ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા
અજાણે આમ હાલતની, ઘણાએ લાજ રાખી છે.
કૈલાસ પંડિત

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે….

કવિતાનો વણલખ્યો નિયમ છે કે એમાં દર્દ વધુ અને ખુશી ઓછી જ હોય છે. મિત્રતાને લગતા શેર વાંચીએ ત્યારે પણ આમ જ થતું હોવાનું અનુભવાય છે. પણ કેટલાક એવા પણ કવિ છે જેમનો મૈત્રીમાં વિશ્વાસ કાયમ રહ્યો છે.

ગની દહીંવાલાના એવા જ એક સુંદર શેરથી શ્રીગણેશ કરીએ:

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ચિનુ મોદી ‘ઈર્શાદ’નો પણ મિત્રમાં વિશ્વાસ હજી અકબંધ છે:

દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી
સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

મરીઝ મિત્રતાના કાવ્યનિરૂપણના રૂઢિગત ભાવથી પ્રભાવિત છે:

રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
મેં મુસીબતમાં મદદ માંગી નહીં.

ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું,
તમારી સાથે હતી મારી દોસ્તી કે નહિ.

હમદર્દ બની જાય, જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’,
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.

કૈલાસ પંડિત પણ આ જ સૂરમાં સૂર પુરાવે છે:

ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા
અજાણે આમ હાલતની, ઘણાએ લાજ રાખી છે.

જ્યારે શોભિત દેસાઈ એના મિત્રને હજી પણ ‘મીસ’ કરે છે;

એક વખત મિત્ર બેસતો’તો અહીં,
ભાર વર્તાય એનો સ્કંધોને.

મનોજ ખંડેરિયા મિત્રતાના સ્વાંગ સચીને આવનારથી એટલા ત્રસ્ત છે કે પોતાની જાત સુધી પણ બેળેબેળે પહોંચી શકે છે:

બુકાની બાંધીને ફરનારાનું આ તો છે નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પહોંચી છે.

શૂન્ય પાલનપુરીનો મિજાજ એનો પોતીકો અવાજ લઈને આવે છે:

થઈ ગયાં સાચ ને જૂઠનાં પારખાં, મિત્ર પડખે નથી, શત્રુ સામે નથી;
ઓ મુસીબત અમારી સલામો તને, આજ તારા પ્રતાપે જ આરામ છે.

લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે ?

મિત્રો હતા એ શત્રુ થયાની વધાઈ છે,
ઓ મન ! ઉમંગે નાચ કે બેડી કપાઈ છે.

આદિલ મન્સૂરી પણ દુશ્મનો કરતાં દોસ્ત વધુ ખતરનાક હોવાનું મંતવ્ય ધરાવે છે:

પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્ર પણ હતા,
કોણે કર્યો પ્રહાર ? મને કંઈ ખબર નથી.

આભાર માનવો છે અગર દોસ્તો મળે,
મારા પતનમાં એમનો સહકાર પણ હતો.

અમૃત ‘ઘાયલ’ પણ એ જ રીતે મિત્રોથી ઘવાયા લાગે છે:

એટલી નૈતિક હિંમત ક્યાં કે શત્રુ બની બરબાદ કરે,
‘ઘાયલ’ મોટે ભાગે માનવ મિત્ર બનીને લૂંટે છે.

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
‘ઘાયલ’ નિભાવવી’તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.

ઓ દોસ્ત ! તારી આંખમાં આંખો મિલાવી મેં,
કોળી ઊઠી તમામ ખરેલી કળી-કળી.

બરકત વિરાણી ‘બેફામ’ મિત્રોને સારી-નરસી બે ય બાજુએ તોલે છે:

કશું ના દઈ શકે તો દોસ્ત, ખાલી હાથ ઊંચા કર,
મને જે જોઈએ છે તે મળી જાશે દુઆમાંથી.

તમે મારાં દુઃખોથી દોસ્ત, ના કાળા પડી જાઓ,
હું તમને શુદ્ધ સોનું સમજી અગ્નિમાં તપાવું છું.

મદદ કંઈયે મળી નહીં, પણ દિલાસો આ નથી ઓછો;
કે મારી જેમ મારા મિત્ર પણ લાચાર લાગે છે.

મુસીબતોમાં મગર કોઈપણ મળ્યો જ નહીં,
મને હતું કે બધા મિત્ર ઓળખાઈ જશે.

દુઃખમાં મજા છે પણ હું નહીં એકલો લૂંટું,
લઈ જાવ દોસ્ત, એમાં તમારો ય ભાગ છે.

મૈત્રીના વર્તુળોમાં જનારાની ખૈર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

સૈફ પાલનપુરી ગુજરાતી ભાષાનો સર્વકાલીન શ્રેષ્ઠ શેર લઈને આવે છે:

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછા પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા.

સામાન્યરીતે ઋજુદિલ ગણાતા અજાતશત્રુ હરીન્દ્ર દવે પણ ગઝલમાં દોસ્તો માટે વ્યથા અને નિરાશા વર્ણાવવાની રૂઢીથી અલગ ચીલો ચાતરી શક્યા નથી:

ઝાકળ સમું મિલન તો પલકમાં ઊડી ગયું,
મૈત્રીનું ભીનું ફૂલ સમય સૂકવી ગયો.

ચાલો, રૂદનની ઓર મઝા આવશે હવે,
મિત્રો વધી ગયા છે, દિલાસો નહીં મળે.

કાંકરીને તમે નાહક નહીં શોધો અય દોસ્ત,
જળનાં ટીપાંથી હું આખોય ખળભળી જઈશ.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

નયન દેસાઈ ઓ હો હો હો જેવા અભૂતપૂર્વ કાફિયામાં અસ્સલ સુરતી દેસાઈ મિજાજ દેખાડે છે:

દોસ્ત! અહીં તો એકલતાનું ઈંચ દોકડામાં છે માપ,
આટલું ઝાકળ, આટલાં ડૂસકાં રડો તો ઓ હો હો હો થાય.

રઈશ મનીઆર મિત્રોની દુનિયામાં વાસ્તવિક્તાની નજીક સરી આવે છે:

માફક તને ન આવે એ સમજી શકાય છે,
મારો સ્વભાવ અંતે છે મારો સ્વભાવ, દોસ્ત !

મૈત્રીને પાત્ર શખ્સ છે એ એકમાત્ર, પણ –
પ્રતિબિંબ સાથે હાથ મિલાવી નહીં શકું.

આપે છે દિલાસા અને રડવા નથી દેતા,
દુઃખ મારું મને મિત્રો જીરવવા નથી દેતા.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.

હેમેન શાહ જુલિયસની પીઠમાં બ્રુટસ જેવા જિગરજાન મિત્રએ ખોંસેલા ખંજરમાં મિત્રતાની વ્યાખ્યા શોધે છે:

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સીઝરની પીઠનું ખંજર તલાશ કર.

કિરણ ચૌહાણ સાવ સરળ ભાષામાં ખૂબ ઊંચી વાત કરે છે:

મૈત્રી પણ સ્તર ચકાસવા માટે
એક-બે અણબનાવ માંગે છે.

અને અંતે નયનભાઈ, રઈશ, મુકુલ ને કિરણ – આ સુરતી કવિઓ એક હારમાં મિત્રતાની વાત લઈને આવ્યા છે ત્યારે મારે પણ તો કંઈ કહેવાનું હશે ને? તો આ છે મારી વાત –

બિમારી હતી શી મને મીઠી, યાર ?
રૂઝાયા નથી જે દીધા ઘાવ છે.

ફરક આવ્યો આ ક્યાંથી મિત્રમાં, મારી બળી લંકા,
વફાના ખાધા જેણે સમ, હતાં એ સૌ વિભીષણ સમ.

ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,
ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.

એવી રીતે તો મને ના કાઢ જીવનમાંથી, દોસ્ત !
છાપું હો ગઈકાલનું કે દૂધમાં પોરા ન હોય !

યારોને મારા માટે જુઓ, કેવી પ્રીત છે !
જખ્મોને ટેકવા રચી મીઠાની ભીંત છે.
દિલમાં હતી જે વાત, જમાના સુધી ગઈ,
આ મિત્રતા છે, મિત્રતાની આ જ રીત છે.

-વિવેક ટેલર

મિત્રતાને લગતા શેરોનો આપણે ત્યાં ખજાનો છે… આપની પાસે આવા શેર હોય તો મને ઈ-મેઈલથી મોકલી આપશો. આવતા શનિવારે એને આપના સૌજન્યસ્વીકાર સાથે અહીં સ્થાન આપીશું.

17 Comments »

 1. SV said,

  August 6, 2006 @ 8:25 am

  Excellent compilation! Thank you.

 2. સુરેશ જાની said,

  August 6, 2006 @ 8:58 am

  અધધધ ! આટલો બધો ખજાનો ઠાલવી દીધો દોસ્ત !

 3. સુરેશ જાની said,

  August 6, 2006 @ 9:00 am

  હિંદી માં ચાલે તો –

  દોસ્ત દોસ્ત ના રહા. પ્યાર પ્યાર ના રહા
  જિંદગી મુઝે તેરા એતબાર ના રહા.

 4. Mital said,

  August 6, 2006 @ 10:24 am

  વિવેક ભાઇ,

  જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
  બહુ ઓછા પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા.

  મને ગમતા સૌથી વધુ નઝ્મ મા થી એક!

  આભાર,
  મીતલ

 5. ધવલ said,

  August 6, 2006 @ 2:00 pm

  ઉત્તમ સંકલન !! મઝા આવી ગઈ. દોસ્તીની વાત નીકળે તો હેમેન શાહનો આ શેર યાદ આવે જ…

  -તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
  લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

 6. ઊર્મિસાગર said,

  August 6, 2006 @ 7:35 pm

  Very nice collection… Thanks Vivekbhai!!

  ‘બેફામ’સાહેબનાં બે શેરોને તમારા સંકલનમાં ઉમેરું છું…

  લ્યો બોલીને તમે પણ મિત્રતા પૂરી કરી નાંખી,
  લ્યો મેં પણ ચુપ રહી પૂરી વફાદારી કરી લીધી.

  મારું જીવનકાર્ય મિત્રોએ કર્યુ મર્યા પછી,
  સૌ રડ્યા બેફામ જ્યારે મુજથી રોવાયું નહિં.

  ઊર્મિસાગર
  https://urmi.wordpress.com

 7. Jayshree said,

  August 6, 2006 @ 10:39 pm

  વાહ વિવેકભાઇ… મઝા પડી ગઇ…

  લયસ્તરોના દરિયામાં ડુબકી મારો એટલી વાર મોતી મળે. પરંતુ આજે તો આખે આખી માળા મળી..

 8. nilam doshi said,

  August 8, 2006 @ 6:16 am

  વિવેકભાઇ,
  મૈત્રી જાળવવાની વાત કરી આપે મિત્રતાને જીતી લીધી.
  લયસ્તર નું સ્તર અલગ અને ઉચુ છે.
  મારી પાસે હોય તે મારું,
  ને તારી પાસે હોય તે તારું,
  તારું મારું કરીએ હવે સહિયારું.

  અત્યારે પુરુ યાદ નથી આવતુ.પણ મજા આવી ગઇ.આભાર

 9. nilam doshi said,

  August 8, 2006 @ 6:17 am

  your collection is nice.enjoying.
  nilam doshi

 10. Meena said,

  August 25, 2006 @ 12:41 pm

  maitri aetlay swaash leva.

 11. Meena M Chheda said,

  August 26, 2006 @ 9:52 pm

  આપણી તો મૈત્રી બસ એટલી જ
  તું લે શ્વાસ, ને નાડી ચાલે મારી.

 12. Vimal islnaiya said,

  November 23, 2006 @ 3:14 pm

  દુનિયામા સૌથી મુલ્યવાન સંબંધ્…..મિત્રતાનો…….

  ભગવત ગીતામાં ભગવાને અર્જુનને પણ મિત્ર કહ્યો છે…..

  વિમલ ઈસલાણીયા..
  gujaratification@yahoo.com

 13. લયસ્તરો » ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે - ૩ said,

  April 14, 2007 @ 1:34 am

  […] ગયા વર્ષે મિત્રતાને લગતા શેરોની બે શૃંખલા ‘ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે” નામથી (ભાગ-૧, ભાગ-૨) રજૂ કરી હતી. ત્યારે આપણી અને આપણી પાડોશી ભાષાઓમાં પ્રાચીનકાળમાં દોહરા, સાખી, સવૈયા, કુંડળિયા, સુભાષિતો જેવા સ્વરૂપે કરાયેલા મિત્રતાનું શબ્દાંકન રજૂ કરવાની ઈચ્છા થઈ હતી. આપણા સાહિત્યના ભવ્ય ભૂતકાળને મિત્રતાની પરિભાષામાં આજે રજૂ કરું છું: […]

 14. Dinesh Gajjar said,

  April 17, 2007 @ 2:52 am

  Very nice collection…

  Congratulation..

 15. sonu Dwivedi said,

  August 7, 2011 @ 6:29 am

  sir jitna bhi samajh me aaya mujhe,mujhe bahot pasand aaya.

 16. Suresh Shah said,

  June 8, 2017 @ 4:47 am

  બહુ ગમ્યુ.
  આભાર.

 17. Sathavara sujal said,

  November 10, 2017 @ 6:20 am

  કાંઈક કેટલીય જૂની મિત્રતા નો એ ફોળ પાડતા ગયાં,
  એમનાથી રેહવાયું નહીં એટલે રીસામણાં નો ઢોળ ઢાળતા ગયાં..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment