું મન થયું,
    ચાલ્યા ગયેલા વ્હાણને વળવાનું મન થયું !

    સરસ ગઝલ છે..વિવેકભાઈ તમારી વાત સાચી..આ મન થવું એ ભાવના અસ્થિરતા બતાવે આમાં કવિએ જે મન થયું એ સરળ શ્બ્દોમા બતાવી દિધુ છે
    સપના

  4. 'marmi' said,

    April 30, 2010 @ 7:52 AM

    ગઝલવિશ્વમાં આપની આ ગઝલ વાંચી…. બરફાવતાર શબ્દ બ-ખૂબી નીપજાવ્યો….અભિનંદન

    મારું ગજું ક્યાં એટલું કે વશ કરી શકું ,
    આ મન હતું તે માળવે જાવાનું મન થયું.
    – મહેન્દ્રસિંહ એન. પઢિયાર ‘મરમી’

  5. Viay Shah said,

    April 30, 2010 @ 8:16 AM

    કુર્નિશ ન આવડી, અક્કડ ઊભા રહ્યા,
    તમને જરાક જોઈને લળવાનું મન થયું !

    યુગો પછીથી આપને મળવાનું મન થયું,
    ચાલ્યા ગયેલા વ્હાણને વળવાનું મન થયું !

    વાહ! દિવસ સુધરી ગયો
    સ્મૃતિ પટ મિત્રોથી ભરાઈ ગયો
    સલામ હર્ષદભાઈ અને વિવેકભાઈ

  6. jigar joshi prem said,

    April 30, 2010 @ 10:47 AM

    ઘણા સમય પછી હર્ષદભાઇની કલમ વાચી…..
    પહેલા જેટલો જ આનંદ થયો…

  7. ડૉ.મહેશ રાવલ said,

    April 30, 2010 @ 10:52 AM

    વાહ,
    હર્ષદભાઈ….
    પરંપરાનો રંગ અને મિજાજ સરસ રીતે વ્યક્ત થયો. સરળ શબ્દો અને સહજ કલ્પનોએ ગઝલને સુંદર ખળખળતા ઝરણા જેવી રવાની બક્ષી….
    ઘણું શીખવી ગઈ ગઝલ.

  8. sudhir patel said,

    April 30, 2010 @ 7:32 PM

    જાણીતા રદીફ સાથે નવીન ખ્યાલ રજૂ કરતી સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  9. urvashi parekh said,

    May 1, 2010 @ 2:24 AM

    યુગો પછી આપને મળવાનુ મન થયુ.
    મન ના ખુણા માં પહેલાનુ ઘણુ બધુ બહુ સચવાઈ ને પડ્યુ હોય છે.
    અને મળવાનુ મન થાય..
    સરસ..

  10. hemendra shah said,

    May 2, 2010 @ 2:59 AM

    સરસ ખુબ સરસ

  11. વિહંગ વ્યાસ said,

    May 3, 2010 @ 6:45 AM

    સુંદર ગઝલનો મત્લા વિશેષ ગમ્યો.

  12. Pinki said,

    May 4, 2010 @ 7:27 AM

    વાહ્.. સરસ ગઝલ !

    મન મુજબ જીવ્યા પછી એવું થયું,
    મન વગરના થઈ જવાનું મન થયું.
    – ગૌરાંગ ઠાકર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment